શ્રીલંકાને ગળી જવા ડ્રેગનની તૈયારી
દક્ષિણ ચીની સમુદ્ર પર પૂર્ણ પ્રભુત્વ સ્થાપવામાં નિષ્ફળ નીવડયા પછી ચીને પોર્ટુગીઝોની જેમ કોલંબોને જ પોતાનો ભવિષ્યનો દુર્ગ બનાવવાની મુરાદ ઘડી લીધી છે
શ્રીલંકા આજકાલ જાસૂસોનો મોટો પડાવ બની ગયો છે. અનેક દેશોના ગુપ્તચરો કોલંબોમાં સ્વૈર વિહાર કરતા રહે છે. છેલ્લા બે-ત્રણ વરસથી શ્રીલંકા ન દેખાય એવા વિવાદમાં સપડાયેલું છે. આ વરસના અંત સુધી લંકાએ હજુ ઘણી ઉથલપાથલ જોવાની છે. ગઇ ૨૧મી એપ્રિલે ઇસ્લામિક સ્ટેટ દ્વારા જે આતંકવાદી હુમલો થયો એ અંગે ભારતીય જાસૂસી સંસ્થા 'રો' દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલય તરફથી લંકન સરકારને સાવધાન કરવામાં આવી હતી. પરંતુ લંકાને એ તરફ ધ્યાન આપવા જેવું ન લાગ્યું.
વિનાશક હુમલા પછી જે પહેલી પ્રેસબ્રિફ લંકન સરકારે આપી એમાં જ એમણે કબૂલાત કરી હતી કે ભારતીય જાસૂસોએ અમને સ્પષ્ટ ચેતવણી આપી હતી પરંતુ અમે એમાં ધ્યાન આપી શક્યા નહિ. દક્ષિણ ચીની સમુદ્રના વિવાદ પછી અને અમેરિકા સાથે દૂરના ભવિષ્યમાં થનારા સર્વ સંઘર્ષોનો સંભાવનાને આધારે ચીનની કાતિલ નજર લંકા પર છે. એ માટે ચીને લાખો ડોલર ત્યાં પાથરેલા છે. બંદરો લિઝ પર લીધેલા છે ને એ આખો અલગ જ ઇતિહાસ છે.
પરંતુ જે રીતે તિબેટ અને નેપાળ એના બેવકૂફ રાજકર્તાઓને કારણે ચીનની સત્તા અંતર્ગત આવી ગયા તે જ રીતે લંકા પણ આવી જશે એવી ચીનની માન્યતા ઊંધી વળી છે. ભારત સરકારના હઠાગ્રહી માર્ગદર્શનમાં લંકાએ ચીન સાથે અનેક કરારો છેલ્લી ઘડીએ પડતા મૂકેલા છે. જે લંકા બે વરસ પહેલા ચીનને મિત્ર તરીકે જોતું હતું એ જ લંકા હવે ચીનને શંકાથી જોવા લાગ્યું છે.
એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે છેલ્લા સાત દાયકાથી હિંસાના અનેક લાંબા ઘટનાક્રમોમાંથી પસાર થવા છતાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદ સાથે લડવા માટે લંકાએ પોતાને કદી તૈયાર કર્યું ન હતું. દેશના સુરક્ષાતંત્રનું ધ્યાન સદાય એમાં જ રહે છે કે તામિલ ટાઈગર્સ ક્યાંક ફરીથી માથું ન ઊંચકે. શ્રીલંકાના દૈનિકોમાં સમયાંતરે એવા સમાચારો ચમકતા રહે છે જેનો સારાંશ એ છે કે વિદેશોમાં સ્થિત લિબરેશન ટાઇગર્સ ઓફ તામિલ ઇલમ (એલટીટીઈ)ના બાકી બચેલા લોકો નવેસરથી સંગઠિત થઇને લંકા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.
લંકાની પોતાની જાસૂસી સંસ્થાઓની નજર પણ તામિલ ટાઈગરો અને એના ફરી સંગઠિત થવાના પ્રયાસો પર જ ટકી રહેતી હતી. છેલ્લા થોડા વરસો દરમિયાન લંકામાં બૌદ્ધ ઉગ્રવાદીઓ અને મુસ્લિમ કટ્ટરપંથીઓ વચ્ચે અથડામણો ચાલતી રહે છે, પરંતુ લંકન સરકારે એને ઘરઆંગણાના મતભેદો માની લીધા છે. લંકાની અંદાજે સવા બે કરોડની જનસંખ્યામાં મુસ્લિમોની વસ્તી દસ ટકા છે. શ્રીલંકાના સામાજિક જનજીવનમાં મુસ્લિમોની છાપ પારસી જેવી શાંતિપ્રિય છે. તેઓ લંકન પ્રજામાં હળીમળીને રહે છે.
