માનવજાતનો નવો મનોરોગ-ડિઝિટલ ઈગો
સોશ્યલ મીડિયા જનિત રિએક્ટિવ મનોવૃત્તિને કારણે સ્વ-અગ્રતાક્રમો પડતા મૂકીને લોકો સતત પ્રત્યાઘાતી થવા તરફ ધકેલાતા જાય છે જે એની સરેરાશ સુખાકારી ઘટાડે છે
માણસજાત એક ડિઝિટલ યુગમાં પ્રવેશી ગઇ છે અને એને ઘણો સમય પસાર થઇ ગયો છે. ટેકનોલોજી એ હદે આગળ વધી ગઇ છે કે જેઓ એને સંપૂર્ણ જાણે છે તેઓ એના દુરુપયોગનો એક પણ કીમિયો જતો કરતા નથી. જેની પાસે આ ટેકનોલોજીને પોતાના સ્વાર્થમાં મિસયુઝ કરતા આવડે છે તેઓ અનેક ખેલ કરી શકે છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર તેઓ સત્તામાં આવ્યા એ પ્રથમ દિવસથી આજ સુધી એવો આરોપ મૂકાતો રહ્યો છે કે તેઓ રશિયન વડા વ્લાદિમિર પુતિનની કોઇક રહસ્યમય ટેકનોલોજિકલ મદદથી સત્તા પર આવ્યા છે.
ડિઝિટલ યુગે માણસજાતના વર્તમાન અને ભવિષ્યને જાણે કે ટેકનોલોજીને જ સોંપી દીધું છે. વ્યક્તિગત રીતે જુઓ તો દરેકની એક નવી ડિઝિટલ ઓળખ બનવા લાગી છે. એમાં એ જોખમ રહે છે કે વ્યક્તિ પોતાની વાસ્તવિક ઓળખ વીસરી જઇને ડિઝિટલ 'પહેચાન'ને એ જ પોતે છે એમ માનવા લાગે. ત્યાંથી એના ડિઝિટલ ઈગોની શરૂઆત થાય છે. આજકાલ દરેક વ્યક્તિને એક ડિઝિટલ ઈગો છે અને જેમને નથી તે આવનારા સમયમાં વિકસશે, તેઓ જાતે વિકસાવી લેશે.
ડિઝિટલ ઈગો આપણી વર્ચ્યુઅલ પ્રવૃત્તિઓમાંથી જન્મે છે અને તબક્કાવાર એ સાત આસમાનની ઊંચાઇએ પહોંચી જાય છે, કારણ કે દરેક વાસ્તવને એક મર્યાદા હોય છે પરંતુ વર્ચ્યુઅલ અસ્તિત્વ તો અનંત અને અમર્યાદિત છે. સોશ્યલ મીડિયા શરૂઆતમાં તો માત્ર લોકોને એકબીજા સાથે હળવામળવાનું માધ્યમ હતા. પરંતુ ક્રમશઃ એની લોકપ્રિયતા સતત અનિવાર્યતા ધરાવતા માધ્યમમાં રૂપાંતરિત થયા. ધીરે ધીરે સોશ્યલ મીડિયાએ આપણી જિંદગીને છાને પગલે નિયંત્રિત કરવાની શરૂઆત કરી.
માત્ર બાહ્ય જ નહિ, આપણું આંતરિક અને અમુક હદે અંગત જીવન પણ એનાથી પ્રભાવિત થવા લાગ્યું છે. એનાથી આપણા જાગૃત અને અર્ધજાગૃત બન્ને મન પ્રભાવિત થઇ રહ્યા છે. એટલે કે ચેતન અને અચેતન એમ બન્ને ભૂમિકાએ સોશ્યલ મીડિયાએ અસરો ઊભી કરી છે. એને કારણે હવે દુનિયામાં વર્ચ્યુઅલ વર્લ્ડમાં ડિઝિટલ ઈગો અને ઈ-ડાઉટ જેવી નૂતન વિભાવનાઓ આકાર લેવા લાગી છે.
કોરિયન એડવાન્સ્ડ ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રોફેસર જેકબ વેન કોકસવિઝે પોતાના નવા પુસ્તક 'ડિઝિટલ ઈગો - વર્ચ્યુઅલ આઈડેન્ટિટી' દ્વારા આ નવી અવધારણાને જગત સમક્ષ પ્રગટ કરી છે. કોઇ પણ નાગરિકની વર્ચ્યુઅલ ઓળખ તેની માત્ર ઓનલાઇન પહેચાન નથી, પરંતુ એ એક નવી ટેકનોલોજિકલ અને સામાજિક ઘટના છે. આ એવી ઘટના છે જે આપણા આવનારા યુગમાં માનવ - માનવ વચ્ચેના પારસ્પરિક સંબંધચક્રને ધરમૂળથી બદલવા માટે સક્ષમ છે.
