નવ મહિના વહેલી ચૂંટણીમાં ઘમરોળાતું તેલંગણા
રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કે. ચન્દ્રશેખર રાવને પોતાની ઉદ્ધારક ઈમેજ પર ભરોસો છે પરંતુ નાણાંની રેલમછેલ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તેઓ ભીંસાઇ ગયા છે
તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ દેખીતી રીતે તો આત્મવિશ્વાસથી ભરપૂર છે, પરંતુ નજીક આવી રહેલી સાતમી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણીથી ચિંતિત છે.
જ્યારે ઈ.સ. ૨૦૧૪માં તેલંગણા આન્ધ્રપ્રદેશથી અલગ થઇને અસ્તિત્વમાં આવ્યું ત્યારે એના ભાગે દસ જિલ્લાઓ આવ્યા હતા પરંતુ એના બે વરસ પછી જિલ્લાઓની નવરચના કરીને કુલ ૩૧ જિલ્લા બનાવવામાં આવ્યા. તેલુગુ ભાષી પ્રજા દેશની પ્રાચીની અને સિદ્ધાન્તવાદી પ્રજા માનવામાં આવે છે.
ભારતીય ભાષાઓમાં વિદ્વાનોનો જે આદર તેલુગુ પ્રજા કરે છે તેવો આદર અન્ય રાજ્યોમાં નથી. એક જમાનામાં બંગાળમાં પણ આવી જ સાંસ્કૃતિક અને સાહિત્યિક ભવ્યતાઓ હતી જે હવે લુપ્ત થઇ ગઇ છે. તેલંગણામાં વિધાનસભાની ૧૧૯ બેઠકો છે. કૃષ્ણા અને ગોદાવરી નદીના કિનારે ઉછરેલી પ્રજા અહીં છે.
કે. ચંદ્રશેખર રાવ અત્યારે તેલંગણાના રખેવાળ મુખ્યમંત્રી છે, કારણ કે તેમણે વહેલી ચૂંટણી યોજવાની મુરાદથી ગયા સપ્ટેમ્બરમાં વિધાનસભા વિખેરી નાંખી હતી. તેઓ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી છે અને સમગ્ર રાજ્યમાં એમનો જૂની પેઢીના નેતાઓ જેઓ વિરલ કહેવાય એવો પ્રભાવ છે તો પણ આ વખતની ચૂંટણી જીતીને ફરી સત્તા પર આવવાનું કામ તેમને માટે સરળ કે સુગમ નથી.
રાજ્યમાં અત્યારે શાસક પક્ષ તરફનો માહૌલ છે એ ફરી જીત અપાવનારો છે એમ માનીને ચંદ્રશેખર રાવે આગોતરા જ વિધાનસભા ભંગ કરી દીધી. રાવનો પક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિ છે જેના તેઓ પ્રમુખ પણ છે. અલગ તેલંગણા રાજ્યની ચળવળના તેઓ પોતે જ જન્મદાતા છે. એટલે તેલંગણાની પ્રજા હજુ તેમને પોતાના આત્મગૌરવની પુનઃ સ્થાપના કરી આપનારા ઉદ્ધારક નેતા તરીકે જુએ છે.
એમણે જ્યારે વિધાનસભા ભંગ કરી ત્યારે જ વિચારી લીધું હતું કે છ મહિના પછી દેશની રાજકીય સ્થિતિ ડામાડોળ હશે. લોકસભાની ચૂંટણી સાથે કે એના પછી જો તેલંગણા વિધાનસભાની ચૂંટણી યોજાય તો વિવિધ રાજકીય - રાષ્ટ્રીય ઘટનાક્રમોની છાલક રાવના વફાદાર મતદારોના માનસ પર ઊડી શકે છે. એટલે એમણે દેશના અન્ય ચાર રાજ્યોની વિધાનસભાની આવી રહેલી ચૂંટણી સાથે જ પોતાનું ગણિત લડાવ્યું જેથી 'બહારના પવન' રાજ્યમાં બહુ વધારાના વિઘ્નો ઊભા ન કરી શકે.
ઉપરાંત વિપક્ષોના સ્ટાર પ્રચારકો પણ પાંચ રાજ્યોમાં વહેંચાઇ ગયા હોવાથી એકલા તેલંગણા પર તૂટી ન પડે. રાજકીય કુનેહ અને કાબેલિયતમાં કે. ચંદ્રશેખર રાવ છતાં એવું તો નથી કે એમની સામે કોઇ ઝંઝાવાત નથી. છેલ્લા થોડાક જ દિવસોમાં રાજ્યમાંથી પોલીસ, આવકવેરા ખાતે અને ચૂંટણી પંચ દ્વારા કુલ ૭૫ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે જે દર્શાવે છે કે ભૂગર્ભમાં નાણાંની વિકરાળ હેરાફેરી ચાલુ છે.
