ભાજપ કેવું ભારત ચાહે છે ? ભગવાન જાણે !
ભાજપના નેતૃત્વની એનડીએ સરકારની પંચવાર્ષિક અવધિ પૂરી થવાને હવે બહુ વાર નથી.
સમય કેટલો ઝડપી છે એનો પૂરેપૂરો અનુભવ અત્યારે વડાપ્રધાન મોદી કરી રહ્યા છે. કારણ કે તેમણે ઉચ્ચારેલા વચનો તેઓની લોકપ્રિયતા સાથે જ કાળના પ્રવાહમાં વહી ગયા છે. ઇ.સ. ૨૦૧૪માં ભારતીય પ્રજાએ એટલી હદે ભાજપને મત આપ્યા કે સંસદીય લોકશાહી હોવા છતાં જાણે કે પ્રમુખશાહી પધ્ધતિની ચૂંટણી હોયએવું ચિત્ર ઊભું થયું.
ભારતીય પ્રજાને પોતાના સપના સાકાર કરનારો એક ચહેરો મળ્યો. પરંતુ એ સંભાવના કે જેના પર પ્રજાએ વિશ્વાસ મૂક્યો તે કારગત ન નીવડી. વધારામાં કેટલીક આકરી આર્થિક સજાઓ પ્રજાએ ભોગવવાની આવી. હવે પાંચ વરસ પૂરા થવા આવ્યા છતાં ભાજપ દેશની સમક્ષ પોતાની કલ્પનાનું ભારત રજૂ કરી શકે એમ નથી. એનું વિઝન વેરવિખેર થઇ ગયેલું દેખાય છે.
રાજકીય નેતાઓની વિચારધારા બદલી શકે છે, પરંતુ એના સ્થાને નવી વિચારધારા પ્રસ્તુત થવી જોઇએ. કેન્દ્ર સરકારનો અભિગમ સીધી ગતિનો કે સીધી રેખાનો ન રહેવાને કારણે ભાજપ અંગે દેશના નાગરિકો દ્વિધામાં મૂકાઈ ગયા છે.
આગામી લોકસભાની ચૂંટણી પહેલાની સામાન્ય નાગરિકની આ અનિર્ણયાત્મકતા જ ભાજપનું સૌથી મોટું ઉધાર પાસુ છે.
લાલકૃષ્ણ અડવાણી, એના પૂર્વેના વાજપેયી, પ્રમોદ મહાજન, મુરલી મનોહર જોષી વગેરેથી રચાયેલી ભાજપની એક આકૃતિ હતી. તેમાંના કેટલાક હવે હયાત નથી અને જેઓ હયાત છે તેની હયાતી ભાજપ દ્વારા અસ્વીકૃત છે. ભાજપના વૈચારિક વૈભવનું છેલ્લા ચારેક વરસમાં ઘોર પતન થયું છે. વડાપ્રધાનના કાર્યાલયને દેશના કોર્પોરેટ હાઉસો ઘેરી વળેલા છે.
એનપીએ સેટલમેન્ટના નામે કોર્પોરેટ હાઉસ અબજોની કમાણી કરી રહ્યા છે. બેન્કો દ્વારા જપ્ત થયેલી સંપત્તિઓ પાછલે દરવાજેથી પાણીના ભાવે કોર્પોરેટ દલાલો વિરાટકાય કંપનીઓને પધરાવી રહ્યા છે. કેટલીક મોટી મિલકતો વિદેશી કંપનીઓના હાથમાં પહોંચાડવા માટેની ચહલ પહલ પણ ચાલી રહી છે. વિજય માલ્યા પરની સીબીઆઈની લુકઆઉટ નોટિસને નબળી પાડનાર પરિબળો વડાપ્રધાન કાર્યાલયમાં જ બેઠા હોય છે.
વિશ્વબેન્કના એક અર્થશાસ્ત્રીના મત પ્રમાણે જો ઇ.સ. ૨૦૧૬માં નોટબંધીનું તઘલખી ફરમાન ન થયું હોત તો બેન્કોના નાણાં આટલા બધા ડૂબી ન ગયા હોત. નાના અને મધ્યમ કદના સિત્તેર ટકાથી વધુ ઉદ્યોગો સ્થગિત થઇ ગયા છે, અને હવે તે સમ્પૂર્ણ બંધ થઇ ગયા છે. નોટબંધી વખતે કુલ ૪૦ કરોડ લોકો જે રઝળી પડયા તેમાંના દસ ટકા લોકો પણ ફરી કામે ચડયા નથી.