લોકોની વર્ચ્યુઅલ સ્પેસ પર નિર્ભરતા વધવા લાગી છે. મોબાઇલ ફોનમાં ઉપલબ્ધ વિરાટ દુનિયાને કારણે હવે એ જ્યાં છે ત્યાં એને સંકડાશ મહેસૂસ થતી નથી. કોઇ એક ઈમારતના ખૂણે એક પગથિયે ઢળતી સાંજે એક યુવાન પોતાનો મોબાઇલ સ્ક્રીન પર માથુ ઝૂકાવીને ન જાણે ક્યાંનો ક્યાંય સ્વૈર વિહાર કરી આવે છે. એ પોતાની કેટલીક પોસ્ટના પ્રત્યાઘાત ચાહે છે અને સામે અન્ય અનેકને તે પોતાના રિએકશન મોકલે છે.
આ નિત્યની પ્રવૃત્તિ હોવાને કારણે એનો સ્વભાવ જ રિએક્ટીવ થવા લાગ્યો છે, જેની કદાચ એને પોતાને ખબર નથી. આપણી આસપાસની દુનિયા બહુ વિશાળ છે અને તમામ ઘટનાઓના પ્રત્યાઘાત આપવા બિલકુલ જરૂરી નથી. તો પણ હવે એ રિએક્ટીવ મોડ પર જ પોતાની જાતને રાખે છે. આ દુનિયામાં બધું જ આપણી પસંદગી પ્રમાણેનું નથી અને એટલે બધી જ બાબતો અંગે આપણે કોઇ રિમાર્ક કે અભિપ્રાય આપવા જરૂરી હોતા નથી.
કારણ કે આપણી પાસે પોતાની એક એવી રમણીય જિંદગી છે જેને એટેન્ડ કરવાની છે ને વધુ સુંદર બનાવવાની છે, પરંતુ રિએક્ટીવ મનોવૃત્તિને કારણે સ્વ-અગ્રતાક્રમો પડતા મૂકીને લોકો સતત પ્રત્યાઘાતી જીવન જીવવા તરફ ધકેલાતા જાય છે જે એની સરેરાશ સુખાકારીને ઘટાડે છે.
આ એ ડિઝિટલ ઈગો છે જે મનુષ્યને સુખચેનથી જંપીને બેસવા દે એમ નથી. સોશ્યલ મીડિયાના માધ્યમથી જ લોકો સંબંધોનું મૂલ્યાંકન કરવા લાગ્યા છે. આપણે જ્યારે બીજાઓને કે બીજાઓ આપણને સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર આવકારે કે નકારે ત્યારે ડિઝિટલ ઈગો પ્રવૃત્ત થઈ જાય છે, ક્યારેક તો પ્રત્યાઘાતોથી ઘેરાઈને ડિજિટલ ઈગો ધૂણવા લાગે છે, જેને કારણે સોશ્યલ મીડિયા દ્વારા જ જુગજુના સંબંધો પર પૂર્ણવિરામ પણ મૂકાઈ જાય છે. નિષ્ણાતો કહે છે કે રૂબરૂ મતભેદ કે અથડામણથી ય સોશ્યલ મીડિયા પરની ટક્કર વધુ ખરાબ હોઈ શકે છે. કારણકે ઓનલાઈનને બદલે ખરેખર વાસ્તવિક રીતે લોકો એકબીજાની સન્મુખ હોય ત્યારે અધિક વિનમ્ર હોય છે.
ક્યારેક નવા અપડેટ કરાયેલા સ્ટેટસ કે પોસ્ટ પર અજાણ્યા લોકો પણ રિમાર્ક કરવા લાગે છે. એવા લોકો કે જેમની સાથે અપડેટરને કોઈ સંબંધ હોતો નથી. એમાં જ અભિપ્રાયને સમજ્યા વગર એના વળતા ઘા જ્યારે પડઘાવા લાગે છે ત્યારે ડિજિટલ ઈગો ડિસ્ટર્બ થાય છે અને તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે, જેમકે કોઈને અનફ્રેન્ડ કરવા કે બ્લોક કરી દેવા વગેરે. આ એક મનોવૈજ્ઞાાનિક પ્રક્રિયા છે.
