ઈમરાન ખાન માટે નવી આપત્તિ છે મૌલાના ડિઝલ
પાકિસ્તાનમાં પોતાનો પગદંડો જમાવવા માટે તાલિબાનો આ મૌલાના ડિઝલને સતત પ્રમોટ કરે છે. પાકિસ્તાની પ્રજા સ્થાપિત રાજકીય પક્ષોથી એટલી કંટાળી ગઈ છે કે એને આ મૌલાનામાં નવી આબોહવા મળવા લાગી છે
પાકિસ્તાનનો એવો કોઈ શાસક આજ સુધી ઈતિહાસ કે વર્તમાનમાં નથી જે ચારેબાજુથી ઘેરાયેલો ન હોય. ઈમરાન ખાન માટેની સર્વ આપત્તિઓ કંઈ નવી નવાઈની નથી. પરંતુ ઈમરાન કે જેનામાં સ્પોર્ટ્સ મેન સ્પિરીટ હોવાની સંભાવના હતી તે રાજકારણના મેદાનમાં ફ્લોપ જતાં પાક પ્રજાનો વધુ એક નેતૃત્વ અખતરો ફ્લોપ ગયો છે.
આજકાલ પાકિસ્તાનમાં ઈમરાન જેટલો ક્રિકેટર તરીકે વિખ્યાત હતો એટલો જ વડાપ્રધાન તરીકે કુખ્યાત છે. પ્રજા એમને ચાહતી નથી અને એટલે હવે એમને માટે ટકી રહેવાનું કામ કપરું છે. આજકાલ ઈમરાન એક નવી આપત્તિમાં ફસાઈ ગયા છે. દેશની હાલક ડોલક અર્થવ્યવસ્થા અને વિવાદાસ્પદ વિદેશનીતિના ઘેરા ભારણ વચ્ચે એક શખ્સ એમની ખુરશી પાછળ પડી ગયો છે. એનું નામ છે મૌલાના ફલ-ઉર-રહેમાન.
તે પાકિસ્તાનની પ્રભાવશાળી ધામક પાર્ટી જમિયત ઉલેમા-એ-ઈસ્લામનો પ્રમુખ છે. એને પાકિસ્તાની પ્રજા વરસોથી મૌલાના ડિઝલ તરીકે જ ઓળખે છે. આ મૌલાના ડિઝલની માયાજાળ રાતોરાત આખા પાકિસ્તાનમાં ફેલાઈ ગઈ છે. પાકિસ્તાની પ્રજા હવે આ મૌલાનામાં પોતાના ઉદ્ધારકને જોવા લાગી છે.
એના પિતા ખૈબર પખ્તુનખ્વાના મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે. ઉપરાંત આ મૌલાના ડિઝલ પાકિસ્તાની સંસદમાં વિરોધપક્ષના નેતાની ભૂમિકા અદા કરવાનો અનુભવ પણ ધરાવે છે. પરંતુ હમણાં સુધી દેશની રાજકીય ક્ષિતિજ પર એમનું નામ ન હતું. એમણે થોડા બુદ્ધિમાન મિત્રોને ટોળે વાળીને ઈમરાન વિરોધી ઝંઝાવાત દેશભરમાં સર્જવાની યોજના બનાવી.
હવે તેમણે ઈમરાન ખાનનું રાજીનામું લેવાની જિદ પકડી છે. ધીરે ધીરે એમની સાથેનો સંઘ મોટો થતો જાય છે. પાકિસ્તાનના દરેક વિસ્તારમાં એમના ચાહકો છે. બલુચિસ્તાનના લોકો પણ એમને ચાહે છે. તેમણે કેટલાક બલોચ નેતાઓને વચન આપ્યું છે કે જો હું સત્તા પર આવીશ તો બલુચિસ્તાનના પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ ઈતર પાકિસ્તાન માટે નહિ થવા દઉં અને બલુચિસ્તાનમાં એક નવી સ્વાયત્ત સરકારની સ્થાપના કરાવીશ જેમાં માત્ર બલુચિસ્તાન અને પાકિસ્તાનનું સૈન્ય જ સહિયારું રહેશે અને બાકી બધું અલગ. એને કારણે મૌલાના ડિઝલને કેટલાક ઈમરાન વિરોધી તૈયાર ભક્તોનો મોટો સમુદાય મળી ગયો છે.
