Get The App

અમેરિકાએ અચાનક તિબેટ તરફ કેમ જોયું ?

Updated: Jan 1st, 2019

GS TEAM

Google News
Google News
અમેરિકાએ અચાનક તિબેટ તરફ કેમ જોયું ? 1 - image


ચીને સૈન્ય અને શાસન પધ્ધતિ બન્નેમાં ચતુરાઈ રાખીને તિબેટને આધુનિક વિશ્વના એક અભેદ્ય કિલ્લામાં રૂપાંતરિત કરી નાંખ્યું છે

કોઈ એક આખો દેશ રાતોરાત જેલ બની જાય તો એની પ્રજાની શું સ્થિતિ થાય ? દુનિયા ક્રમશઃ જેના અશ્રુગાનને વિસરી જવા આવી છે તે તિબેટની આંતરિક સ્થિતિ તરફ રાહુનું ધ્યાન આકર્ષિત કરવા આ ટચૂકડા દેશ અંગે અમેરિકાએ હવે ચીન તરફ ઉગ્ર અભિગમ દાખવવાની શરૂઆત કરી છે.

ઇ.સ. ૧૯૫૫થી તિબેટ પર ચીનનો સંપૂર્ણ અંકુશ છે. ચીને તિબેટ પર એક પ્રકારનો અંધારપટ ફરમાવેલો છે, એટલે કે બહારની કોઈ વાત તિબેટની પ્રજા સુધી પહોંચતી નથી અને અંદરની એકેય માહિતી બહિર્જગત પાસે નથી. છેલ્લા કેટલાક સમયથી ચીની નાગરિકોના કાફલાઓ તિબેટમાં આવીને વસવાટ કરવા લાગ્યા છે. 

તિબેટની ખેતીવાડી તબક્કાવર ચીની નાગરિકોના હાથમાં જઇ રહી છે. વતની તિબેટિયનોને ચીને પશુપાલન તરફ વાળ્યા છે. ચીને તિબેટી પ્રજા પર કુટુંબ નિયોજન યોજના દાખલ કરી છે અને તેમાં અપવાદ સર્જતા નાગરિકો માટે આકરી સજાની જોગવાઈ છે. 

વિશ્વના નકશામાંથી ચીનના શાસકો હવે તિબેટિયન સભ્યતા અને સંસ્કૃતિને સંપૂર્ણ નષ્ટ કરવા ચાહે છે. ચીને તિબેટિયન પ્રજાનું જે દમન કર્યું છે એ દાસ્તાનો સમગ્ર વિશ્વને કંપાવનારી છે. એક માન્યતા પ્રમાણે તિબેટના હજારો, સ્વતંત્રતા ચાહકોને ચીને જેલમાં પુરી રાખ્યા છે. 

બીજા વિશ્વયુધ્ધ પછી જો કોઈપણ દેશની પ્રજા સૌથી વધુ યાતનામાંથી પસાર થઇ કે થતી હોય તો તેમાં તિબેટિયનો પણ છે. ચીનના ટોચના રાજકાજ સંભાળતા સામ્યવાદી નેતાઓ અને અધિકારીઓની 'સેવા'માં તિબેટિયન યુવતીઓની ફરજિયાત ધોરણે નિમણુક કરવામાં આવે છે. 

અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ દ્વરા તિબેટની આંતરિક સ્થિતિ પામવા માટેના પ્રયાસો અદ્યાપિ બહુ સફળ નીવડયા નથી. તિબેટનું આભૂષણ એવરેસ્ટ છે અને એવરેસ્ટની ઝાંખી કરવા કે આરોહણ માટે વિશ્વભરના પ્રવાસીઓ આવે છે તેના વિઝા માટે પણ ચીની અધિકારીઓ બહુ બારીક રીતે ધ્યાન રાખે છે.

ચીને સૈન્ય અને શાસન પધ્ધતિ બન્નેમાં ચતુરાઈ રાખીને તિબેટને આધુનિક વિશ્વના એક અભેદ્ય કિલ્લામાં રૂપાંતરિત કરી નાંખ્યું છે. ચીનના સકંજામાંથી તિબેટને મુક્તિ અપાવવાની વાત તો દૂરની છે, તિબેટમાં આજે શું સ્થિતિ છે એ જ જાણી શકાય એમ નથી. આપણે ત્યાં જેમ સ્વનિર્ણયથી ઇંગ્લિશનું આક્રમણ આપણે હર્ષભેર સર્વ ભારતીય ભાષાકુળના ભાષકોએ સ્વીકારી લીધું છે તેનાથી વિપરીત તિબેટિયન ભાષાના નાગરિકોએ ચીની ભાષા અને લિપિનો શરૂઆતમાં ઘોર વિરોધ કર્યો હતો જે હવે શમી ગયો છે. 