આ ઘટનાઓને સમાંતર સાત કરોડ રૂપિયાનો શરાબી પુરવઠો પણ જપ્ત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રાવ ચાલાક છે. જ્યારથી ચન્દ્રાબાબુ નાયડુ અને ભાજપ વચ્ચે તિરાડ પડી ગઇ છે ત્યારથી તેઓ રાષ્ટ્રીય સ્તરે ભાજપ તરફ કુણું વલણ દાખવે છે.
ભાજપના દિગ્ગજોએ રાજ્યમાં કરેલા પ્રચારમાં સત્તારૂઢ તેલંગણા રાષ્ટ્ર સમિતિની અનેકવાર 'મરજાદ' જાળવી છે જે બતાવે છે કે ચૂંટણીના મેદાનમાં સામસામા હોવા છતાં મિસ્ટર રાવ અને મિસ્ટર મોદી વચ્ચેનો કોઇક એક સૂર કે એક તાલ તો છે જ જે અત્યારે રહસ્યમય છે.
તેલુગુ દેશમ્ પાર્ટીના વડા અને આન્ધ્રના મુખ્યમંત્રી ચન્દ્રાબાબુ નાયડુ સાથે સંબંધો સંકેલાઇ ગયા પછી ભાજપે પ્રાદેશિક પક્ષો સાથે ઓછામાં ઓછો વિખવાદ કરવાની નીતિ અખત્યાર કરી છે. જો દક્ષિણ ભારતમાં ભાજપ જરાક પણ ભૂલ કરે તો એની અસર સમગ્ર દક્ષિણના રાજ્યો પર પડે છે, કારણ કે આમ ટુકડાઓમાં વહેંચાયેલું હોવા છતાં સમગ્ર દક્ષિણ ભારતના જનસમુદાય અને નેતાઓની માનસિકતા ઉત્તર (જેમાં પૂર્વ-પશ્ચિમ આવી જાય છે) ભારતીય નેતાઓના વિરોધની છે.
દક્ષિણ ભારતીય નેતા કે પ્રજાને મન રાષ્ટ્રીય પક્ષો 'બાહરી' પરિબળ છે અને પ્રાદેશિક પક્ષોને જ તેઓ પોતાના ગણે છે. છતાં આ જ દક્ષિણમાં અગાઉ કોંગ્રેસે અનેક ઉથલ પાથલ કરીને પોતાનો પગદંડો જમાવ્યો હતો અને હવે એ જ તોરતરીકાઓથી ભાજપ પણ પ્રયાસો કરે છે.
કારણ કે ન જાણ્યું જાનકી નાથે કે ઈ.સ. ૨૦૧૯માં શું થવાનું છે ! શક્ય છે કે સારા સંબંધો જાળવેલા કેટલાક પ્રાદેશિક પક્ષોના હલેસાથીય ભાજપની નૌકા પાર કરવાનો વખત આવે ! જે જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે અને જે પરિણામો અગિયારમી ડિસેમ્બરે પ્રગટ થવાના છે એના પર દેશ આખાની નજર છે. તેલંગણાના ભાજપના નેતાઓને આશા છે કે આ વખતે રાજ્ય રાષ્ટ્રીય પ્રવાહમાં આવી જશે, જ્યારે કોંગ્રેસને એક મજબૂત વિરોધ પક્ષ તરીકે સજીવન થવાની આશા છે.
કોંગ્રેસે અહીં બેરોજગાર યુવક-યુવતીઓને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લીધા છે અને સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી હોવાની ચિનગારી ચાંપી છે, જેનો નવી પેઢીમાં કંઇક પ્રભાવ જોવા મળે છે. કોંગ્રેસે એવી જાહેરાત કરી છે કે અમે જો રાજ્યમાં સત્તામાં આવીશું તો તમામ બેરોજગારોને દર મહિને રૂપિયા ત્રણ હજારનું બેરોજગારી ભથ્થું આપીશું જે તેઓને નોકરી મળે ત્યાં સુધી ચાલુ રહેશે.
તેલંગણામાં ગ્રેજ્યુએટ બેકારોની સંખ્યા નાની નથી અને દેશમાં એ અંગે તેલંગણા ત્રીજા ક્રમનું રાજ્ય છે. રાહુલ ગાંધીએ અહીં સંબોધેલી સભાઓમાં કિસાનોના રૂા. બે લાખ સુધીના દેવા માફ કરવાનું પણ વચન આપી દીધું છે. ઉક્ત કારણોસર બેરોજગાર યુવાનો અને કિસાનોમાં કોંગ્રેસની હવા ચાલી છે.
