વ્હીસલ બ્લોઅરની સુરક્ષાનો કાયદો ભારતમાં છે ?
હવે સહુ પાસે જાસૂસી કરવાનો પૂરતો સરંજામ છે. સામાન્ય પ્રજા પાસે ભલભલાના આસન-સિંહાસન ડોલાવી દેનારી ટેકનોલોજી પહોંચ્યા પછી જ વ્હીસલબ્લોઅરના જમાનાનો ઉદય થયો છે
પ્રાચીન સમયમાં પ્રત્યાયનના સાધનો ન હોવાથી નગરના ચોકમાં ઢંઢેરો પીટવામાં આવતો જેથી નગરજનોને જરૂરી માહિતી પહોંચાડી શકાય. કોમ્યુનિકેશનના સાધનોની એક પછી એક શોધ થયા પછી ઢંઢેરો પીટવો - એ શબ્દપ્રયોગ નકારાત્મક અર્થમાં વપરાવા લાગ્યો. અમેરિકામાં રાજકીય અને આથક સ્તર ઉપર સતત થઈ રહેલા ઝંઝાવાતોને કારણે ઢંઢેરા પીટનારાઓ માટે એક નવો ફેન્સી શબ્દ ચલણી બન્યો જેને આપણે વ્હીસલ બ્લોઅર તરીકે ઓળખીએ છીએ.
પોલ છતી કરનારને વ્હીસલ બ્લોઅર કહેવાય. જેમ સીટી વગાડનાર ભરચક મેદનીમાં પણ છતો થયા વિના રહેતો નથી એમ સરકાર કે કોઈ મોટી કંપનીની પોલમપોલને ઉજાગર કરનારો પણ વધુ વખત છુપાઈને રહી શકતો નથી માટે તેને વ્હીસલ બ્લોઅર કહેવાય છે. ઉપરાંત એ સાવચેતીની ઘંટડી રૂપે સિસોટી વગાડે છે એ અર્થ પણ એમાં છે.
પણ હકીકતમાં તો ખોટું થયાની ચાડી ખાનારને સેવાભાવી માણસ કહેવાય અને એની રક્ષા થવી જોઈએ. આપણા દેશમાં આવા સેવાભાવી માણસોની સંખ્યા ખૂબ વધી રહી છે. શું આપણો કાયદો આવા બહાદુર લોકોને સુરક્ષા આપે છે ?
વ્હીસલ બ્લોઇંગની પ્રક્રિયા એવી છે જે સત્યને પ્રગટ કરે છે અને ખોટાનો નિકાલ કરે છે. દરેકના ફોનમાં કેમેરા, ઇન્ટરનેટની સવલત અને સોશ્યલ મીડિયાનું વિશાળ પ્લેટફોર્મ છે. આપણે એક એવા યુગમાં આવી પહોંચ્યા છીએ જેમાં બધા પાસે જાસૂસી અને જાસૂસીના પરિણામો જાહેર કરવાનો પૂરતો સરંજામ છે. સામાન્ય પ્રજા પાસે આ અત્યંત ઘાતક અને ભલભલાના આસન-સિંહાસન ડોલાવી દેનારો સરંજામ પહોંચ્યા પછી જ વ્હીસલબ્લોઅરના જમાનાનો ઉદય થયો છે અને આપણે એના ફળ પણ ચાખી ચુક્યા છીએ.
નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેન્ક સાથે જે કૌભાંડ કર્યું અને એ કૌભાંડ ઉપર રમૂજો અને ટીકાઓ વહેતી થઈ એ એક વ્હીસલબ્લોઅરને કારણે જ સંભવ બન્યું. બેંગલોરમાં રહેતા હરિપ્રસાદ એસવી નામના એક રોકાણકારે આ મોદી-ચોકસીનું ભીષણ કૌભાંડ બહાર પાડયું અને તે બંને કૌભાંડકારોએ રાતોરાત સ્વદેશ છોડીને ભાગી જવું પડયું. ઇન્ફોસિસ જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરતા કર્મચારીઓ પણ વ્હીસલબ્લોઅર બન્યા છે અને ઇન્ફોસીસની આબરૂને લાંછન લાગ્યું છે.
