મુઠ્ઠીભર કંપનીઓના સકંજામાં બજાર
રાજકીય માંધાતાઓ પોતાના સર્વ દુષ્ટ ઈરાદાઓ પાર પાડવા માટે મોટાં ઉદ્યોગગૃહોના ગળામાં પટ્ટા બાંધીને સ્વહેતુઓ સિદ્ધ કરાવી રહ્યા છે ત્યારે પ્રજાકલ્યાણનો વિચાર કોણ કરે ?
દિપાવલીના તહેવારો સાવ નજીક આવી ગયા છે છતાં બજારમાં હજુ જોઇએ તેવી રોનક દેખાતી નથી. તો પણ છેલ્લા છ-આઠ મહિનાથી જે ઠંડક હતી તે ઘટી છે અને બજારમાં ચહલ પહલ વધી છે.
ઓન લાઇન બાઝાર સતત વિસ્તરતું રહે છે અને દેશના છુટક તથા જથ્થાબંધ વિક્રેતાઓ માટે ઓનલાઇનની સ્પર્ધા કરવી એ એક નવી ઉપાધિ છે. ભારતમાં ઓનલાઇન ખરીદી વધવાનું એક કારણ વિશ્વસનીયતા છે. નેટ પર તમે જે પ્રોડક્ટ જુઓ છો તે જ તેઓ મોકલે છે.
નવી પેઢી બહુ ઝડપથી એના પર વિશ્વાસ કરવા લાગી છે. પોતાના ઘરની સામેની સોપમાં જે વસ્તુ મળે છે તે લેવા જવાને બદલે એ જ વસ્તુ તેઓ ઓનલાઇન ઓર્ડર આપીને મેળવે છે, કારણ કે એમાં વિશેષ ડિસ્કાઉન્ટ પણ મળે છે.
ભારતીય ગ્રાહક જૂની બજાર ખરીદી પધ્ધતિમાં થતી છેતરપિંડીથી હવે થાક્યો છે, એટલે તે પરિવર્તન પસંદ કરે છે. આ પરિવર્તનને કારણે દેશમાં જૂની ખરીદ પધ્ધતિ પાછી પડતા કરોડો રૃપિયાનું રોજનું ટર્નઓવર ઘટવા લાગ્યું છે. થોડાક વેપારીઓ દ્વારા થતી છેતરપિંડીની સજા આખી બજાર ભોગવી રહી છે.
તમે સનમાઇકા - પ્લાયવુડ પસંદ કરવા માટે શો રૃમમાં જાઓ તો ત્યાં બ્રાન્ડેડ કંપનીઓની શિટ બતાવવામાં આવે અને ઓર્ડર આપો એટલે ડિલિવરી થાય એ માલ બનાવટી, બે નંબરી અને હૈદ્રાબાદમાં બનેલો તકલાદી માલ હોય. ફર્નિચર બનાવનારા મિસ્ત્રીઓ પણ થાપ ખાઇ જાય એવી એમાં બનાવટ હોય છે.
આ તો એક દ્રષ્ટાન્ત છે, પરંતુ સંખ્યાબંધ ચીજવસ્તુઓમાં ગ્રાહક છેતરાયો છે. અત્યારે એ છેતરાયેલા ગ્રાહકો જ ઓનલાઇન કંપનીઓના શ્રીચરણે કરોડો રૃપિયા અર્પણ કરતા રહેવાનો અભિગમ દાખવેલો છે જે હવે પરંપરિત બજાર માટે સૌથી મોટો આઘાત છે.
ઓનલાઇનમાં એક સગવડ એ પણ છે કે ઓર્ડર આપ્યા અને ડિલિવરી મેળવ્યા પછી માલ પાછો મોકલવો હોય તો મોકલી શકાય છે, કોઇ રકઝક વિના, કંપનીનો કર્મચારી ઘરે આવી માલ પરત લઇ જાય છે ને પૂરા પૈસા તમારા ખાતામાં પાછા જમા કરાવી દેવામાં આવે છે.
ઈ.સ. ૨૦૧૫માં એક ડઝનથી વધુ ઈ-કોમર્સ કંપનીઓથી ભારતીય ઓનલાઇન માર્કેટમાં વસંતઋતુ આવી ગઇ હતી. તીવ્ર સ્પર્ધાત્મક વાતાવરણ હતું. પરંતુ હવે એવું નથી. છેલ્લા ત્રણ વરસમાં ચિત્ર સાવ બદલાઇ ગયું છે. હવે ભારતીય ઓનલાઇન બાઝાર માત્ર બે અમેરિકન કંપનીઓ પાસે આવી ગયું છે.