ન દેખાય એવી એક નવી અર્ધબેરોજગારીએ દેશને ભરડો લીધો છે. આ અર્ધબેરોજગારી એટલે ચાલુ કામ અને ચાલુ આવકમાં ઘટાડો. સંખ્યાબંધ કંપનીઓએ પોતાના ફુલટાઈમ સ્ટાફને પાર્ટટાઈમ સ્ટાફમાં ક્ન્વર્ટ કર્યા.
કામ જ ન હોય અને યંત્રોના ચક્ર થંભી ગયા હોય તો મજૂરો અને કારીગરો ફેકટરી પર કેટલા દિવસ જાય ? માલિકો પાસે જ ઓર્ડર ન હોય તો ? દેશમાં જે ચાઈનિઝ ઉત્પાદનો ફેલાઈ ગયા છે એને નોટબંધીથી એવો વેગ મળ્યો કે લગભગ તમામ ઉત્પાદનોમાં ચાઇનિઝ રિપ્લેસમેન્ટ ગોઠવાઈ ગયા. આજે દેશમાં ચીની ઉત્પાદનોની જાળ ચોતરફ એવી ફેલાઈ ગયેલી છે કે હોસ્પીટલમાં નવજાત શિશુને ઓઢાડવાના પ્રથમ પરિધાન રૃપ ટુવાલ ચીનની બનાવટનો છે અને દેશના ઇલેક્ટ્રિક સ્મશાનગૃહોની વિદ્યુત ભઠ્ઠી પણ ચીની બનાવટની છે. ભારતમાં જન્મ લેતા મનુષ્યની જિંદગીની પ્રથમ ક્ષણથી અંતિમ ક્ષણ સુધી ચીન ડગલે ને પગલે છે. જિને કે સાથ ભી ઔર મરને કે સાથ ભી ! ચીન-આપ કા હમસફર, એવી જાહેરખબર બનાવવાની જ હવે જાણે કે બસ બાકી રહી ગઈ છે ! ભારત સરકારની અંધ અને અંધાધૂંધ ઔદ્યોગિક નીતિને કારણે એકસો એકત્રીસ કરોડ નાગરિક ઉપભોકતા ધરાવતા આપણા આ વિરાટ દેશની તમામ સ્વદેશી ઉત્પાદન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
લોકો કહે છે કે મોંઘવારી બહુ વધી ગઈ છે, પરંતુ એમાં ચીનની નફાખોરી કેટલી વધી ગઈ છે એ અલગથી વિચારવું પડે એમ છે. દુનિયા કહે છે કે ચીન તો ભારતનો મોટામાં મોટો શત્રુ છે, પરંતુ જો કોઈ ભીતરથી પ્રવાસ કરીને સ્થિતિ જાણે તો નવાઈ લાગે કે ઓહોહો આ તો એક એવો દેશ છે જે એની તમામ ઉત્પાદકીય ટેકનિકલ જરૃરિયાતો માટે પોતાના શત્રુ દેશ પર પૂર્ણત: અવલંબિત છે. ચીન પરનું ભારતનું આ પરાવલંબન જ કોઈ પણ યુદ્ધ વિનાનો ભારતનો સૌથી મોટો પરાજય છે. દેશના નેતાઓએ આ વાત પ્રજાને ગળે ઉતારવી જોઇએ પરંતુ તેઓ તેમ કરતા નથી.
ભાજપ પાસે થોડી કંપનીઓ, કોર્પોરેટ હાઉસો અને આંકડાઓના પત્રકો સિવાય કંઇ સમજણ હોય એવું દેશના વ્યાપાર-વાણિજ્ય ક્ષેત્રને લાગતું નથી. સામાન્ય રીતે કોઈ પણ સત્તાધારીના વિરોધપક્ષ તરીકે એક કે એકાધિક અન્ય રાજકીય પક્ષો હોય છે, પરંતુ ભાજપે તો વેપારીઓ, કિસાનો, બેરોજગારો, ફિક્સ પગારદારો, ઉત્પાદકો, એન્જિનિયરો એમ એક સાથે કેટલા બધા વિરોધપક્ષને જન્મ આપ્યો છે. તેઓ તમામ ભાજપ વિશે જે કંઇ બોલે છે કે સોશ્યલ મીડિયામાં આલેખે છે તેણે વાસ્તવિક ધરાતલ પર ભાજપ કેટલો બેઆબરૃ થયો છે એનું વર્તમાન ચિત્ર પ્રસ્તુત કર્યું છે.ભારતીય મતદારોના દિલોદિમાગમાં ભાજપ તરફની જે ખિન્નતા છે એ એની પોતાની જિંદગીની એક હજુ પૂરી ન થયેલી કરૃણાન્તિકા છે.