આ મૌલાના સંપૂર્ણ રીતે અભી બોલા અભી ફોક કેટેગરીનો નેતા છે. પરંતુ એ જાણે છે અને કંઈક પડોશી દેશોના નેતાઓમાંથીય એણે બોધપાઠ લીધો છે કે ગપ્પા મારવાથી પણ મતો મેળવી શકાય છે. એનામાં ખૂબ સારી વકતૃત્વકળા પણ છે. તકરીર ફરમાવવામાં એ નિષ્ણાત છે. એના ભાષણો અર્ધ ધામક અને અર્ધ રાજકીય હોય છે. આમ તો આ પ્રકારના ધર્મઘેલા નેતાઓએ જ પાકિસ્તાનને ધર્માંધ બનાવી રાખ્યું છે. કારણ કે અલ્લાહની ઈબાદત એ આ ધર્મનેતાઓનો વિષય જ નથી.
તેઓ ધર્મના પરદા આડા રાખીને પાછળ તો માત્ર પોતાનો સ્વાર્થ જ સિદ્ધ કરે છે. અને પાકિસ્તાનમાં મૌલાના ડિઝલ જેવા લોકો ઠેર ઠેર વેરાયેલા છે. એમાંથી કોણ ક્યારે વાઘ બની જાય એની શાસકોને ખબર હોતી નથી. હમણાં તો આ ડિઝલ જ ઈમરાનને ઉખાડી ફેંકવાનું એન્જિન છે. પોતાના હજારો અનુયાયીઓ સાથે એણે ઈસ્લામાબાદમાં ધામા નાંખ્યા છે. અને જ્યાં સુધી ઈમરાન ખાન રાજીનામું ન આપે ત્યાં સુધી હું અહીંથી હટવાનો નથી એવી પ્રતીજ્ઞાા જાહેર કરી છે.
મૌલાના ડિઝલનો મુખ્ય આરોપ એ છે કે ઈમરાન ખાને પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ગોલમાલ કરીને સત્તા હાંસલ કરેલી છે. પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ ગઈકાલે જ જાહેર કર્યું છે કે મૌલાના ડિઝલના આંદોલનને એમની પાર્ટીનો પૂરેપૂરો ટેકો છે. જેયુઆઈએફના નેતા સલાઉદ્દીન અયૂબીએ કહ્યું કે ઈમરાન ખાને પોતાના વતન દેશ પર દયાભાવ દાખવીનેય હવે રાજીનામુ આપી દેવું જોઈએ કારણ કે આખો દેશ હવે એને ધિકકારે છે. ભારતે કરેલી એરસ્ટ્રાઈકને પગલે ઈમરાનનો લોકપ્રિયતાનો આંક નીચે આવી ગયા પછી એના આંતરિક શત્રુઓ ઈમરાન પર માછલાં ધોઈ રહ્યા છે.
ઈમરાન પાસે અત્યારે પોતાની લોકપ્રિયતા સાબિત કરવાનો કોઈ ઉપાય નથી. ઉપરાંત બંધારણમાં એવી જગ્યા જ નથી કે તે કોઈ ક્રાન્તિકારી નિર્ણય લઈ શકે. ઈમરાનને પણ પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતનો ભય સતાવે છે. પાકિસ્તાનની એ અદાલતે જ નવાઝ શરીફને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. પાક સર્વોચ્ચ અદાલતમાં અત્યારે કેટલાક ન્યાયમૂત એવા છે જે એમ માને છે કે એમના દેશને તેઓ જ ઉગારી શકશે. એટલે કેટલાક સાહસિક ચૂકાદાઓ એ આપી શકે છે.
