દેશની આરોગ્યસેવાઓ હજુ અદ્ધરતાલ
એનડીએ સરકારે માત્ર પોતાની સત્તાનું આયુષ્ય વધારવાની વ્યૂહરચનાના ભાગ સ્વરૂપે જ આયુષ્યમાન ભારત યોજના ઘડી છે, પ્રજાના અનારોગ્યનો એ આખરી ઈલાજ નથી
પોતાની અને પરિવારની સારવાર કરાવતાં - કરાવતાં ૫.૫ કરોડ લોકો છેલ્લા એક વરસમાં ગરીબ થઇ ગયા છે. દેશના અંદાજે ૩.૫ કરોડ નાગરિકો એક વરસમાં માત્ર દવા કરાવવાના કે ઈલાજ અજમાવવાના ખર્ચને કારણે ગરીબીની રેખાની નીચે આવી ગયા છે. આ ચોંકી જવાય તેવો ઘટસ્ફોટ અને તેની વિગત મૂળભૂત રીતે તો કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અશ્વિની કુમારે ખુદ ગયા વરસે રાજ્યસભામાં કહી હતી.
ખુદ એનડીએ સરકારના આ વિધાનથી સમજી શકાય છે કે ભલે આપણે સાત દાયકામાં દુનિયાની છઠ્ઠા નંબરની મોટી અર્થવ્યવસ્થા બની ગયા હોઇએ પરંતુ વૈશ્વિક સ્વાસ્થ્ય સૂચકાંકમાં આપણે ૧૫૪મા નંબરે આસન જમાવીને બેઠા છીએ. ધ લોન્સેટ જર્નલ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સૂચકાંકમાં (ગ્લોબલ બર્ડન ઓફ ડિઝિઝ)માં બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને શ્રીલંકાથી પણ આપણી દશા ખરાબ છે.
ખરેખર જુઓ તો ભારતીય પરિવારોના પોતપોતાના અર્થકારણમાં માંદગી માટે કોઇ અવકાશ કે પ્રોવિઝન નથી, કુટુંબના માસિક બજેટમાં દવાઓ અને સારવારનો ખર્ચ ફાળવવાની શક્યતા જ નથી. છતાં જ્યારે પણ કુટુંબના કોઇ સભ્ય માંદગીમાં સપડાઇ પડે છે ત્યારે ટૂંકા બજેટમાં સૌથી પ્રથમ અગ્રતાક્રમ એમની સારવાર માટેના ખર્ચનો આવે છે. ભારતમાં માંદગી સ્વાસ્થ્યોપરાંત મોટો આર્થિક આઘાત છે. દેશના નાગરિકો ડગલે ને પગલે ટેક્સ ચૂકવે છે.
કોઇ પણ વસ્તુને હાથ અડાડો એમાં સરકારનો વેરો છે જ. તેમ છતાં પોતાની આવકનો મહત ભાગ સામાન્ય નાગરિકોએ સારવારમાં ખર્ચ કરવો પડે છે. એનડીએ સરકારે દેશની સરકારી હોસ્પીટલો અને આરોગ્યકેન્દ્રોને અપગ્રેડ કરવા માટે જરૂરી એવા પગલા લીધા નથી. એને કારણે સામાન્ય નાગરિક પાસે ખાનગી હોસ્પીટલોની મોંઘેરી સેવા લેવા સિવાયનો કોઇ વિકલ્પ નથી. એનડીએ સરકારની વર્તમાન સ્વાસ્થ્ય નીતિ વીમા-મોડેલ આધારિત થઇ ગઇ છે.
એના દ્વારા કંપનીઓના ભરોસે હોસ્પીટલાઇઝેશન પર ફોકસ કરવામાં આવે છે.. એટલે કે નાગરિક ગંભીર રીતે બિમાર હોય તો એનો ઈલાજ આયુષ્યમાન યોજના હેઠળ થશે, પરંતુ જેમાં દર્દીને હોસ્પીટલમાં દાખલ કરવો જરૂરી નથી એવા પ્રાથમિક ઉપચાર કે અન્ય અગંભીર બિમારીઓમાં એણે ખાનગી હોસ્પીટલ તરફ જ પોતાની જાતને ધકેલવી પડશે, જ્યાં ઈલાજના ખર્ચનો ભારે બોજ પડે છે.
કેન્દ્ર સરકારની નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના ૭૧મા રાઉન્ડના સર્વેક્ષણ પ્રમાણે ગ્રામ્યવિસ્તારોમાં વસતા લોકો પોતાના કુલ દવાખર્ચનો ૭૨ ટકા ખર્ચ તો કોઇ પણ દવાખાને દાખલ થયા વિના જ નાની-મોટી બિમારીઓમાં કરે છે. જ્યારે કે શહેરી લોકોના તબીબી ખર્ચની કુલ ૬૮ ટકા રકમ દાખલ થયા વિનાની સારવાર પાછળ વહી જાય છે.
