વિક્રમના નવા વર્ષમાં મતદારની કસોટી
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના દાવપેચ ગોઠવાઈ ગયા છે અને એના પરિણામો જ લોકસભા ચૂંટણી ૨૦૧૯ને પ્રભાવિત કરશે
વિશ્વ બેન્કનું જ એ તારણ છે કે ભારતમાં ચૂંટણીઓના વરસોમાં અર્થતંત્રમાં કંઇક વસંતઋતુ દેખાય છે. દુનિયાના અર્થશાસ્ત્રીઓ હવે ભારતીય રાજકીય પક્ષોને નાણાંની પ્રવાહિતતા વધારનારા એક પરિબળ તરીકે જુએ છે.
જે દેશમાં કાન ફાડી નાંખે એવી આદર્શોની વાતો, ઉપદેશો અને ધાર્મિક દંભના નમૂના સાંભળવા-જોવા મળે છે એ જ દેશમાં ચૂંટણીમાં બે નંબરના નાણાંની એક ગુપ્તગંગા સતત વહેતી રહે છે જે ચોક્કસ સમયે સમયે પ્રગટ થતી રહે છે.
જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ હવે સાવ નજીક છે ત્યાં સત્તાવાર રીતે થોડા અને અન્ય રીતે અધિક એમ નાણાંની હેરાફેરી ચાલુ થઇ ગયેલી છે, જો કે હવે પૈસાથી મત ખરીદી શકાય છે એ માન્યતા પૂર્ણતઃ ખરી નથી, પૈસાનું વિતરણ રાજકીય નેતાઓ આગવી રીતે કરે છે, ગઇ ઇ.સ. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે નાણાંનું માઇક્રો ડિસ્ટ્રીબ્યુશન થયું હતું. એમ આ વખતે પણ થશે, પરંતુ ગયા વખતની તુલનામાં હવે મતો ખરીદી શકાતા નથી.
એનો અર્થ એ છે કે નાણાં લઇને ય લોકો મત તો ચાહે એને જ આપશે. આ ટ્રેન્ડ પણ દર વખતે જુદો હોય છે અને એના વિશે આગાહી થઇ શકે નહિ. ભારતીય મતદારો બહુ સમજદાર થઇ ગયા છે.
એક સમયે ભાજપને પાર્ટી વિથ ડિફરન્સ-એટલે કે એક અલગ જ પ્રકારનો રાજકીય પક્ષ કહેવામાં આવતી, પરંતુ હવે તો એવું છે નહિ. કોંગ્રેસને અનુસરવા જતા ભાજપની પોતાની આગવી ઓળખ વિલુપ્ત થઇ ગઇ છે. એક ભારતીય રાજકીય પક્ષ માત્ર છે ભાજપ, જેનું કામ ચૂંટણી લડવી અને સત્તા પ્રાપ્ત કરવી બસ એટલું જ છે. ભાજપે પોતાના સત્તા-પ્રભાવનો વિસ્તાર કરવા માટે તમામ સ્તરે સમાધાન કર્યા છે.
ઇન્દિરાજીએ કોંગ્રેસનું સુકાન હાથમાં લીધું પછી જે રીતે એનો વ્યાપ વધારવા એક પછી એક બાંધછોડ કરી એવી જ ભાજપની આ નીતિ છે. દસ વરસમાં ભારતીય રાજકારણના પ્રમુખ ચહેરાઓ બદલાઈ જવાના છે. હવે જે નવી પેઢીના રાજનેતાઓ છે તેઓ યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ પછીની જનરેશનના નેતાઓ હશે.
છતાં કોઈ એક પક્ષની આ વાત નથી પરંતુ તમામ રાજકીય પક્ષો ધનગંગા મુઠ્ઠીમાં લઇને ફરે છે અને ચૂંટણીઓ જીતવા માટે ધારે ત્યાં એને વહેતી કરે છે. પ્રજામાં પણ એક વર્ગ છે જેનું કામ જ સેટિંગ કરી આપવાનું છે. સેટિંગ શબ્દ ભારતીય લોકશાહીની અજબ ભેટ છે અને પટાવાળાથી ટોપ બાબુ સાહેબ સુધી સહુ આ પરિભાષાના પ્રદેશને સારી રીતે ઓળખે છે.
આ વખતે પ્રચાર પર રાજકીય પક્ષોનો મદાર ઓછો છે અને સોગઠાબાજી પર જ વિશ્વાસ વધારે છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેના પ્રચાર પેંતરા આ વખતે જોવા જેવા હશે, કારણ કે બન્ને પક્ષને એ વાતની સારી રીતે ખબર છે કે મતદારો હવે દરેક વાતને બહુ બારીક રીતે વિશ્લેષણ કરીને પછી સ્વીકારે છે.
ભારતીય રાજકારણની તાસીર સંપૂર્ણ બદલવા લાગી છે. નવા ઈષ્ટ તત્ત્વો છે તો કેટલાક નવા અનિષ્ટ તત્ત્વો પણ છે, જે રીતે રાજકાજ બદલે છે તે રીતે લોકશાહી પ્રણાલિકામાં પણ નીતિગત પરિવર્તનો દેખાય છે. દુનિયાના દરેક દેશમાં પ્રજાને મન થાય ત્યારે તે નવો પ્રયોગ કરે છે. ભારતીય પ્રજા પ્રચારવિદ્યાને વશ થઇ જનારી પ્રજા નથી. ભારતીય મતદારોને અને એની નિર્ણયશક્તિની યુરોપિયન મીડિયાએ હંમેશાં પ્રશંસા કરી છે.
