ભારત-અમેરિકાનાં સંબંધોનો નાજુક વળાંક
ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પહેલી ટર્મ પૂરી કરતા પહેલા દુનિયાના જે દેશોને પાઠ ભણાવવાના મનસૂબા રાખે છે તે યાદીમાં ધીરે રહીને તેમણે ભારતનું નામ પણ ઉમેરી દીધું છે
ભારત અને અમેરિકાના સંબંધો ફરી થીજી જવા લાગ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પહેલી ટર્મ પૂરી કરતા પહેલા દુનિયાના જે દેશોને પાઠ ભણાવવાના મનસૂબા રાખે છે તે યાદીમાં ધીરે રહીને તેઓ ભારતનું નામ પણ ઉમેરવા લાગ્યા છે. અમેરિકાની નીતિઓ, સ્વાર્થ અને દોઢ ડહાપણ હવે વિશ્વ સામે ખુલ્લા પડી ગયા છે. વિશ્વ સમુદાયની અમેરિકા પ્રત્યે સતત અને સખત વધતી નારાજગી એની પ્રજાને ઘેરા સંકટ તરફ ધકેલશે, પરંતુ એ સ્થિતિ આવતા હજુ એક દાયકો વીતી જશે. અમેરિકાના આજ સુધીના તમામ શાસકોની વિદ્વત્તા એ છે કે એમણે સાચા અગ્રતાક્રમો પ્રમાણે કામ કર્યું છે.
ફ્રાન્સ, જાપાન, જર્મની, સ્પેન અને બ્રિટન - આ દેશો એવા છે કે એની પાસે એક જમાનામાં અમેરિકાનો કોઈ કલાસ ન હતો. અરે આર્યભટ્ટે શૂન્યની શોધ કર્યા પછી ભારતીય ગણિતશાસ્ત્રે દુનિયામાં ધૂમ મચાવી હતી ત્યારે અમેરિકન પ્રજા જંગલોમાં નિર્વસ્ત્ર રખડતી હતી, આજે એ જ અમેરિકા દુનિયાના કોઈ પણ દેશને રાતોરાત નિર્વસ્ત્ર કરી દેવાની તાકાત ધરાવે છે, એનું એક જ પ્રમુખ કારણ છે કે, દુનિયાના બધા જ દેશોને જયારે વર્તમાનમાં છબછબિયા કરવાની ટેવ હતી ત્યારે અમેરિકા સંપૂર્ણ ભવિષ્ય આધારિત પ્રોજેકટ્સ પર કરોડો ડોલરનો ખર્ચ કરતું હતું. એડવાન્સ પ્લાનિંગનો પર્યાય એટલે જ અમેરિકા! એડવાન્સ એટલે ટુ મચ એડવાન્સ! અને આજે પણ એની ભવિષ્યગામી યોજનાઓ અકલ્પનીય બજેટ ખર્ચીને ધમધોકાર ચાલે છે જે એક અલગ પ્રલંબ પ્રકરણ છે!
પરંતુ હવે અમેરિકા સ્હેજ પાછળ રહેવા લાગ્યું છે. એની કોમર્સિયલ એલાર્મ સિસ્ટમ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પને જાણ થઈ છે કે વ્યાપારિક રીતે આપણું જહાજ હવે ડૂબી રહ્યું છે. એટલે વ્યાકુળ ચિત્તે એમણે પ્રથમ ચીન અને પછી આડેધડ જયાં ઠીક લાગે પ્રતિબંધોનો મારો ચલાવ્યો છે.
યુદ્ધ શરૂ કરતા પહેલાનું ચેકલિસ્ટ સો મુદ્દાનું હતું અને એ વીસમી સદી હતી. હવે એ ચેકલિસ્ટ એક હજાર મુદ્દાનું છે એટલે યુદ્ધનો નિર્ણય કોઈ પણ દેશ શત્રુદેશ સામે લઈ શકે એમ નથી. આતંકવાદ સામેની લડત, હુમલા, સ્ટ્રાઈક અલગ વાત છે અએને યુધ્ધ સાવ અલગ જ પરિભાષા છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક માસ પહેલા ઈરાન પર, અફઘાનિસ્તાન પર કર્યો' હતો તેવો જ હુમલો કરવા ધાર્યો હતો પરંતુ એમ થઈ શકયું ન હતું. હજુ પણ થઈ શકે એમ નથી, એ વાત અગાઉથી જ તેઓ ખુદ પણ જાણે છે.
