હવે હિમશિખરોના બરફ પીગળવા લાગ્યા
દેશના પચાસ કરોડ લોકોનો જળસ્રોત એવો નગાધિરાજ હિમાલય હવે દસ વરસથી વધુ ભારતને પરિપોષણ આપી શકે એમ નથી
દુનિયાના વિવિધ દેશોની રાજસત્તા હજુ કોઈક એવા ભીષણ કુદરતી સંકટની પ્રતીક્ષા કરી રહી છે કે જેનાથી તેઓના સ્વયંમાં આવી ગયેલી બધિરતા તૂટે અને કુદરતની ચેતવણી સમજે. કોઈ એક દેશની આપત્તિની વાત કરવાની રહેતી નથી, કારણ કે કુદરતી આપદા ક્યાંકને ક્યાંક તો ચાલુ જ હોય છે. હવે એનું પ્રમાણ વધી ગયું છે. દરેકે દરેક ઋતુમાં મૃત્યુઆંક હોય છે અને ઊંચો હોય છે.
કુદરતની કોઈ પણ નોટિસને વાંચવાના નેત્રો રાજકર્તાઓએ ગુમાવી દીધા છે. એટલે ઉત્તરોત્તર વધુ ભીષણ પ્રાકૃતિક હોનારતોનો સિલસિલો ચાલુ થયો છે. હજુ તો સમુદ્રની સપાટી વધવાના વરસોને થોડી વાર છે, પરંતુ એ જ્યારે શરૂ થશે ત્યારે અટકશે નહિ. પડે છે ત્યારે સઘળું પડે છે એનો વિશ્વ સમુદાયને અનુભવ થશે.
ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના કેટલાક દેશનેતાઓ તો એવા છે કે પર્યાવરણ શબ્દથી જ તેઓ ભડકી ઉઠે છે. તેમને પર્યાવરણીય કોઈ પણ બાબતની રીતસર એલર્જી છે. એ સિવાયના નેતાઓ ભલે ભડકતા નથી પરંતુ મીઠી મીઠી વાતો કરીનેય છેવટે તો પોતાના દેશને પર્યાવરણ સંબંધિત સુધારાઓથી અલિપ્ત રાખે છે. સહુનું તે કોઈનું નહિ, એના જેવી હાલત વહાલી વસુંધરાની છે!
પ્રકૃતિએ માનવજાતને 'જવાબ' આપવાની જે શરૂઆત કરી છે તેનો હવેનો અધ્યાય હિમશિખરો છે. આ વખતના ઉનાળાએ હિમાલયન દેશોની અનેક નદીઓને પીગળેલા બરફથી પુરપાટ વહેતી કરી દીધી છે. હિમાચ્છાદિત ગિરિશિખરોનો ક્રમ તબક્કાવાર પીગળવાનો અને ફરી એટલો જ બરફ ઓઢી લેવાનો હતો - એ ક્રમ તૂટી ગયો છે. જેટલો બરફ ઉનાળામાં પીગળે છે, એટલો નવો બરફ પછીના શિયાળામાં પર્વતો પર જમા થતો નથી. એટલે કે હિમશિખરો પરના બરફના થર ક્રમશઃ આછા થવા લાગ્યા છે.
આની જ પહેલી અસર એ છે કે હવામાનમાં ઉષ્ણ પવનોને શીતળ કરી આપતી પ્રક્રિયા ખંડિત થઈ જાય છે. દુનિયામાં એમેઝોન સહિતના કેટલાક વરસાદી જંગલો હજુ અસ્ત્તિત્વ ધરાવે છે, પરંતુ વૈજ્ઞાાનિકોના અનુમાન પ્રમાણે કેટલાક ટાપુઓ અને દેશો નવેસરથી વરસાદી જંગલો જેવા બારમાસી વરસાદ પામનારા બની જશે. સૂર્યના ઉષ્ણતામાને સમુદ્રની વિરાટ જળરાશિ સાથે જે નવી 'પ્રવૃત્તિ' હાથ ધરી છે તેના ભયાવહ પરિણામો માટે જગતે તૈયાર રહેવાનું છે.
ગરમી અને વરસાદ હવે સામસામા વધવાના છે અને એ તો જળના બાષ્પીભવનનો સિદ્ધાન્ત જ કહે છે. જે પ્રકૃતિને આધારે મનુષ્યે બહુ ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે એ જ કુદરત હવે એને નવી 'નીચાઈઓ' એટલે કે અધઃપાતના નૂતન દ્રષ્ટાન્તો સુધી પહોંચાડવા ઉત્સાહિત દેખાય છે. જે ઝનૂનથી આપણે ઝાડ કાપ્યા છે એટલા જ ઝનૂનથી કુદરત વિફરીને માનવજાત તરફ નવા સ્વરૂપે ધસમસતી આવી રહી છે.