સૌથી મોટી રિટેઇલ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટને અમેરિકી, ગ્લોબલ રિટેઇલ દિગ્ગજ વૉલમાર્ટે ખરીદી લીધી પછી હવે વૉલમાર્ટનો મુકાબલો ઈ-કોમર્સ બજારની સૌથી મોટી કંપની એમેઝોન સાથે છે, જે બહુ પહેલેથી ભારતીય બજારમાં ઉપસ્થિત છે. ભારતની મુક્ત બજાર વ્યવસ્થાની કેવી દયનીય હાલત થઇ ગઇ છે તેનું આ દ્રષ્ટાન્ત છે. તમામ ભારતીય એટલે કે સ્વદેશી કહો કે દેશી ઈ-કોમર્સ કંપનીઓ ડૂબી ગઇ છે અને નવી કોઇ કંપની તો દૂર ક્ષિતિજ સુધી ક્યાંય દેખાતી નથી.
સ્પર્ધાનું વાતાવરણ જામે એ પહેલા જ મર્યાદિત કંપનીઓના એકાધિકાર ઈ-કોમર્સમાં સ્થપાઇ ગયા છે.
વ્યાપાર અને વાણિજ્ય ક્ષેત્રમાં આવા એકાધિકાર ગ્રાહક માટે અને લોકશાહી રાષ્ટ્ર માટે ખતરનાક માનવામાં આવે છે. છેલ્લા ત્રણ-ચાર વરસથી બજાર પર નજર રાખો તો ખ્યાલ આવે કે સ્પર્ધાત્મકતા ઘટી રહી છે. આજથી પાંચ-સાત વરસ પહેલા ભારતમાં મ્યુચ્યુઅલ ફંડની બજાર પાંચ લાખ કરોડ રૃપિયાની હતી આજે એ બજાર ચોવીસ લાખ કરોડ રૃપિયા સુધી પહોંચી છે. બજારમાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓ ચાલીસ જેટલી છે છતાં પચાસ ટકા ફંડ તો માત્ર ચાર કંપનીઓના હાથમાં જ છે. અહીં પણ ઘટતી જતી સ્પર્ધાના ચિહ્નો દેખાય છે.
આવું હવે ચોતરફ દેખાય છે. જેટ એરવેઝ જો કંપની તરીકે માંદી પડે તો વિમાની સેવાઓની બજાર બે ખાનગી અને એક સરકારી કંપનીનો જ એકાધિકાર બની જાય. પેટ્રોલિયમ બજારમાં જુઓ તો બધો જ કારોબાર ત્રણ સરકારી કંપનીઓના હાથમાં કેન્દ્રિત થઇ ગયેલો છે.
બારીક નજરે જુઓ તો દેશમાં કેટલા બધા ઉત્પાદન ક્ષેત્રો એવા છે કે જેમાં સ્પર્ધા હવે નામશેષ થવા આવી છે અને ખબર ન પડે એવી પરોક્ષ ઈજારાશાહી પ્રવેશવા લાગી છે. આ એ પધ્ધતિ છે જેનાથી દેશભરના નાના અને મધ્યમ કદના લાખો ઉત્પાદન યુનિટોના ચક્ર થંભી ગયા છે. જે થોડાક ચાલુ છે તે પણ થંભી જ જવાના છે.
સ્ટીલ, દ્વિચક્રી વાહન, પ્લાસ્ટિક રો મટિરિયલ, એલ્યુમિનિયમ, ટ્રક અને બસ, રેલવે, કોલસા, માર્ગ પરિવહન, પેટ્રોલિયમ ઉત્પાદન, વિદ્યુત વિતરણ સહિતના કેટલાય ગ્રાહકલક્ષી ઉત્પાદનો માટેના એક ડઝન ક્ષેત્રો એવા છે કે જે બજાર પર મોટાભાગનો અંકુશ તો એક, બે કે ત્રણ કંપનીઓના જ હાથમાં છે.
મોટરકાર, કોમ્પ્યુટર, ફાર્માસ્યુટિકલ્સ અને મોબાઇલ ફોનનું બજાર જ એવું છે કે જેમાં પૂરતી સ્પર્ધા દેખાય છે અને અનેક કંપનીઓ મેદાનમાં છે. એમાંય મોબાઇલ ફોનની સેવાઓ આપતી ઓપરેટર કંપનીઓ તો વળી બે-ત્રણ જ છે. સ્પર્ધા ચારેબાજુથી ઘટી છે, ઘટી રહી છે કે ઘટાડવામાં આવી રહી છે એ એક કોયડો છે.