આ જે પ્રશાંત જીવન જીવતા મુસ્લિમ સમુદાયને સ્થાનિક પ્રજા સાથે લડાવવામાં ન આવે તો લંકાની શાંતિ ચિરંતન જળવાઈ રહે. આપણે ત્યાં નકસલવાદીઓને જે રીતે અત્યન્ત ગુપ્ત પ્રણાલિકાથી ચીન કરોડો રૂપિયાનું ભંડોળ પહોંચાડે છે એ જ રીતે લંકાના નવયુવાન મુસ્લિમોમાંથી કેટલાક ચુનંદા લોકોને એક પછી એક એમ ઇરાક અને સિરિયા મોકલવાની પ્રવૃત્તિ કોઇએ લંકામાં ચાલુ કરી છે. આ કોઈ એટલે ચીની જાસૂસો.
ઇસ્લામિક સ્ટેટ તો એક એવું ઓેપન ફોરમ કલ્ચર ધરાવે છે કે દુનિયાનો કોઈ પણ કટ્ટરવાદી ધારે તો પોતાને આઈએસનો આતંકવાદી માની શકે છે અને આમ મનોમન માનીને ચાલતા સર્વ દુર્જનોને આઈએસનો વડો અબુ બકર અલબગદાદી સ્વીકારી જ લે છે. આઈએસના કાફલામાં હજારો આતંકવાદી એવા છે જેઓ જ્યાં છે ત્યાં પોતાને અબુ બકરના અનુયાયી માને છે, શ્રીલંકાના કેટલાક કટ્ટરવાદી મુસ્લિમ યુવાનોની ઇરાક અને સિરિયા અવર જવર શરૂ થઇ ત્યારથી ભારતીય જાસૂસોની એમના પર નજર હતી.
આજથી બે વરસ પહેલા લંકાના ભારત ખાતેના રાજદૂત સાથે રોના એક અધિકારીએ ત્રણ કલાક લાંબી મંત્રણા કરી અને સ્ફોટક માહિતી આપી હતી. છતાં લંકન સરકારે એમ જ માની લીધું હતું કે તામિલ ટાઈગરો સિવાય તેમને કોઈનાથી ભય નથી. ઇસ્લામિક સ્ટેટના પહેલા જ હુમલામાં લંકા હવે તામિલ ટાઈગરોને ભૂલી ગયું છે અને જે દસ ટકા મુસ્લિમો દેશમાં છે જેમાંના પાંચ-પચીસ જ કટ્ટરપંથીઓને બાદ કરતાં તમામે તમામ નિર્દોષ છે તેમને ય શંકાથી જોવા લાગ્યું છે.
સજ્જન મુસ્લિમોની જિંદગીઓને શંકાના ઘેરાવામાં ધકેલવી એ આતંકવાદીઓનું મુખ્ય કામ છે, જેનાથી દુનિયાભરનો મુસ્લિમ સમુદાય આ આતંકવાદીઓ પ્રત્યે ખિન્ન છે. ધર્મના નામે શરૂ થયેલી જેહાદ હવે ગુનાખોરીના એક એવા વળાંકે આવી પહોંચી છે કે દુનિયાના કોઈપણ દેશમાં જ્યાં મુસ્લિમો લંકા જેવી અને જેટલી લઘુમતીમાં છે તેમને સુખ લેવા દે એમ નથી.
શ્રીલંકામાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે હવે પછીના અનેક વરસો સુધી ચાલે એવું વૈમનસ્ય જન્માવવામાં ચીનને રસ છે. જૈશ-એ-મોહના વડા મસૂદ અઝહરના માધ્યમથી ચીને દક્ષિણ એશિયાના તમામ આતંકવાદી જૂથો સાથે પોતાનો એક તાર જીવંત રાખેલો છે. મસૂદ દ્વારા દક્ષિણ એશિયામાં અશાંતિ ફેલાવવા માટે ચીને હવે લશ્કરની જરૂર નથી, આતંકવાદીઓ પણ ચીનના ઇશારે વિસ્ફોટક અને વિનાશક હુમલાઓ કરવા તૈયાર હોય છે.
શ્રીલંકામાં સામાજિક વિઘટન કરાવવામાં ખલનાયકની ભૂમિકા ચીની જાસૂસોએ અદા કરી હોવાની થિયરી જો કે પહેલી નજરે સ્વીકૃત બને એવી નથી. પરંતુ વિસ્ફોટ થયા પછી ચીનના લંકન રાજદૂતાવાસે ત્યાંની સરકારને સૈનિક સહાય માટે મોકલેલી દરખાસ્ત જાણે કે અગાઉથી જ તૈયાર કરી રાખી હોય એવી છે, જેનો લંકન સરકારે સાભાર અસ્વીકાર કરેલો છે.