છતાં ધાક બેસાડવાની તેમની પ્રવૃત્તિ આજે પણ ચાલુ છે. અમેરિકાના કાયદાઓ જ એવા ઘડવામાં આવેલા છે કે એ ખુદ તો જંપે નહિ ને કોઈને જંપવા દે નહિં. ઉદાહરણ તરીકે એનો એક કાયદો 'કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરિઝ થુ્ર સેન્કશન્સ એકટ' (અમેરિકાના વિરોધીઓ તરફ પ્રતિબંધાત્મક કાર્યવાહી કાનૂન) ની જોગવાઈઓ એવી છે કે અમેરિકાના શત્રુ અને હિતશત્રુઓ પાસેથી કતોઈ શસ્ત્રો ખરીદે એટલે પ્રતિબંધો લાગુ થઈ જાય.
ભારત સરકારે પોતાની સંરક્ષણ જરૂરિયાતોની પરિપૂર્તિ માટે ૫.૪ અબજ ડોલર (અંદાજે ૩૭,૩૯૮ કરોડ રૂપિયા)ના જંગી ખર્ચથી ઈ.સ. ૨૦૧૮માં રશિયા સાથે પાંચ એસ-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે કરાર કર્યા છે. એની ડિલિવરી ઈ.સ.૨૦૨૦થી શરૂ થવાની ગણતરી છે. આ ખરીદીના નિર્ણયથી અમેરિકાના પેટમાં ધગધગતું તેલ રેડાયું છે. રશિયા સાથે કોઈ પણ શસ્ત્ર ખરીદી કરાર કરે એટલે એ દેશ અમેરિકી પ્રતિબંધોને પાત્ર ઠરે છે.
આખી દુનિયાને ખિસ્સામાં લઈ ફરવાની ટ્રમ્પની આપખુદીને ભારતે માન્ય રાખી નથી. મિસ્ટર મોદીએ તેમની પહેલી ઈનિંગમાં જો કોઈ બહુ મહત્વનું કામ કર્યું હોય તો રશિયા સાથેના મિસાઈલ સિસ્ટમ ખરીદવાના આ કરાર છે. આ કરારે ભારત - રશિયાના લગભગ ખાડે જવા આવેલા સંબંધોને નવજીવન આપ્યું છે અને ભારત રશિયાના ઐતિહાસિક જુગજુના સંબંધોને પુનઃ સપ્રાણ કર્યા છે. એના લાંબાગાળાના કાયદાઓ ભારતને અનેક છે.
પ્રથમ ટર્મમાં મોદી સત્તા પર આવ્યા કે તુરત જ તેમણે અમેરિકા તરફી ઝુકાવની શરૂઆત કરી હતી . પરંતુ ઈ.સ. ૨૦૧૭ પછી મોદીએ ટ્રમ્પની હીન ચાલાકીઓ જાણી લેતા, પછીથી ઈ.સ. ૨૦૧૮ માં રશિયા સાથે મિસાઈલ સિસ્ટમ ખરીદવાના કરાર કરી લીધા હતાં. એ કરારે જ ભારત અને અમેરિકાના સંબંધો વચ્ચે એક સીમારેખા નક્કી કરી આપી હતી, જેના પરિણામો હવે દેખાવા લાગ્યા છે.
પાકિસ્તાન ભારત માટે જે જે સંકટ ઊભા કરે છે તે ડોનાલ્ડ ટ્રમ્પને 'અધૂરા' લાગે છે. તેઓ ભારત કદી પણ મજબૂત રાષ્ટ્ર ન બને એ માટેના પ્રયત્નોમાં આજકાલ વ્યસ્ત છે. અમેરીકાને પાકિસ્તાનની દગાખોરીનો આકરો ઘા લાગ્યો છે. આતંકવાદને પ્રોત્સાહન આપે એવી પાકનીતિ કયાંક શિથિલ થઈ જશે તો? તો ભારત માટે માથાનો બીજો દુઃખાવો કયાંથી લાવવો? એટલે ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનના તાલીબાનો સાથે વાટાઘાટો શરૂ કરી છે, જેના દ્વારા તેઓ અરધું અફઘાનિસ્તાન તાલીબાનોને આપી દેવા ચાહે છે.
એમ કરવાથી અફઘાન પ્રજા વચ્ચે રહેલા અમેરિકી દળોની સંપૂર્ણ વતન વાપસી શક્ય બનશે. અફઘાનિસ્તાનમાં ભારતનું અબજો રૂપિયાનું રોકાણ છે, એના પર પાણી ફેરવી દેવાનો ટ્રમ્પનો આ પ્લાન પ્રવર્તમાન અફઘાન સરકાર અને ભારત સરકારની ઈચ્છા વિરુધ્ધ ઘણો આગળ વધી ગયો છે.