આજકાલ જે જે દેશોમાં રાજસત્તાઓ સરખું કામ કરી શકતી નથી ત્યાં અદાલતો એક કદમ આગળ ચાલે છે. મૌલાનાની ઝુંબેશને નવાઝ શરીફની પાર્ટી પીએમએલ(એન)નું સમર્થન પણ પ્રાપ્ત છે. ઈમરાન વિરોધીઓ આ મૌલાનાના છત્રતળે એક થવા લાગ્યા છે. જો કે પાકિસ્તાની કેન્દ્ર સરકારના ઈશારે મૌલાના ડિઝલ પર આખરે પોલીસે ફરિયાદ નોંધી છે. એમના પર વડાપ્રધાન અને સરકારી સંસ્થાઓ સામે લોકોને ભડકાવવાનો આરોપ છે. પરંતુ એની આ માથાભારે મૌલાનાને કોઈ તમા નથી. ફરિયાદ એક મહિલા દ્વારા કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય તખ્તા પર ઈમરાનની હાલત ખરાબ છે. એનું એક કારણ એ છે કે એની વિદેશ નીતિનો કોઈ ધડો નથી. જો કે મોટા ભાગના એશિયન દેશોની વિદેશ નીતિ સદાય ફરતી રહે છે અને એમાં પાકિસ્તાન અપવાદ ન હોઈ શકે. એ સ્થિતિ આદિકાળથી વિકસિત રાષ્ટ્રો નિર્માણ કરતા રહ્યા છે. દરિદ્ર મનુષ્ય માટે લોભ અને લાલચમાં ફસાઈ જવાનું સ્વાભાવિક હોય છે, સિવાય કે એનું ઉચ્ચ ચરિત્ર અને સંઘર્ષ તથા સંકલ્પશક્તિ તેજ હોય. આ બાબતોમાં પાકિસ્તાનનું રાષ્ટ્રીય ચરિત્ર ખાડે ગયેલું છે.
એટલે એણે વિકસિત દેશોનો બહુ માર ખાવાનો આવે છે. આનો રાતોરાતનો કોઈ ઉપાય ઈમરાનના હાથમાં આવે એમ નથી. ભારત એની સૈન્ય શક્તિ ઐતિહાસિક રીતે વધારે છે અને એ શસ્ત્રસ્પર્ધા પણ પાકિસ્તાનના વાષક બજેટનો સિંહભાગ ગળી જાય છે. ચીન પાકિસ્તાનને કંઈક ને કંઈક આપતું રહે છે પરંતુ એનાથી અધિક તે વ્યાપાર અને શસ્ત્ર વ્યાપારના માર્ગે પાછું લઈ લે છે. ચીનની ચાલ સમજાશે ત્યારે પાકિસ્તાન વધુમાં વધુ પાયમાલ થઈ ગયું હશે. ઈમરાનમાં આ બધી સમજણ હોય તોય હવે તે નિરુપાય છે.
મૌલાના ડિઝલ આયોજબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે. નવાઝ શરીફની સરકારમાં કેન્દ્રીય પ્રધાન તરીકેનો તેમને અનુભવ છે. ગયા વરસે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેઓ વિરોધપક્ષોના ઉમેદવાર પણ હતા. તેમને તાલિબાનોના સમર્થક નેતા માનવામાં આવે છે. બીજી રીતે જુઓ તો પાકિસ્તાનમાં પોતાનો પગદંડો જમાવવા માટે તાલિબાનો આ મૌલાના ડિઝલને સતત પ્રમોટ કરે છે.
એટલે એમની પાસે ફંડની તો કોઇ અછત નથી. હકીકત એ છે કે પાકિસ્તાની પ્રજા સ્થાપિત રાજકીય પક્ષોથી એટલી કંટાળી ગઈ છે કે એને આ મૌલાનામાં નવી આબોહવા અને નયા જમાનાની મહેંક મળવા લાગી છે, એમના અનુયાયીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે અને એ જ. હવે ઈમરાન સામેની સૌથી મોટી આપત્તિ છે.
- અલ્પવિરામ