ભૂખમરો અને કુપોષણની ભારતમાં ચર્ચા નથી
સાંજ પડે ત્યારે આકાશમાં ઉદયમાન થતો ચંદ્ર જ્યાં સુધી હિન્દુસ્તાનના ભૂખ્યા બાળકને રોટી જેવો દેખાતો હશે ત્યાં સુધી આ દેશના વૈજ્ઞાાનિકોએ ચંદ્ર પર પહોંચવાનો કોઈ અર્થ નથી
આપણા દેશમાં કેટલા પ્રકારની ચર્ચા છે એ કંઈ ચર્ચાનો વિષય નથી. પરંતુ ખરેખર કઈ ચર્ચા હોવી જોઈએ એની કદાચ પ્રજામાં સંપ્રજ્ઞાતા નથી. ભૂખમરાનો ગ્લોબલ ઈન્ડેક્ષ દર વર્ષે પ્રગટ થાય છે અને એનો હેતુ સંબંધિત દેશોની સરકારને ચાબુક મારવાનો હોય છે કે જેથી તે જાગે અને એ દિશામાં કંઈક સકારાત્મક કામ કરે.
ભારત સરકારે આ ઈન્ડેક્ષ તરફ આજ સુધી કોઈ પણ પ્રકારની સભાનતા રાખી નથી અને એને કારણે હવે તો ભારત તેના પડોશી દેશો કરતા પણ વધુ ખરાબ પરિસ્થિતિ તરફ ધકેલાઈ ગયું હોવાના ઢોલ આ ઈન્ડેક્ષે જગતના ચોકમાં હમણાં વગાડયા છે. ભારતની ખરેખર બે સમસ્યા છે. એક તો ભૂખમરો અને બીજો પ્રશ્ન છે કુપોષણનો. બંને બાબતમાં આપણી જે ઉદાસીનતા છે તે હદ બહારની છે.
કુપોષણ એક સરહદ છે. કુપોષણની વંડી ઉપર દેશના કરોડો પરિજનો અને એમના સંતાનો બેઠા છે. આ વંડી પરથી જરાક જ તેમનો ઝુકાવ પેલી તરફ થાય એટલે તેઓ ભૂખમરાની વ્યાખ્યામાં આવી જાય છે. સરકારને ચોક્કસ રીતે ખબર છે કે દરેક રાજ્યમાં કેટલાક નાગરિકો અને તેમના સંતાનો કુપોષણની યાતનાથી પીડાઈ રહ્યા છે.
કારણ કે દેશની દરેક રાજ્ય સરકારોએ એ માટેના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરેલા છે. એને કારણે સરકાર પાસે ડેટા એકદમ અપડેટ છે અને ઉપલબ્ધ છે. પરંતુ એ ડેટા પર કઈ રીતે કામ કરવું તેની દ્રષ્ટિસંપન્નતા કોઈનામાં નથી. કોઈનામાં નથી એમ ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ બતાવે છે.
સમગ્ર ભારતમાં આહાર વિજ્ઞાાન નામનો વિષય ક્યાંય અસ્તિત્વમાં નથી. જે છે તેનો કેટલોક ભાગ મેડિકલ સાયન્સમાં ભણાવવામાં આવે છે. કેટલીક યુવતીઓ હોમ સાયન્સમાં ભણે છે અને આહાર વિજ્ઞાાન વિશે થોડુંઘણું આયુર્વેદમાં ભણાવવામાં આવે છે. એ સિવાય સ્વતંત્ર આહાર વિજ્ઞાાનનો વિષય આપણા દેશમાં ધોરણ ૧થી ૧૨ કે કોલેજમાં ક્યાંય વૈકલ્પિક રીતે પણ અભ્યાસક્રમમાં નથી જ્યારે કે ખરેખર ફરજિયાતપણે ભણાવવા જેવો વિષય છે. કારણ કે આપણી કરોડોની પ્રજાને હજુ આહાર એ જ એક પ્રકારનું ઔષધ છે એની ખબર નથી. આપણે ત્યાં જે રીતે દહીં અને છાશની રેલમછેલ છે અને તેના શું પરિણામો આવે છે એ વિશે કોઈપણ ઈએનટી સર્જનને પૂછો તો ખબર પડે.