એટલે કે જેમાં સૌથી વધુ ખર્ચ થઇ રહ્યો છે એના પર સરકારનું હજુ ધ્યાન નથી અથવા તેઓ ધ્યાન આપવા ચાહતા નથી. સરકારે બજેટમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખોલવા માટેની વાત કરી છે, જે આમ તો એક રીતે વધુ એક વાર્તા જ છે, કારણ કે એ માટેની નાણાં ફાળવણી નહિ જેવી છે !
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ ૨૦૧૭ પ્રમાણે ઈ.સ. ૨૦૨૨ સુધી દેશમાં દોઢ લાખ હેલ્થ-વેલનેસ સેન્ટરો ખોલવામાં આવશે જે પ્રાથમિક સારવાર પર વિશેષ ધ્યાન આપશે. પરંતુ એ માટે ઈ.સ. ૨૦૧૮-૧૯માં રૂા. ૧૨૦૦/- કરોડ અને ઈ.સ. ૨૦૧૯-૨૦માં રૂા. ૧૬૦૦/- કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર જ કહેવામાં આવ્યું છે કે આવા એક સેન્ટરને ચલાવવા માટે પહેલા વરસે રૂા. સત્તર લાખ અને બીજા વરસે રૂા. સાત - સાડા સાત લાખનો ખર્ચ થશે. આમાં દવાઓ અને તપાસનો ખર્ચ સમાવિષ્ટ નથી. એટલે કે બધા ખર્ચને સામેલ કરીએ તો સરેરાશ વરસે રૂા. ૧૫-૨૦ લાખ ખર્ચ આવે.
આ સંજોગોમાં દોઢ લાખ સેન્ટરો ચલાવવા માટે વરસે કુલ ૨૦થી ૩૦ હજાર કરોડનો ખર્ચ આવે. સરકારે આ સ્થિતિ સામે હાસ્યાસ્પદ અને દેશના દર્દભર્યા નાગરિકોની મજાક ઊડાવી હોય એવી તુચ્છ રકમ ફાળવી છે. એનો અર્થ એવો થાય કે દેશમાં દોઢ લાખ વેલનેસ સેન્ટરો ખોલવાની ગુલબાંગ પોકાર્યા પછી સરકારે માત્ર સો સેન્ટરો થાય એટલી જ નજીવી રકમ ફાળવી છે. ક્યાં દોઢ લાખ સેન્ટરો અને ક્યાં એક સો સેન્ટરો ! પ્રજાને બેવકૂફ બનાવવા માટેની કોઇ મર્યાદા જ ભાજપે રાખી નથી.
એને એમ છે કે કોને ખબર છે ? કોણ જોવાનું છે ? રિઝર્વ બેન્ક પાસેથી નિયમ બહારની અને વધારાના અબજો રૂપિયા લીધા પછીય નાગરિકો ક્યાંક ખરેખર જ આયુષ્યમાન ન બની જાય એની સાવધાની રાખવા જ સરકારે મજાકરૂપ રકમ ફાળવી છે ? છતાંય વડાપ્રધાન મોદીને આરોગ્ય યોજનાઓ અંગે ભાષણ કરતા સાંભળવા એ એક લ્હાવો છે, તેઓ ઉક્ત કંગાળ આરોગ્ય વ્યવસ્થાપન અંગે પણ એવા બુલંદ સ્વરમાં વાત કરે છે જાણે કે તેઓ એમ માનતા ન હોય કે તેમની વાણીથી જ ભારતીય પ્રજાના દર્દો દૂર થઇ જશે ! તેમની આ માન્યતા તેમના અન્ય વ્યાખ્યાનોમાં પણ પડઘાય છે !
આપણે છેલ્લા સાત-સાત દાયકાઓથી સાંભળીએ છીએ કે દેશની તમામ સરકારી હોસ્પીટલોને આધુનિક બનાવવામાં આવશે. પરંતુ એ ક્યારે થશે એ કોઇ કહી શકતું નથી. જિલ્લાઓની સિવિલ હોસ્પીટલોની હાલત અગાઉની તુલનામાં વધુ કથળેલી છે. ગુજરાતમાં તો સ્ટાફનું પણ આઉટ સોર્સિંગ હોવાથી એજન્સીઓ ચિક્કાર પૈસા બનાવે છે. કોન્ટ્રાક્ટના સ્ટાફને બીજા કે ત્રીજા ભાગનો પગાર પણ મળતો નથી. આ પ્રકરણ હવે અદાલતના આંગણા સુધી પહોંચી ગયું છે પરંતુ નેતાઓ જ ખરા અપરાધીઓ મુક્ત રહે એવી પ્રણાલિકાઓ ગોઠવી આપે છે.