એટલે જ બહુ વધારે વિકસી ગયેલા ડિજિટલ ઈગોને હવે એક પ્રકારનો મનોરોગ માનવામાં આવે છે. ડિજિટલ ઈગોને ઓળખવો આસાન નથી. આ એક નવા જ પ્રકારનો અહંકાર છે જે હજારો વરસોની લાંબી સફર પછી માણસજાતમાં ઉદ્ભવ્યો છે. મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર પછી હવે આ એક નવો ડિજિટલ ઈગો મનુષ્યના આંતરિક વ્યક્તિત્વમાં પડાવ નાંખીને બેઠો છે. ઈન્ટરનેટ કે સોશ્યલ મીડિયા પર થતી અવહેલના માત્ર એમ જ કોઈ સહજ ચેષ્ટા છે કે એના કારણો છે ? એ ઉપભોકતા જલદી સમજી શકતો નથી.
ઓનલાઈન પ્લેટફોર્મ પર આપણા ચહેરાના કોઈ હાવભાવ જીવંત રીતે દેખાતા નથી અને અવાજનો રણકો કે છટા પણ હોતા નથી. એવા સંયોગોમાં કોઈએ મોકલેલા મેસેજ કે પોસ્ટ અથવા ઈ-મેઈલની વ્યાખ્યા ખોટી થઈ જવાની સંભાવના રહે છે. ઈ-ડાઉટની શરૂઆત અહીંથી થાય છે. ઈ-ડાઉટ એટલે સોશ્યલ મીડિયાને કારણે વ્યક્તિમાં જન્મતી વૈવિધ્યપૂર્ણ આશંકાઓ ! એટલે કે એક એવો શક કે જે આપણી વર્ચ્યુઅલ ગતિવિધિઓમાંથી જન્મે છે, જેને આપણા વાસ્તવિક જીવન સાથે તો કંઈ જ લેવાદેવા હોતા નથી.
આપણું મન અને સ્વભાવ ડિજિટલ યુગને પસંદ કરે છે કારણ કે એ વ્યક્તિવાદને પ્રોત્સાહન આપે છે. આઈ, મી, માય, વગેરે ! વાસ્તવમાં સૂક્ષ્મ રીતે જુઓ તો દરેકનો ફોન આ અર્થમાં તો 'આઈ' ફોન જ હોય છે ! અહીં સામુદાયિક જીવનની કોઈ જગ્યા નથી, અને એટલે જ લોકો વધુમાં વધુ લાઈક્સ, શેર અને દોસ્ત આ વર્ચ્યુઅલ દુનિયામાં પ્રાપ્ત કરવા ચાહે છે, એને કારણે લોકો પોતાના વર્તમાનનું અઢળક સુખ પડતું મૂકીને ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ઝૂલતા રહે છે ! આપણી પસંદગીની મનોમન જે કંઈ ધુન હોય એની સંગાથે આપણે માનસિક રીતે વર્તમાન સ્થિતિથી છુટકારો પામીને પોતાના અસ્તિત્વને અલગ ડિજિટલ 'વાસ્તવિકતા'માં પરિવર્તિત કરી શકીએ છીએ.
ડિજિટલ ઈગોની પકડમાં આવી ગયેલું મન ભૂતકાળ માટે તરસતું હોય છે કારણ કે તે પોતે જ પોતાની વ્યાખ્યા નક્કી કરે છે. એ જ રીતે આ અહંકાર ડિજિટલ ઈગો પોતાની કોઈક પરિપૂર્તિ માટે ભવિષ્યની તલાશમાં કંઈ કંઈ અજાયબ સંવેદનો અભિવ્યક્ત કરી દે છે. ફેસબુક જેવી તમામ સોશ્યલ નેટવર્કિંગ સાઈટસની સફળતાની પાછળ આપણા દિલોદિમાગની આ પ્રવૃત્તિ જ જવાબદાર છે.
આ ડિજિટલ ઈગો આપણી રોજબરોજની જિંદગીનો અનિવાર્ય હિસ્સો છે અને એટલે આપણને સંપૂર્ણ વર્ચ્યુઅલ થતાં તો આપણી સમસ્યાઓ જ ઉપકારક થઈને બચાવી શકશે ! એક તરફ આપણા સામાજિક સંબંધોનું હૃદયગુંફન ઝડપથી સંકેલાઈ રહ્યું છે અને જગતના ચોકમાં નવા સંબંધોના હજારો તાર જોડાઈ રહ્યા છે ! આ વિચિત્રતા છે, વિશિષ્ટતા છે કે વિપત્તિ છે એ સમજતા માણસજાતને વાર લાગશે, ઘણીવાર લાગશે !