કુદરતના અપાર સૌન્દર્ય, સંપત્તિ અને વૈભવને નષ્ટ કરવાની ભૂમિકા તૈયાર કરવામાં આપણે એક પણ મોકો જતો કર્યો નથી. કુદરતના અસંતુલનથી દુનિયાનો નકશો હવે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટનો વિષય બની ગયો છે જે પહેલા ભૂગોળનો વિષય હતો. રાષ્ટ્રવડાઓ પ્રદૂષણની ચર્ચામાં એવી રીતે ભાગ લે છે જાણે કે તેઓ સ્વયં કોઈ વિદ્વાન ન હોય. નર્યા દંભની મૂર્તિઓ આ વિષયમાં દરેક દેશમાં ટોચના આસને બિરાજે છે. ફિનલેન્ડ, આર્જેન્ટિના, ફ્રાન્સ જેવા કેટલાક જ દેશો છે કે જેમણે પ્રદૂષણ નિયંત્રણ માટે આકરા પગલા લેવાની શરૂઆત કરી છે, બાકીના દેશો તો માત્ર તરંગલીલામાં જ રમમાણ છે.
પર્વતીય વિસ્તારોના ગ્લેશિયરો અથવા હિમનદી પર ઘાતક સંકટ છે. દહેરાદૂન ખાતેની ઈન્સ્ટિટયૂટ ઓફ હિમાલયન જિયોલોજીના વૈજ્ઞાાનિકોએ જાહેર કરેલા નવા સંશોધનો પ્રમાણે યુરોપીય દેશોમાં સતત વધતા પ્રદૂષણનો પ્રભાવ હવે હિમાલયન દેશો સુધી પહોંચી ગયો છે. એનો અર્થ એ છે કે પ્રદૂષણ ઉત્સર્જિત અન્ય દેશો કરે છે અને એના પરિણામો અન્ય કેટલાક દેશોએ ભોગવવાના આવે છે.
જળવાયુમાં વધતા તાપમાનને કારણે પર્વતોના શિખરો પર જ્યાં જ્યાં બરફ છે તે હવે પ્રવાહિત થવા લાગ્યો છે. હિમાલયી હિમનદીઓથી ઢંકાયેલા હિન્દુકુશ પર્વતોના શિખરો સતત પીગળી રહ્યા છે. આ સમગ્ર પરિક્ષેત્રમાં વાતાવરણમાં કાર્બનની માત્રામાં જે રીતે વધતા ક્રમે વધારો થઈ રહ્યો છે તે જોતાં હિમાલયના ધવલ ગિરિશિખરો એક ઈતિહાસ બની જવાનો ભય છે.
દુનિયાના પર્યાવરણવિદોએ હવે એક રીતે પોતાના હોઠ સિવી લીધા છે. તેમણે એ વાત સ્વીકારી લીધી છે કે મહાવિનાશના ઘટનાક્રમો વિના વિધવિધ દેશોના વડાઓ એવા કાયદાઓ કદી નહિ ઘડે કે જેનાથી પ્રદૂષણ પર અંકુશ આવે. દર વરસે હવે તો આંતરરાષ્ટ્રીય કક્ષાના દસેક સંમેલનો એવા થાય છે જેમાં એ જ ચર્ચાઓ નવા રૂપરંગે થાય છે જે છેલ્લા બે દાયકાથી થતી આવી છે અને જેની પૂર્ણતઃ નિરર્થકતા સાબિત થઈ ગયેલી છે.
ભારતના કુલ ક્ષેત્રફળમાંથી અંદાજે ૧૬ ટકા ભૂભાગમાં ફેલાયેલા કુલ ૧૧ હિમાલયી રાજ્યોમાં હજુ સુધી તો ૪૫ ટકા વિસ્તારમાં જંગલો મોજૂદ છે. સરેરાશ ભારતનું ચિત્ર જુઓ તો દેશમાં કુલ વનપ્રદેશ માત્ર ૨૨ ટકા ભૂમિ પર છે જે સ્વસ્થ પર્યાવરણના સ્ટાન્ડર્ડ ગણાતા ૩૩ ટકાથી ઓછો છે. દેશની ૫૦ કરોડ જનસંખ્યા એવી છે કે જેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિમાલય પરથી વહી આવતા જળ પ્રાપ્ત થાય છે.