જાહેર કે ખાનગી સંસ્થામાં જો કંઈ અનૈતિક, ગેરકાયદે, ગેરબંધારણીય અને ભ્રષ્ટાચારથી ખરડાયેલું કામ થતું હોય અને એ કામની સાબિતી સાથેની માહિતી કોઈ માણસ પાસે આવી જાય તો એ વ્હીસલબ્લોઅર બની શકે છે. અને હવે તો એવી તક કોઈ જતી કરતુ નથી. સરકારી કે ખાનગી કંપનીના કૌભાંડો તેઓ ખુલ્લા કરી શકે છે. પરંતુ જનહિતાર્થે ઢંઢેરો પીટનારા અને અસત્ય સામે આંગળી ચીંધનારા લોકોની આંગળીઓ સલામત રહે છે ખરી ? ૨૦૧૪ ની સાલમાં 'વ્હીસલબ્લોઅર પ્રોટેક્શન એક્ટ-૨૦૧૪' સંસદના બંને ગૃહોમાંથી પસાર થયેલો, એ પણ રાષ્ટ્રપતિની સહી સાથે.
એ વાતને છ વર્ષ પૂરા થવા આવ્યા હોવા છતાં એ કાયદાનો અમલ નથી થતો. માટે વ્હીસલબ્લોઅરની આથક, સામાજિક કે કૌટુંબિક સલામતી જોખમાય છે. એમડબ્લ્યુ હાઈ-ટેક પ્રોજેક્ટ્સ ઇન્ડિયામાં એક સમયે કામ કરતા અભિષેક મિશ્રાની ગાડી ઉપર એક ટ્રકે એક્સીડેન્ટ દ્વારા હુમલો કરેલો.
કારણ કે આ ભૂતપૂર્વ કર્મચારીએ એના સાથી કર્મચારીની ગંભીર અનૈતિક પ્રેક્ટિસ ઉપર આરોપો મુક્યા હતા. આરોપો એટલા ખરા ઉતરતા અને દેખીતા હતા કે આ કંપનીએ ભારતમાં કામ કરવાનું જ બંધ કરવું પડયું અને એણે રાતોરાત એની માયા સંકેલી. સીબીઆઈએ પણ પછીથી એ પ્રકરણ હાથ લેવું પડયું.
ભારતમાં કંપનીઝ એક્ટ - ૨૦૧૩ પસાર થયેલો કાયદો છે. એ કાયદાની નીચે જ વ્હીસલબ્લોઅર પ્રોટેક્શન એક્ટ - ૨૦૧૪ ઉમેરવાનો છે પણ એનો અમલ થતો નથી. કોર્પોરેટ સેકટરમાં ખોટી પ્રેક્ટિસને દુનિયા સમક્ષ લાવનાર માણસની કારકિર્દી ખતમ થઈ જાય છે. આવા બહાદુરોને પૈસેટકે ખુવાર થવાનું આવે છે. પ્રજા ત્રસ્ત છે માટે તેને જો ક્યાંય ખોટું થતું દેખાય તો અવાજ ઉઠાવતા પહેલા તે વિચારશે નહીં. આજકાલ સોશ્યલ મીડિયાને કારણે કોઈ પણ ગેરરીતિ રમત રમતમાં વાયરલ થઈ જાય છે.
કેન્દ્ર સરકારના આંકડાઓ પ્રમાણે આ વર્ષમાં સૌથી વધુ ફરિયાદ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને વિપ્રોની વિરુદ્ધ મળી છે. ભારતની ટોચની દસ કંપનીઓ વિરુદ્ધ ફરિયાદોનો આંકડો ૪૫૫૨ છે. ગત વર્ષ કરતા બમણો વધારો થયો છે. લોકો જાગૃત બન્યા છે. મોટી કંપનીઓના ગેરવ્યવહારો સહન કરવા માંગતા નથી.
માટે તેઓ જાનના જોખમે પણ વ્હીસલબ્લોઅર બને છે. તો ભારત સરકાર આવા પ્રામાણિક લોકોને પૂરતી સુરક્ષા કેમ આપતી નથી ? બંને ગૃહોમાં ખરડો પસાર થઈ ગયો હોવા છતાં તે સામાન્ય અન્ય કાયદાઓની જેમ ચલણમાં કેમ નથી આવ્યો ?