આ એ જ અમેરિકા છે જેણે તાલીબાનોને સંપૂર્ણ નષ્ટ કરવાની પ્રતિજ્ઞાા જાહેર કરી હતી, અને હવે એ જ અમેરિકા તાલીબાનને યાવત્ચન્દ્રદિવાકર અફઘાનોના શાસક બનાવવા તૈયાર છે. એનાથી તાલીબાનો અને અમેરિકાનું વેર શમી જશે અને ભારતમિત્ર અફઘાન સરકારના પગ કપાઈ જશે. પછી એ તાલીબાનો અમેરિકાના ઈશારે ભારત માટે નવા નવા સંકટો ઊભા કરતા રહેશે. મિસ્ટર ટ્રમ્પની આ મિલન મુરાદ બર આવતા બહુ વાર લાગશે નહિં.
ઈરાન સાથેના ભારતના સંબંધો પર પણ અમેરિકાએ કાતર ફેરવી છે. ભારત દસ ટકા પેટ્રોલિયમ સસ્તા ભાવે ઈરાન પાસેથી લેતું હતું જે ગયા મે મહિનાથી બંધ થયું છે. બજેટમાં પેટ્રોલ - ડિઝલનો જે ભાવવધારો આવ્યો એનું મૂળ કારણ ઈરાની પેટ્રોલિયમની આયાત ભારતે બંધ કરવી પડી તે છે.
રશિયા સાથેના ભારતના શસ્ત્ર - સિસ્ટમ સંબંધિત કરાર, અફઘાનિસ્તાન વિષયક કૂટનીતિ અને ઈરાન જેવા વિધવિધ કારણોસર ભારત - અમેરિકા સંબંધો હવે નજીકના ભવિષ્યમાં તો સુધરે એમ નથી. ભારત સરકાર હજુ ચાલુ વરસે રશિયાને નવા લડાયક વિમાનોનો નવો અબજો રૂપિયાનો ઓર્ડર આપી શકે છે. ભારતે રશિયા સાથે ઉચ્ચસ્તરીય સૈન્ય સંબંધો સુધારવા એ કેન્દ્રનો આ વરસનો પ્રમુખ એજન્ડા છે.
જો કે અમેરિકા સાથે ભારતના સંબંધો વણસવાના છે એની આગાહી અગાઉના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે બહુ પહેલા કરી હતી, જયારે ભારત સરકારે હૃદયરોગ સંબંધિત સ્ટેન્ટની કિંમતો પર અંકુશ પ્રાપ્ત કરતા હુકમો કર્યા હતાં, જેનું ભારતમાં તો બહુ સ્વાગત થયું હતું. પરંતુ સ્ટેન્ટ ઉત્પાદક અમેરિકી કંપનીઓએ ભારતને ધમકી આપી હતી કે અમેરિકી કંપનીઓ ભારતમાંથી પોતાનું રોકાણ વિપુલ માત્રામાં ઘટાડશે. પરંતુ ભારત સરકાર ઝૂકી ન હતી.
ત્યારબાદ મોટર સાયકલ આયાત - નિકાસનો વિવાદ ચકડોળે ચડયો. આપણે અહીંથી અમેરિકા તરફ જે બાઈક નિકાસ કરીએ છીએ તેના પર અમેરિકા કોઈ ટેકસ લગાવતું નથી પરંતુ અમેરિકાથી જે બુલેટ સ્તરના મોટરબાઈક ભારત આયાત કરે છે તેના પર ભારત સરકારે સો ટકા આયાતી વેરો ફટકારેલો છે, જો કે ટ્રમ્પે મોદીને સીધો ફોન કર્યો પછી ભારતે પચાસ ટકા વેરો ઘટાડયો, તોય અને છેક ત્યારથી ટ્રમ્પ બોલતા રહ્યા છે કે આ નહિ ચાલે, નહિ ચાલે!
ટ્રમ્પ કથિત 'નહિ ચાલે' પ્રમાણે હવે ભારતને પણ અમેરિકા સાથેના સંબંધો સુધારવામાં કોઈ રસ નથી. માત્ર પોતાની વિરાટ ગ્રાહક - બજારને કારણે કોમર્સકિંગ ચીનને ભારતે ડોકલામમાં કૂટનીતિથી ઝુકાવ્યું હતું અને હજુ પણ ઝૂકાવી શકે છે. ડોકલામમાં રશિયાની ગુપ્ત મધ્યસ્થીની જગતને જાણ નથી. ભારત - અમેરિકા બન્ને ઊંચા દરજ્જાના દેશો છે, અમેરિકા પાસે શસ્ત્ર સંપન્નતા અને શ્રીમંતાઈ ભલે અધિક હોય, વિરાટ ભારતની ઉપેક્ષા અમેરિકાને તકલીફ તો આપે છે અને હજુ આપશે. કેન્દ્રમાં એનડીએના પુનરાગમનથી દુનિયામાં સૌથી વધુ દુઃખી થનારા ડોનાલ્ડ ટ્રમ્પ છે. ભારત - અમેરિકાનો સંઘર્ષ બહારથી દેખાય છે એનાથી વધુ ગહન છે અને એ ક્રમશઃ સપાટી પર આવશે.
- અલ્પવિરામ