દેશ રહસ્યમય આર્થિક કસોટીમાંથી પસાર થઈ રહ્યો છે. રહસ્ય માત્ર પ્રજા પક્ષે છે, કારણ કે અર્થકારણ કંઈ સુગમ લોકવિદ્યા તો નથી. અને જ્યારે પ્રજાને સમજાય કે દેશના અર્થતંત્રમાં શા કારણથી શું થયું ત્યારે તો એક યુગ વીતી ગયો હોય છે. દેશમાં વ્યાપાર-વાણિજ્ય ક્ષેત્રે મત્સ્યગલાગલ ન્યાય ચાલે છે, એટલે કે મોટી માછલી, નાની માછલીને ગળી જાય છે. ગયા વરસે એક કંપની બીજી કંપનીમાં વિલય થાય, વેચાઈ જાય કે સહઅસ્તિત્વમાં જોડાઈ જાય તેવા કામકાજો કુલ ૪૬.૫ અબજ ડોલરના થયા. આગામી વરસ સુધીમાં આ કામકાજો હજુ દસેક અબજ ડોલરના વધી જવાનો અર્થશાસ્ત્રીઓનો અંદાજ છે.
આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી, આ મોટી ઉથલપાથલ છે જે ભારતીય અર્થતંત્રને બહુ જ મર્યાદિત કંપનીઓ અને મર્યાદિત નિર્ણાયકોના હાથનું રમકડું બનાવી શકે છે. ૧૩૫ કરોડની જનસંખ્યા ધરાવતા વિરાટ ભારતમાં સતત ઘટતી જતી સ્પર્ધાત્મકતા એક નવું જોખમ છે.
કેન્દ્રની એનડીએ સરકારે મૂડીવાદને જે પ્રોત્સાહન આપ્યું છે તેના જ આ પરિણામો છે. પ્રવર્તમાન કેન્દ્ર સરકારે સર્વસામાન્ય પ્રજા સામે એટલી બધી મીઠી વાતો કરી છે કે પરદા પાછળની આ આર્થિક ઉથલપાથલનો તો અંદાજ આવવો જ મુશ્કેલ છે.
નોટબંધી અને જીએસટીના ગંભીર છબરડાઓ જો એનડીએ સરકારે ન કર્યા હોત તો કદાચ વરસો સુધી સામાન્ય પ્રજાને આ સરકારની આર્થિક મૂર્ખતાઓનો અંદાજ પણ ન આવત. એ છબરડાઓએ સરકારની ગુપ્ત પોલિસી છતી કરી નાંખી છે. ભારત જેવી મુક્ત બજારમાં સરકારની એ પ્રમુખ જવાબદારી હોય છે કે ઉત્પાદકો વચ્ચે પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપે અને નવી કંપનીઓને બજારમાં પ્રવેશવાના રસ્તાઓ ખુલ્લા કરે.તાકાત અને તકનું કેન્દ્રીકરણ બજાર અને રાજકારણ બન્નેમાં ગંભીર અને આમ પ્રજા માટે નુકસાનકારક પરિણામો લાવે છે.
ભારતીય અર્થકારણમાં આજે પરિસ્થિતિ એ છે કે ચુનંદા ઉદ્યોગપતિઓ અને ટોચની કંપનીઓ જ રાજકારણને સર્વશક્તિમાન બનાવી રહ્યા છે, કારણ કે તેઓના તગડા થતા રહેવાની પ્રક્રિયા તો જ ચાલુ રહે એમ છે. એના બદલામાં રાજકીય ક્ષેત્રના તથાકથિત માંધાતાઓ પોતાના સર્વ દુષ્ટ ઈરાદાઓ પાર પાડવા માટે મોટા ઉદ્યોગગૃહોના ગળામાં પટ્ટા બાંધીને પોતાના પક્ષના હેતુઓ સિદ્ધ કરવા માટે એમની પાસેથી ડોબરમેન અને અલ્સેશિયન જેવું કામ લેવા લાગ્યા છે.
આપણા દેશના કોઈ રાજનેતા કે કોઈ ઉદ્યોગપતિના ચિત્તમાં કવચિત પણ જો સામાન્ય નાગરિકના કલ્યાણનો વિચાર પણ આવે તો એને સુખદ અકસ્માત કહેવાય, જેની સંભાવના નહિવત્ છે.
- અલ્પવિરામ