૨૦૦૮ માં મંદી આવી અને બેંકો સાથેની રાજનેતાઓની સાંઠગાંઠ ઉઘાડી પડી. તરત જ ડોડ-ફ્રેન્ક વોલ સ્ટ્રીટ રીફોર્મ એન્ડ કન્ઝયુમર પ્રોટેક્શન એક્ટ અમલમાં આવી ગયો. આ કાયદાને કારણે જો વ્હીસલબ્લોઅરનો આરોપ સાચો હોય તો તેઓને સરકારે કંપનીને કરેલા દંડમાંથી પંદરથી ત્રીસ ટકા રકમ મળી શકે છે.
રેનબેક્ષીના દિનેશ ઠાકુરને આજથી છ વર્ષ પહેલાં સુડતાલીસ મિલિયન ડોલર મળેલા. હવે તો ત્યાંની લિગલ ફર્મ્સમાં વ્હીસલ બ્લોઅર માટેના સ્પેશ્યલ નિષ્ણાત વકીલોનો ટ્રેન્ડ શરૂ થયો છે. સૌથી વધુ કૌભાંડ તો આપણા દેશમાં ખુલે છે. તો ક્યાં સુધી ઢંઢેરો પીટનારાઓ અપરાધીઓના નિશાન બનતા રહેશે ?
આપણા સુધી તો ફક્ત એવા જ સમાચાર પહોંચે છે જેમાં કરોડો રૂપિયા સંકળાયેલા હોય કે મોટી મોટી કંપનીની વાત હોય. એસબીઆઈ, વીપ્રો, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ડીઆરએલ, ટીસીએસ, એલ એન્ડ ટી, સિપલા અને વેદાંત - આ આઠ-દસ કંપનીઓમાંથી આ વર્ષે સૌથી વધુ વ્હીસલબ્લોઅર આવ્યા છે.
પરંતુ બેન્ક કે હોટેલમાં કામ કરતા કર્મચારીઓ વ્હીસલ વગાડે એની પહેલા એમના હોઠ જ સિવી લેવામાં આવે છે. કો-ઓપરેટીવ કે નેશનલાઈઝડ કે પ્રાઇવેટ બેન્કના કર્મચારી જો બેન્કના મેનેજમેન્ટ સામે નક્કર દલીલો કરે અને અયોગ્ય નીતિરીતિ સામે અવાજ ઉઠાવે તો એની તરત ટ્રાન્સફર કરી નાખવામાં આવે છે અગર તો પણીચું પકડાવી દેવામાં આવે છે. હોટેલ જેવા સદંતર ખાનગી એકમમાં કામ કરનારા વ્યક્તિ સાથે તો બહુ ખરાબ વર્તાવ કરવામાં આવે છે. એને તો પછી કોઈ નોકરી જ આપતું નથી.
વ્હીસલબ્લોઅરની ઓળખાણ ગુપ્ત રહે એના માટે 'ટોર' કે 'સિક્યોરડ્રોપ' જેવા સોફ્ટવેર ઉપલબ્ધ છે જેમાં પોતાની ઓળખ છુપી રાખીને ફરિયાદ નોંધાવી શકાય છે અને સાબિતીના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાય છે. પરંતુ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તો કોર્ટમાં કેસ કરવો પડે અને કોર્ટકેસ પછી ફરિયાદીની ઓળખાણ ગુપ્ત રહેતી નથી.
વ્હીસલબ્લોઅર માટે એક અલાયદી ચેનલ વિકસાવવી પડે જેના થકી સત્યનો સાથ આપનારાની સામાજિક, આથક અને કારકિર્દીલક્ષી સુરક્ષા જળવાઇ રહે. ઢંઢેરો પીટનારા લોકો તો જ સુરક્ષિત રહી શકે જો રાજાને તેની ચિંતા હોય. પરંતુ રાજા જો વિશ્વ આખામાં નગરચર્યામાં વ્યસ્ત રહે તો ઘરઆંગણે ઢંઢેરો બોલનારા સાથે ઢોલ વગાડનારાની સલામતીની પણ કોઈ ગેરન્ટી નહીં.