ઇ.સ.૨૦૧૯ અને વિક્રમનું નવું વરસ ભારત માટે એક નવી આંતરિક મૂલ્યાંકન કસોટીનું વરસ છે. મુખ્ય રાજકીય પક્ષોના સત્તા પ્રાપ્તિ માટેના ભીષણ પ્રયાસો દેખાવા લાગશે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના દાવપેચ તો ગોઠવાઈ ગયા છે અને એ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ હોવા છતાં પણ એના પર જ ઘણો બધો આધાર છે, મુંબઇ શેરબજારમાં પણ અત્યારે તો પાંચ વિધાનસભા ચૂંટણીની જ ચર્ચા સાંભળવા મળે છે.
કારણ કે એના પરથી લોકસભાની ચૂંટણીનો અંદાજ બેસાડવામાં આવશે. શેરબજારમાં એવા રોકાણકારો છે જે અત્યારે કાંઠે ઉભા છે. બજારના બે-ચાર આંચકાથી તેઓ સ્તબ્ધ થઇ ગયા છે અને હવે નવું કોઈપણ સાહસ કરતા પહેલા તેઓ પાંચ રાજ્યોની વિધાનસભાના ચૂંટણીઓના પરિણામો જોઇ લેવા ચાહે છે.
શરદ પવારે જાહેર કર્યું છે કે અત્યારે જો કોઇ સાચું સર્વેક્ષણ કરાવવા ચાહે અને લોકોના અભિગમ તપાસે તો ખ્યાલ આવે કે મતદારો હવે મોદીને હટાવવા ચાહે છે. એની સામે ભાજપના ટોચના નેતાઓ એમ કહે છે કે રાહુલ ગાંધી ઈમ્મેચ્યોર હોવાથી મતદારો એમને પસંદ કરતા નથી. અત્યારે તો તમામ પ્રાદેશિક પક્ષના નેતાઓને રાષ્ટ્રીય ક્ષિતિજે પોતાનો અભ્યુદય થાય એવી મનીષા છે.
મમતા બેનરજીએ અને માયાવતીએ પોતાની બાજી ગોઠવી લીધી છે. નક્કી નથી કે ઈ.સ. ૨૦૧૯માં નિર્ણાયક પરિબળ બહુમતી હશે કે લઘુમતી ધરાવતા ટેકેદારો હશે ! શરદ પવાર બહુ શરૂઆતથી પ્રાદેશિક પક્ષોના ગણિત પર પોતાનો ખેલ ગોઠવીને બેઠા છે. તેઓ કિંગ મેકર થવાના ખ્યાલમાં છે.
નીતિશ કુમારે પચાસ ટકા બેઠકો ભાજપ પાસેથી લીધી છે, નીતિશ પણ પોતાને કિંગ મેકર જ ધારે છે. શરદ પવારે કહ્યું હતું તેમ જે હાલત અત્યારે સત્તામાં ટકી રહેવા માટે ગોવામાં છે તે જ દ્રશ્યો દિલ્હીમાં દેખાઇ શકે છે. દક્ષિણમાં કોંગ્રેસે તમામ જૂના સાથીદારોને ફરી સક્રિય કર્યા છે. ભાજપનું ઓપરેશન સાઉથ ફાસ્ટ ટ્રેક પર ચાલે છે અને એમાં પણ ઉદ્યોગપતિઓ સક્રિય છે. છતાં વાસ્તવિકતા એ છે કે ભાજપનું કે કોંગ્રેસનું ગણિત હજુ ગોઠવાયું નથી અને લોકસભા ચૂંટણી ક્રમશઃ નજીક આવતી જાય છે.
ભાજપ અને કોંગ્રેસ બન્નેનું ધ્યાન આ વખતે દેશની પછાત જાતિઓ તરફ છે. દેશની કુલ જનસંખ્યામાં ૪૪% મતદારો પછાત જાતિમાંથી આવે છે. દેશમાં વિવિધ કુલ ૨૪૮૦ જેટલી જાતિઓ છે જે કેન્દ્રની પછાત જાતિની યાદીમાં છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં રેલીનું આયોજન આ વખત બહુ એડવાન્સમાં શરૂ થયું છે.
તો પણ એક વાત નક્કી છે કે હવે ભારતીય મતદારને અગાઉ જેવી વિકાસની ભૂખ નથી. એને ખબર પડી ગઇ છે કે વિકાસની જ્યાં વાતો થાય ત્યાં દોડી જવા જેવું હોતું નથી, એટલે પછાત વિસ્તાર કે પછાત જાતિના મતદારો પણ જે રીતે રાજનેતાઓ માને છે કે તેમને ઝડપથી અંકે કરી લેવાશે એવું નથી.
ચિત્ર બદલાયેલું છે અને છેલ્લી ઘડી સુધી રહસ્યમય રહેવાનું છે. છતાં કોંગ્રેસ, ભાજપ અને અન્ય પ્રાદેશિક પક્ષો દ્વારા જેમની મહેનત હશે એ તો દેખાશે. વિધાનસભા ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ વચ્ચે તફાવત તો પારાવાર હોય છે અને છે તો પણ સમયના સિંગલ કોમન ટ્રેક પર હોવાને કારણે આ વખતે ઉત્તેજના વધુ રહેવાની છે.
- અલ્પવિરામ