બહુ નવાઈ લાગે એવી વાત છે, પરંતુ હિમાલયન ગ્રામ વિસ્તારોમાં વન ચોકીદાર રાખવાની એક પ્રથા છેલ્લા દસ-બાર વરસથી ચાલે છે. આ વન ચોકીદારનું ભરણપોષણ ગ્રામજનો કરે છે. વન ચોકીદાર ગામતળની જમીનમાં આવેલી વનસંપદામાંથી કોઈને એક પાંદડુ પણ લેવા દેતા નથી. આજે ભારતના હિમાલયન તમામ રાજ્યોમાં સરેરાશ જે ૪૫ ટકા વનપ્રદેશ જળવાયો છે તે આ વનચોકીદારોને આભારી છે, જેમને દેશમાં કોઈ ઓળખતું નથી.
હિમાલયના ગિરિશિખરોને પીગળતા અટકાવવા, વનસંપદા વધારવા અને પર્યાવરણના અન્ય સકારાત્મક ઉપાયો માટે ઉત્તરાખંડ સરકારે કેન્દ્ર સરકાર પાસે રૂા. ૨૦૦૦ કરોડની માંગણી કરી છે. આજે પણ ઉત્તર ભારતમાં ધરતીકંપની લટકતી તલવાર છે. હિમાલયન રાજ્યોમાં કુદરતી આપત્તિ હવે એક સામાન્ય વાત છે. હિમાલયને કારણે ચીન, નેપાળ, ભૂતાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર - આ દેશો પર એટલું જ પર્યાવરણીય સંકટ છે જેટલું ભારત પર છે.
હિમાલયની પર્વતમાળાનો હજુ વિસ્તાર થતો જાય છે. ધીમે પગલે નવા પર્વતો પ્રગટતા જાય છે. સંશોધકો માને છે કે દુનિયાની અન્ય અનેક પર્વતશ્રેણીનો વિકાસ જ્યારે સ્થગિત થઈ ગયેલો છે ત્યારે હિમાલય એક જ એવી પર્વતમાળા છે જેના તમામ છેડાઓ હજુ વિકસતા રહ્યા છે. એક તરફ આ જેને પર્વતોદય કહેવાય એવી ભૌગોલિક ઘટના વચ્ચે અગાઉના વિકસિત શિખરોએ વિનાશ ભણી જવાના સંકેતો આપ્યા છે.
ભારત સરકારે હિમાલયન ક્ષેત્રના નવા ભૌગોલિક અને પ્રાકૃતિક સર્વેક્ષણોને અગ્રતા આપવી પડશે. વૈજ્ઞાાનિકોએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે હિમાલયન હિમનદીઓનું અસ્તિત્વ હવે એક દાયકાથી વધુ નથી. કારણ કે દર વરસે નવા બરફના સ્તરોમાં દસ ટકાનો ઘટાડો નોંધાતો આવે છે.
આ ક્રમ છેવટે એશિયાની વિરાટકાય 'વૉટર ટેન્ક' ગણાતા હિમાલયની વ્યાખ્યા જ બદલી નાંખશે. ઉપરાંત ભારતીય ઋતુચક્રના નિર્માતા તરીકે નગાધિરાજ હિમાલયની પ્રતિષ્ઠા છે અને એ જ ષડઋતુનો સર્જક છે, તે વિચલિત થતા મોસમમાં સંપૂર્ણ ફેરફાર થશે, જેના પ્રારંભિક ચિહ્નો હવે દેખાવા લાગ્યા છે.
ઉત્તરાખંડની સમસ્યા તો એવી છે કે એના ભીતરી ભૂસ્તરો વિઘટિત થયેલા છે. એટલે ઉત્તરાખંડ તો ટચલી આંગળીએ ગોવર્ધન જેવી સ્થિતિમાં છે. આમ તો એ દેવભૂમિ છે, એટલે વૈજ્ઞાાનિકો ખુદ એમ કહે છે કે આશ્ચર્ય છે કે આ ભૂપ્રદેશ ખરેખર જ દેવોએ જ ટકાવી રાખેલો છે કે શું? અનેક શિખરો અને અનેક બળવત્તર ઘૂઘવાટા કરતી નદીઓને કારણે જમીનનો ઘસારો પણ ઉત્તરાખંડને ગંભીર નુકસાન કરે છે. જો બરફીલા ગિરિશિખરોનો પીગળવાનો ક્રમ વૈજ્ઞાાનિકોની દહેશત પ્રમાણે ચાલુ રહેશે તો એમાં સૌથી વધુ નુકસાન ઉત્તરાખંડે ભોગવવાનું આવશે.
- અલ્પવિરામ