ઇ.સ. ૧૯૮૪માં રાજીવ ગાંધી ૪૧૫ લોકસભા બેઠકો જીતીને સત્તામાં આવ્યા હતા. તેમ છતાં ઇ.સ. ૧૯૮૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર ઘર ભેગી થઇ ગઈ હતી. એના બરાબર ત્રીસ વર્ષ પછી ઇ.સ. ૨૦૧૪માં પહેલીવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોઈ એક પક્ષને લોકસભામાં બહુમતી મળી. તેમ છતાં પોતાને મળેલા મહામૂલ્યવાન પાંચ વરસ ભાજપે રીતસર વેડફી નાંખ્યા છે અને શક્ય એટલા નાસમજ અખતરાઓ કરીને દેશના નાગરિકની હાલત પ્રયોગશાળાના દેડકા જેવી કરી નાંખી છે. નીતિન ગડકરી સદાય સાચુ બોલતા આવ્યા છે પરંતુ હમણાં તેઓ ખોટું બોલવા વિશે સાચું બોલ્યા ! તેમણે કહ્યું કે ઇ.સ. ૨૦૧૪ના ચૂંટણી પ્રચાર વખતે અમે ભાજપના ટોચના નેતાઓ એમ માનતા હતા કે આપણી સરકાર તો આવવાની નથી તો જેટલા ગપ્પા મારી શકાય ને જેટલા ખોટા વચનો આપી શકાય તે ગપ્પા મારો અને તે વચનો આપો. એટલે અમે જે વચનો આપ્યા તે તો અમારા માત્ર તરંગો જ હતા. મિસ્ટર ગડકરીએ સત્ય શોધક સભાનું જાતે જ લઇ લીધેલું પ્રમુખપદ તેમને ભલે રાજકીય વૃધ્ધાશ્રમમાં મોકલી આપવા માટેનું બહાનુ બને, પરંતુ એવી કોઈ પરવા કર્યા વિના તેઓ સાચું બોલતા રહ્યા છે. સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે નીતિન ગડકરીના આ વિધાનોને ભાજપના ટોચના નેતાઓએ પણ ક્રોસ કર્યા વિના સર્વસંમતિથી સ્વીકારી લીધા છે. જો કે ગડકરીએ એ ઘટસ્ફોટ કરવાનો બાકી રાખ્યો છે કે આવી સમગ્ર દેશને છેતરવાની ગપ્પાબાજી કરવાની સલાહ એમને સહુને કોણે આપી ?
ગડકરીની વાત બીજી રીતે પણ સાચી છે કે ઇ.સ. ૨૦૧૪માં એટલી આત્યન્તિક ગપ્પાબાજી ભાજપે કરી લીધી છે કે હવે ઇ.સ. ૨૦૧૯ માટેનો સ્ટોક કદાચ ખલાસ થઇ ગયો હશે, એનું નવેસરથી સર્જન કરવું પડશે. જો કે તરંગો વહેતા કરી આપનારા દિમાગનું ભાજપમાં બાહુલ્ય છે. ભાજપે સાવ એકડેએકથી હોમવર્ક કરવું પડે અને પોતાની વિચારધારા જે અત્યારે નહિ મગ અને નહિ ચોખા જેવી ખિચડી થઇ ગઇ છે એની સ્પષ્ટતા કરવી પડે. હા, ભાજપની એક પોલિસી - કે કોઈ પણ ભોગે સત્તા જોઇએ એ તો સ્પષ્ટ થઇ ગઇ છે એટલે એના પુનર્કથનની જરૃર નથી.
કોંગ્રેસની નિષ્ફળતા એટલે ભાજપની ફાવટ અને ભાજપની નિષ્ફળતા એટલે કોંગ્રેસની આગેકૂચ એ ગણિત પણ કામમાં આવે એવું હવે નથી.