લંકાને ડહાપણ તો આવ્યું છે પરંતુ મોડે મોડેથી ! ગત ડિસેમ્બરમાં લંકાના કેટલાક અધિકારીઓએ પ્રવાસી વિઝા પર આવેલા ચીનાઓની બે ટુકડીઓને તેમની શંકાસ્પદ હિલચાલને કારણે રાતોરાત તેમના દેશ પરત જતા રહેવાનો આદેશ કરવો પડયો હતો.
અત્યારે લંકામાં ૭૪ ટકા સિંહાલીઓની વસ્તી છે જે એક માન્યતા પ્રમાણે સવા લાખ વરસોથી આ ટાપુ પર ઉપસ્થિત છે. તામિલોની વસ્તી ૧૮ ટકા છે. સાત ટકા ખ્રિસ્તીઓ છે. તામિલો અને સિંહાલીઓમાં મળીને કુલ દસ ટકા મુસ્લિમ ધર્મ પાળનારા છે.
ઈ.સ. ૧૯૮૩થી ઈ.સ. ૨૦૦૯ સુધી તામિલ ટાઈગરો સાથે સિંહાલીઓનું ગૃહયુદ્ધ ચાલુ રહ્યું હતું. સરેરાશ પચીસેક વરસના ફલક પર લડાયેલા એ સંઘર્ષમાં બન્ને પક્ષે ભારે ખુવારી થઈ હતી. એક અંદાજ પ્રમાણે એ સંઘર્ષમાં કુલ ૮૦ હજાર લોકો માર્યા ગયા હતા જેમાં સૈનિકો, તામિલ ટાઇગરો અને નિદોર્ષ નાગરિકો પણ સમાવિષ્ટ હતા.
શ્રીલંકાના વડાપ્રધાન રણિલ વિક્રમસિંઘેએ એ સંકેત ઉચ્ચાર્યો જ છે કે કોઈક વિદેશી તાકાત શ્રીલંકાને અસ્તવ્યસ્ત કરવા ચાહે છે, પરંતુ એણે ચીનનું નામ આપ્યું નથી. ચીને ઘણા ધમપછાડા કર્યા તો પણ દક્ષિણ ચીની સમુદ્ર પર એનો એકાધિકાર સ્થાપિત થઈ શક્યો નથી.
એટલે પોર્ટુગીઝોએ સદીઓ પહેલા જેમ કોલંબોને પોતાનો મુખ્ય કિલ્લો બનાવી. દક્ષિણ એશિયામાં પોતાની આણ વર્તાવી હતી એ જ પંથે ચીન હવે પ્રયાસ કરી રહ્યું છે. દક્ષિણ ચીની સમુદ્ર લગભગ ૨૫ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આમ તો એ પ્રશાંત મહાસાગરનો જ એક ભાગ છે.
ચીનને એના પર પોતાનું પૂર્ણ સ્વામીત્વ સ્થાપતા રોકવા માટે તાઈવાન, ફિલિપાઈન્સ, મલેશિયા, બુ્રનેઈ, ઈન્ડોનેશિયા, સિંગાપોર અને વિયેટનામ મેદાનમાં ઉતરેલા છે અને હવે એના પર ચીનનું પૂર્ણ સ્વામીત્વ અસંભવ છે. શ્રીલંકામાં ચીને કરોડો ડોલર પાથરેલા છે. ચીને ધાર્યું હતું એવી એટલે કે પાકિસ્તાન જેવી આજ્ઞાાંકિતતા શ્રીલંકામાં નથી. ચીને ત્યાં નેતૃત્વમાં ફાટફૂટ પડાવી છે તો પણ લંકા હજુ ચીનને આધીન નથી.
આ વરસના અંતે લંકામાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. એના પછી જ નિર્ણય થશે કે નેપાળની જેમ લંકામાં પણ ચીન પોતાની કોઈ પ્રોક્સી રાજનીતિનો પ્રયોગ કરી શકે છે કે ચીને કરેલું લંકન રોકાણ હિન્દ મહાસાગરના પેટાળે પડી રહે છે. ચીની યોજનાઓ બહુ જ દૂરોગામી હોય છે અને એનો અપરાધી હાથ ભાગ્યે જ દેખાય એ રીતે ચીન પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરે છે. શ્રીલંકા માટે ચીનની દોસ્તી આત્મઘાતક છે, પરંતુ એ સંબંધ ભારત માટેય ઘાતક તો છે જ !
- અલ્પવિરામ