હવે તબક્કાવાર ચીની ભાષાની આગેકૂચ ચાલુ છે અને સામ્યવાદીઓની ડિઝાઈન પ્રમાણે તિબેટિયન ભાષા કોઈક નાના પ્રદેશની બોલી જેવી રહી જશે. દુનિયાના ઊંચામાં ઊંચા દેશ તરીકે ઓળખાતો તિબેટ ચીનનીએડી તળે કચડાઈને નીચામાં નીચું જીવન પસાર કરે છે.

તિબેટની પહાડી સંસ્કૃતિ સાવ અલગ જ પ્રકારની હોય તે તો સ્વાભાવિક છે, પરંતુ તિબેટની મકાનોની બાંધકામ શૈલીમાં ભારત-ચીનના પ્રાચીન સ્થાપત્ય સંસ્કારનું વિરલ સંગમતીર્થ રચાયું છે, જે હવે પછીના વરસોમાં કેટલુંક જળવાશે તે પ્રશ્ન છે.

તિબેટિયન પ્રજાનો દૈનિક આહાર અંદાજે દસ હજાર વર્ષ પૂર્વેની સિંધુ ખીણની વસાહતોની નજીકનો છે. આજેય તેમના દૈનિક આહારમાં આપણા ઘઉં અને ચોખાના સ્થાને જવ છે તેઓ જવ શેકીને ભરપેટ આરોગે છે, તેમની દેહયષ્ટિ અને સૌન્દર્યનું પણ જવ જ રહસ્ય છે.

વ્યાપાર યુદ્ધને ઠંડુ પડી જતું રોકવા અને પોતાના અહંકારને પરિપુષ્ટ કરવા ડોનાલ્ડ ટ્રમ્પે હવે ચીનને તકલીફમાં મૂકવા તિબેટ પર નજર નાંખી છે. ટ્રમ્પે તિબેટ અંગે એક નવા વિધેયક પર હસ્તાક્ષર કરી દીધા છે જેને અમેરિકી સંસદના બન્ને સદનો અગાઉ પસાર કરી ચૂક્યા છે.

આ વિધેયક કેટલાક ચીનાઓને અમેરિકા આવતા અટકાવશે. તિબેટમાં સરકારી વહીવટમાં ચોતરફ ચીનાઓ ફેલાયેલા છે. તેમાંના કેટલાક અધિકારીઓ કે જેઓ સ્વયં અમેરિકા આવ-જા કરે છે પરંતુ અમેરિકી અધિકારીઓ, પત્રકારો અને રાજદ્વારીઓને તિબેટમાં પ્રવેશવા દેતા નથી. 

આમ તો આ બધા એ ચીનાઓ છે જે સમગ્ર તિબેટનું કુશાસન ચલાવે છે. એટલે અમેરિકાએ હવે એ રીતે ચીનાઓનો ડાબો કાન પકડાવ્યો છે કે જે અધિકારીઓને તિબેટિયન વહીવટનું લાંછન લાગેલું છે તેઓને અમેરિકામાં પ્રવેશ નહિ મળે.

આમ જુઓ તો તિબેટ જવા માટે કોને મંજુરી આપવી એ ચીનના અધિકારનો વિષય છે, કારણ કે તિબેટ હવે ચીનનો જ એક ભાગ ગણાય છે અને એની સામે અમેરિકામાં આવવા માટે કોને વિઝા આપવા અને કોને નહિ એ અમેરિકાનો પોતાનો નિર્ણય હોય છે. 

પરંતુ વાત આટલી સરળ કે સામાન્ય નથી. તિબેટમાં આજકાલ માનવાધિકારોનું જે સરેઆમ ઉલ્લંઘન થાય છે તેની સામે અમેરિકાનો આ ભૂ્રકુટિવિલાસ છે. ઉપરાંત ચીન અને અમેરિકા વચ્ચેની તડફડનો નવો અધ્યાય હવે તિબેટ બને છે. 

અમેરિકા અને ચીન બન્નેની એક રાષ્ટ્ર તરીકે એ તો થર્ડ ક્લાસ પ્રકૃતિ છે કે ક્યાં તો લડો અથવા લડનારા આપો. તેઓ બન્ને દેશો ચોતરફ અથડામણના જ બહાના શોધતા હોય છે. 