ખરેખર તો ઈએનટી તબીબોનું માર્કેટિંગ દહીં અને છાશ જ કરે છે. આ સાવ પ્રાથમિક વાત છે છતાં એનાથી મોટાભાગના લોકો અજાણ છે. આ તો એક નમૂનો માત્ર છે. પરંતુ જેનાથી આરોગ્ય હાનિ થાય એવી ૧૦૦ વસ્તુઓ ભારતીય ભોજનથાળમાં પ્રવેશી ગયેલી છે. આયુર્વેદ કહે છે કે દહીં અને છાશ સીધું નુકશાનકર્તા નથી.
પરંતુ બપોર પછી એનો આહાર લેવો એ ખતરનાક છે. લીંબુ લેવામાં વાંધો નથી કારણ કે લીંબુ એસિડીક છે પરંતુ દહીં અને છાશ તો લાખો બેક્ટેરિયા પર આધારિત છે. આહાર વિષયક સામાન્ય જ્ઞાાનની દેશભરમાં તંગદિલી અને કટોકટી પ્રવર્તે છે. પોતપોતાના વિષયના નિષ્ણાતો અને વિદ્વાનો પણ આહારની બાબતમાં ઝીરો ડિગ્રી જ્ઞાાન એન્જોય કરતા હોય છે.
આનું મુખ્ય કારણ છે કે આપણે ત્યાં રસોડામાં જે આહાર વિજ્ઞાાન હતું તે વિદાય થઈ ગયું છે. ગૃહિણીઓએ જ ફાસ્ટ ફૂડને રસોડામાં એડમિટ કરેલા છે. હવે તો જેમને પોતાને પોતાના કોઈ રસોડા જ નથી એવી કંપનીઓ બીજાના રસોડામાં તૈયાર થયેલો માલ ઘરે ઘરે પહોંચાડે છે. નાગરિકો એ પણ જાણતા નથી કે આ કંપનીઓને આપવામાં આવતો માલ અને જે તે રેસ્ટોરન્ટમાં તમે આરોગવા જાય ત્યારે પીરસવામાં આવતો એ બંને વચ્ચે પણ ગુણવત્તાનો તફાવત હોય છે. કારણ કે ઘરે પહોંચાડવામાં આવતો માલ સ્કીમ પ્રમાણે સસ્તો પણ હોય છે. એ સસ્તુ કેમ થાય છે એમાં ઊંડા ઉતરીને જાણવા માટે સ્વાદની શોખીન ચટાકેદાર જીભ ધરાવતી ગુજરાતી પ્રજાને રસ નથી!
કોઈ પણ દેશમાં સામાન્ય નાગરિકોની તંદુરસ્તીનું સ્તર એ બતાવે છે કે સત્તા પર રહેલી એ દેશની સરકાર તેમના વિકાસ કાર્યક્રમોમાં જનસ્વાસ્થ્યને કેટલું મહત્વ આપે છે અને જનસ્વાસ્થ્ય પણ એ વાત ઉપર નિર્ભર રહે છે કે ભરપેટ અને સમતોલ આહાર તેમને કેટલો મળે છે. આ દ્રષ્ટિએ જુઓ તો આપણા દેશમાં જે વિકાસના વાજા વાગી રહ્યા છે અને જે રીતે વાસ્તવિક મંદીની ઉપેક્ષા કરીને કાલ્પનિક તેજીની પરીકથાઓ સરકાર તરફથી તરતી કરવામાં આવી છે તે બધા જ સંયોગોની વચ્ચે ગ્લોબલ ઈન્ડેક્ષ બતાવે છે કે ખરેખર કોઈ પ્રગતિ થઈ નથી.
એટલું જ નહીં અગાઉ કરતા ઈન્ડેક્ષમાં આપણા દેશના ભૂખમરાનું ચિત્ર વધુ વિકરાળ થયું છે. દુનિયાના ૧૧૭ દેશોની યાદીમાં ભારતનો નંબર ૧૦૨ ઉપર છે. નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશની સ્થિતિ પણ ભારત કરતા ઘણી જ સારી છે. આપણે ત્યાં વિકાસ શબ્દને રાજકારણની મુખ્ય ધારામાં લાવવામાં એનડીએ સરકારને સફળતા મળી છે એ વાત સાચી. પરંતુ ખરેખર જે વિવિધ લોકકલ્યાણના પાસાઓને વિકાસમાં આવરી લેવા જોઈએ તે દિશામાં વિશેષ કામ થયું નથી. એને કારણે વારંવાર ભારતની આંતરરાષ્ટ્રીય છબી ઝાંખી પડી રહી છે.