પરંતુ પારિવારિક રીતે જુઓ તો તેલંગણાના લાખો પરિવારો એવા છે કે જેમના ઘરની દિવાલ પર કે. ચંદ્રશેખર રાવની તસવીર દેખાય છે. તેઓ મિસ્ટર રાવને રાજ્ય રચનાના મુખ્ય રાજનેતા તરીકે સન્માનથી જુએ છે. એટલે મતનો પ્રવાહ કઇ તરફની દિશા પસંદ કરશે એ અનિશ્ચિત છે.
તેલંગણા નવું રાજ્ય છે અને એની રચનાથી આજ સુધીના ચારેક વરસમાં મુખ્યમંત્રી રાવે અઢળક ખર્ચ કર્યા છે. વિરોધ પક્ષો સતત કહેતા રહ્યા છે કે તેલંગણા બે લાખ કરોડ રૂપિયાના દેવાના પહાડ તળે દબાયેલું છે. કોંગ્રેસે અહીં ઓનલાઇન સેવાઓનો ભાજપથીય અધિક ઉપયોગ કરીને રાજ્યના ૩૦ લાખ યુવા બેરોજગારો સાથે સંપર્કસેતુ રચી લીધો છે જે મિસ્ટર રાવને તકલીફમાં મૂકી શકે છે.
રાજ્યમાં એવી દંતકથાઓ પણ વહેતી થયેલી છે કે વિધાનસભા ચૂંટણી પછી મિસ્ટર રાવ સંપૂર્ણ રીતે કે કોઇક પ્રયુક્તિથી ભાજપના ખોળે બેસી જશે. ભાજપે જો કે અહીં નવી યુક્તિ અજમાવી છે. એણે સત્તાધારી તેલંગણા રાષ્ટ્ર સમિતિના કેટલાક નેતાઓ અને કાર્યકરોને હાથોહાથ 'શુભેચ્છા' આપીને તેઓને તેમના જ પક્ષમાં રહીને ભાજપને ફાયદો કરાવી આપવા માટે લલચાવ્યા છે.
એને કારણે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવના આ પક્ષમાં આંતરિક અવિશ્વાસનનું એક નવું વાતાવરણ પેદા થયેલું છે. ચૂંટણીના દિવસો સાવ નજીક છે ત્યારે હજુ ભાજપ છેલ્લી ઘડીના અનેક દાવ ખેલી શકે છે.
ગ્રામ વિસ્તારોમાં પછાત અને દલિતોને સંખ્યા પણ વજન ધરાવે છે, એટલે જ તો મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે એવી જાહેરાત કરી છે કે અમારો પક્ષ ફરી સત્તામાં આવશે તો અમે કોઇ દલિત નેતાને મુખ્યમંત્રીના આસન પર બેસાડીશું. એનાથી રાજ્યના અનેક કેટેગરીના વંચિતોમાં એક નવું આશાનું કિરણ પહોંચ્યું છે.
તેલંગણાની પ્રજા નાણાં લઇનેય પોતાના હૃદયને પલટાવે એવી નથી અને આન્ધ્રની પ્રજાના પણ એ જ લક્ષણો છે છતાં રાજકારણીઓ જ્યાં મંથન ચાલુ કરે છે ત્યાં ચોતરફ ઉછળતી ભ્રષ્ટતાઓ પ્રજાને કોઇને કોઇ રીતે નૈતિક નુકસાન કર્યા વિના રહેતી નથી એ ન્યાયે એ જ હાલત અત્યારે તેલંગણાની પ્રજાની થઇ રહી છે.
નવ મહિના વહેલા વિધાનસભા ચૂંટણીને આહ્વાન આપનારા મુખ્યમંત્રી રાવ માટે તો સગી આંખે જુએ કે દૂરબીનથી જુએ, પ્રતિક્ષણ ચિત્ર કેલિડોસ્કોપની જેમ ડિઝાઇન બદલતું રહે છે. રાવને પોતાની શાખ પર વિશ્વાસ છે અને સંઘની શાખાઓ તથા ભાજપ એમને નજીક રાખીને હટાવવા ચાહે છે એટલે અનેક સંદિગ્ધતાઓ વચ્ચે ખેલ જામેલો છે.
આન્ધ્રમાં બેઠા બેઠા હજુય તેલંગણા પર શાસન કરવાની મનોકામના રાખતા તેલુગુ દેશમના મુખ્યમંત્રી ચન્દ્રાબાબુ પણ આ મહાભારતમાં ગળાડૂબ છે, એમની પાર્ટીના ઉમેદવારો પણ પ્રચાર નિમગ્ન રહીને રાવની ઈમેજને લાંછન લગાવવામાં વ્યસ્ત છે.
- અલ્પવિરામ