માનવાધિકારોના ઉલ્લંઘનનો ચીન સામેનો આરોપ કંઇ નવી નવાઇનો નથી. ચીન તો પહેલેથી જ લોકશાહીની ચળવળ ચલાવતા હજારો પોતાના જ નાગરિકોને જેલમાં પૂરે છે અને એ અંગેની ચળવળ ચલાવતી ભૂગર્ભ પત્રિકાઓનો પ્રકાશકોને રાતોરાત ચીની શાસકો ગુમ કરી દે છે, આંતરરાષ્ટ્રીય મીડિયામાં અવારનવાર એનો ઉહાપોહ ચાલતો રહે છે.

ચીની પ્રજા ઉત્પાદકીય પ્રવૃત્તિ અને આર્થિક મહત્ત્વાકાંક્ષાઓમાં એટલી ગળાડૂબ છે કે તેઓની પાસે કોઈ સ્વતંત્રતા આંદોલન કરવાનો સમય જ નથી. શાસકોએ ઘણા લાંબા વર્ષોના મનોવૈજ્ઞાાનિક પ્રભાવથી પ્રજાની માનસિકતા જ બદલી નાંખી છે.

દરેક ચીની નાગરિક કે જે એક પ્રકારનો મજૂર જ છે તે પોતાને વિશ્વનો સર્વોપરિ ઉત્પાદક માને છે, તેના એ મિથ્યાભિમાનમાં જ તેનું આયુષ્ય પૂરું થઇ જાય છે. 

સ્વતંત્રતાની ખુશનુમા હવાનો તેને અનુભવ જ નથી એટલે એની ઝંખના પ્રગટતી નથી, એનુ બીજું કારણ એ પણ છે કે ચીની પ્રજાએ શાસકોના તમામ અમાનવીય અત્યાચારો અને સર્વ ગેરવર્તનો સ્વીકારી લીધા છે. 

માત્ર ચીન નહિ, રશિયામાં પણ આ જ પરિસ્થિતિ છે. ચીનના આ જ દૂષિત શાસન વિકારો હવે તિબેટમાં ચોતરફ ફેલાઈ ગયા છે. તિબેટિયનો કાળની કેડીએ નવા રૂપરંગ અને સંયોગોને અનિચ્છાએ સ્વીકારીને પોતાની જિંદગીનું જેમતેમ વહન કરી રહ્યા છે.

દુનિયામાં જ્યાં જ્યાં ચીનના રાજદૂતાવાસો છે ત્યાં તિબેટિયન નાગરિકો અવારનવાર વિરોધ-પ્રદર્શન કરતા રહે છે. દિલ્હીમાં તો આ દ્રશ્ય વારંવાર જોવા મળે છે. ભારતે જવાહરલાલ નહેરુ અને વાજપેયીના સત્તાકાળમાં તિબેટ સંદર્ભે ચીન સાથે સંદિગ્ધ અભિગમો અપનાવેલા છે અને એનો ઇતિહાસ બહુ લાંબો છે.

વાજપેયીના સમર્થકો સામાન્ય દલીલ એવી કરતા રહે છે કે સિક્કીમને ભારતનો હિસ્સો માનવા અંગે ચીને સ્વીકૃતિ આપી તેના 'એક્ષચેન્જ ડિલ'માં ભારતે તિબેટને ચીનનો હિસ્સો માનવાની સ્વીકૃતિ આપી, જેને ઇતિહાસકારો આજે પણ ભારતની ગંભીર ભૂલ માને છે. 

અમેરિકાની નવી તિબેટ નીતિથી ચીનને કોઈ ફરક નહિ અલબત્તા જ રહેશે, પરંતુ આંતરરાષ્ટ્રીય મોરચે તિબેટિયન નાગરિકોને એક નવું આશ્વાસન માત્ર મળશે કે મહાસત્તાઓમાંથી કોઇક તો તિબેટિયન પ્રજાના આંસુ લૂછવાનો રૂમાલ ખિસ્સામાં રાખે છે. 

અમેરિકાએ ભલે કહ્યું કે જગતકાજી બનવાની અમારે એકલાને શી જરૂર ? તો પણ તે તેના સ્વભાવ પ્રમાણે તો ચીન અને રશિયાને ખલેલ પહોંચાડવાનો એક પણ મોકો જતો કરે નહિ. તિબેટ પરત્વે અમેરિકાને ઉભરાયેલું વહાલ, વાસ્તવમાં ચીનાઓ પ્રત્યેની ખિન્નતા છે.

- અલ્પવિરામ

Tags :