ખરેખર તો કુપોષણ અને ભૂખમરાની ચર્ચા આપણે ત્યાં સ્વચ્છતાની ચર્ચા જેટલી જ થવી જોઈએ. નવાઈની વાત એ છે કે આપણે એક એવા દેશમાં રહીએ છીએ જેમાં રાંધણગેસ અને શૌચાલય એ બે છેડા પર ભરપૂર ચર્ચા થાય છે, પરંતુ વચ્ચે તૈયાર થતા ભોજન પર કોઈ ચર્ચા થતી નથી. આપણા દેશની આ સૌથી મોટી કરૂણતા છે. સરકારે ખરેખર અન્નપૂર્ણા સ્વરૂપે કરોડો લોકોની આંતરડી ઠારવાની જરૂર છે. સાંજ પડે ત્યારે આકાશમાં ઉદયમાન થતો ચંદ્ર જ્યાં સુધી હિન્દુસ્તાનના બાળકને રોટી જેવો દેખાતો હશે ત્યાં સુધી આ દેશના વૈજ્ઞાાનિકોએ ચંદ્ર પર પહોંચવાનો કોઈ અર્થ નથી.
આપણે ત્યાં બિનસરકારી સંગઠનોનું કામ પણ નાનું સૂનું નથી અને એવી ઘણી સંસ્થાઓ છે જે ભૂખ્યા લોકોને રોટલો પહોંચાડે છે. પરંતુ ભૂખમરાની જે પરિસ્થિતિ છે તે એટલી વ્યાપક છે કે આ સંસ્થાઓ પહોંચી વળે એમ નથી. લગભગ દરેક રાજ્યમાં કુપોષણ અને ભૂખમરાના ઝોન અસ્તિત્વમાં આવેલા છે. દરેક રાજ્ય સરકારોને એની ખબર છે પરંતુ એને અલગ ઓળખ આપીને એના પર વિશેષ કામ કોઈ કરતું નથી. સરકાર એ બાબતે ડરે છે કે આ ઝોનને અમે આઈડેન્ટીફાઈ કરીશું તો સરકારને લાંછન લાગશે.
ભૂખમરાનો આંક અને કુપોષણનો આંક ઊંચો છે એના પરથી એ સમજી શકાય છે કે એ જ કારણસર મૃત્યુનો આંક પણ ઊંચો હોઈ શકે છે. અને જો હોય તો દેશની આઝાદીનો અર્થ ત્યાં ખોડંગાઈ જાય છે. ગ્લોબલ ઈન્ડેક્ષનો એક હેતુ વિવિધ દેશની બેદરકાર સરકારોનું જાહેરમાં નાક કાપવાનો પણ છે.
ભૂખમરાના ઈન્ડેક્ષને કારણે દુનિયામાં ભારત સરકારનું નાક કપાયું છે એટલે ખરેખર તો આ ઈન્ડેક્ષ જાહેર થયો એને એક સપ્તાહ થવા આવ્યું છતાં ભારત સરકાર તરફથી ભૂખમરા સામે લડવા માટેનું કોઈ દ્રઢ મનોબળ કે નવી વૈચારિક ભૂમિકા કે કોઈ વાસ્તવિક યોજના અંગે એકપણ શબ્દ ઉચ્ચારવામાં આવ્યો નથી.
એને કારણે એમ માની શકાય કે ભારતની આર્થિક કપરી પરિસ્થિતિ અંગેની અનેક આંતરરાષ્ટ્રીય નોંધને જેમ સરકાર રફેદફે કરીને પ્રજા એને વીસરી જાય એની રાહ જુએ છે એ જ રીતે ભૂખમરા અને કુપોષણની બાબતમાં પણ ગ્લોબલ ઈન્ડેક્ષે આપેલા ઠપકાને પ્રજા ઝડપથી ભૂલી જાય એની કેન્દ્ર સરકાર પ્રતીક્ષા કરી રહી છે.
અલ્પવિરામ