દેશના તમામ રાજ્યોમાં સામાન્ય નાગરિકોની સેવા કરવા માટે રચાયેલા આરોગ્યતંત્રના લગભગ તમામ મોડેલ ખાડે ગયા છે. એ જોઇને જ દિલ્હીના મુખ્યમંત્રીએ મોહલ્લા ક્લિનિકથી નવું સાહસ કર્યું. અનેક અંતરાયો અને વિવાદો વચ્ચે પણ એ મોડેલ સફળ નીવડયું છે. આધારભુત સાધન સંપન્નતા વિના દેશની હજારો સિવિલ હોસ્પીટલો ખખડધજ થઇ ગયેલી છે, એક ડોકટરને બદલે કોઇ પુરાતત્ત્વવિદને વધુ રસ પડે એવા નમૂનાઓ દેશમાં પારાવાર છે.
અત્યારે એનડીએ સરકારનો જે અભિગમ છે એ જોતાં સરકારી હોસ્પીટલોને ખતમ કરી દેવામાં આવશે. અગાઉની યુપીએ સરકારે સરકારી અને ખાનગી એમ સંયુક્ત સ્વરૂપની સેમિ-ગવર્મેન્ટ હોસ્પીટલોના મોડેલના અખતરા દ્વારા અનેક સરકારી હોસ્પીટલો ખાનગી ટ્રસ્ટને ચલાવવા આપી છે. ભાજપે એમાં નવો પ્રયોગ કર્યો અને સરકારી સિવિલ હોસ્પીટલો ખાનગી ટ્રસ્ટને સોંપવા માટે મેડિકલ કોલેજનું બહાનું વચ્ચે રાખ્યું જેથી ઊહાપોહ ન થાય અને સર્વસ્વીકૃતિ મળી રહે. ગુજરાતમાં પણ આ પ્રકારના પ્રયોગો થયા છે અને થઇ રહ્યા છે.
સિવિલ હોસ્પીટલને સરકારે પોતે જ નમૂનારૂપ બનાવવા માટે સંકલ્પ કરવો જોઇએ, એમ ન કરતાં, આજ સુધી નેતાઓએ માત્ર વાતો જ કરી છે. હવે તો આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સરકારના આરોગ્ય બજેટની મહત્ રકમ પ્રિમિયમ ભરવામાં જશે. એટલે પણ સરકારી હોસ્પીટલોના ભાગે નહિવત્ શેષ રકમ આવશે. દેશમાં મોટી સરકારી હોસ્પીટલોની સંખ્યા ૭૨૫ જેટલી છે. એમાંની અપવાદરૂપ કેટલીક સારી હોસ્પીટલોને બાદ કરો તો બાકીની નેવું ટકા સરકારી હોસ્પીટલો એવી છે જ્યાં કોઇ ગંભીર બિમારીનો ઈલાજ થઇ શકે નહિ.
એનો બીજો અર્થ એ પણ છે કે આયુષ્યમાન યોજના નેવુ ટકા તો ખાનગી હોસ્પીટલોને ભરોસે છે અને સરકારની રાજલક્ષ્મી એમના હાથમાં જવાથી એ વધુ સમૃદ્ધ બનવાની છે. સિવિલ હોસ્પીટલો દરિદ્ર હતી અને દરિદ્ર છે, પરંતુ આયુષ્યમાન યોજનાએ એક સ્ટેપ આગળ વધીને એ વચન પણ આપી જ દીધું કહેવાય કે ભવિષ્યમાં પણ આપણી સિવિલ હોસ્પીટલો દરિદ્ર જ રહેવાની છે.
હજુ સુધી આયુષ્યમાન ભારત યોજનાનું સરકારે ઓડિટ થવા દીધું નથી. રાફેલ અંગેના કેગના અહેવાલ પછી ઓડિટ શબ્દમાં રહેલો મૂળભૂત અર્થ ક્યાંક અન્યત્ર ગતિ કરી ગયો છે. છતાં આયુષ્યમાન ભારત અંગેનો જે કંઇ પણ જાહેર થયેલો ડેટા છે એ જ એની સ્વયંસ્પષ્ટતાથી ખાતરી કરાવે છે કે એનડીએ સરકારે સત્તામાં પોતાનું અને પોતાની સત્તાનું આયુષ્ય વધારવા માટે જ જાણે કે આ યોજના ઘડી છે.
એકદમ ખોટી વાતને પૂર્ણ આત્મવિશ્વાસથી રજૂ કરવાનું સામર્થ્ય જેનામાં હોય એની જ તરફેણ મૂર્ખ પ્રજા કરતી હોય છે એમ ચાણક્યે કહેલી વાત ઈ.સ. ૨૦૧૪માં તો સાચી પડી હતી ! ભારત સરકારે દેશના અત્યન્ત યાતનામય એવા આરોગ્ય ક્ષેત્ર તરફ વધુ ધ્યાન આપીને દર્દીનારાયણોને માત્ર આશ્વાસન આપવાને બદલે તંદુરસ્તી આપવાની જરૂર છે.
અલ્પવિરામ