Get The App

રામમંદિરના ઘંટારવથી રાફેલ ભૂલાઇ જશે ?

Updated: Dec 4th, 2018

GS TEAM

Google News
Google News
રામમંદિરના ઘંટારવથી રાફેલ ભૂલાઇ જશે ? 1 - image

સમગ્ર રાફેલ પ્રકરણમાં ક્વાટ્રોચી કક્ષાના વચેટિયાનું નામ હજુ સુધી ગોપિત રહી શક્યું છે, એ વચેટિયા પર પરદો પાડવા જ શાસકોએ ભારતીય કોર્પોરેટ જાયન્ટ કહેવાતો ચહેરો વચ્ચે રાખ્યો છે

દેશમાં બાજી રહેલા રામમંદિરની ઝાલરમાં રાફેલ વિમાનોની ગગન ગાજતી ભીષણ ગાજવીજ કંઇક શાંત થઇ છે.

ભારતીય પ્રજાના હૈયે રામ જેમાં સવાર થઇને લંકાથી અયોધ્યા સ્વ-રાજ્યે પરત આવ્યા તે પુષ્પક વિમાન હતું અને ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વાજ ઓલાન્દે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના એક કરારમાં ઉત્પાદક વેપારી અને ભારતીય રાજનેતા વચ્ચેની બે નંબરી 'સમજણ'નો જે સંકેત આપ્યો તે રાફેલ વિમાન છે.

આજકાલ રામમંદિરના વિવાદમાં રાફેલનું વિસ્મરણ થવા દેવાની જે એનડીએ સરકારે નવી ઝુંબેશ આગળ ધપાવી છે તે યોજનાબધ્ધ રીતે ભારતીય જનમાનસ પર છવાઇ જવા લાગી છે.

આમ તો અંત વેળાએ સહુને રામ સાંભરે છે, પરંતુ ભાજપને પોતાના શાસનના સુખાન્ત સમયે અને નવી ટર્મના આરંભના સચિંત પ્રચારાત્મક ઉપક્રમો વચ્ચે રામને સેતુરૂપ ભૂમિકા માટે યાદ કરવા પડયા છે. હરિનામ લેવું પડે ત્યારે ફરજિયાતપણે લો અને સુખના સમયે સહજ રીતે લો એ બન્નેની ફલશ્રુતિમાં આસમાન-જમીનનો તફાવત છે.

રામનું નામ તો પ્રશાંત વિચારોને માટે પ્રોત્સાહક આભારૂપ છે. ગુજરાતના અને દેશના પણ અન્ય રાજ્યોમાં રામ અને રામ બોલો જાણીતા જન ઉચ્ચારણો છે.

રામ નામ જ એવું છે કે એની છાયામાં સર્વ સંતાપ શમી જાય પરંતુ આપણા રાજપુરુષો વર્ષોથી રામના નામે સંતાપ ઉદઘાટિત કરતા આવ્યા છે. રામ નામનો સંપૂર્ણ વિપરીત વિનિયોગ તેમણે કર્યો છે અને એમ કરવામાં સર્વ ધર્મના નેતાઓએ વ્યાખ્યાનો આપેલા જ છે. અનેક રીતે રામના નામે આપણા દેશમાં પથરા તરી ગયા છે.

 ધર્મ આધારિત રાજકીય વિચારધારાઓ માત્ર બાહરી શો-કેસમાં મૂકીને ભીતર તો માત્ર સત્તાપ્રાપ્તિનો દાવાનળ ધરાવતા નેતાઓ ભાજપ અને કોંગ્રેસ સહિતના જેમ રાષ્ટ્રીય પક્ષોમાં વિદ્યમાન છે તેમ દેશના અનેક રાજ્યોના પ્રાદેશિક પક્ષોમાં પણ છે.

 નરસૈંયાના નામે ચડેલી કૃતિમાં કવિ કહે છે કે રામ નામ શું તાળી રે લાગી, સકલ તીરથ તેના તનમાં રે, એવી તાળી તો કોઇને લાગતી નથી, એટલે સકલ તીરથ તો ઠીક, ધર્મતત્ત્વની રજકણ પણ તેઓ પામ્યા નથી. પ્રજાને પોતાના તરફ મુગ્ધ કરવાના કીમિયા તરીકે રામ નામનો જે ઉપયોગ દર પાંચ વરસે આપણા દેશમાં થાય છે તે કૌતુક એટલે કે હરિનામ તો નિત્યનો વિષય છે.

પરંતુ રામમંદિરનું નિર્માણ કરવાની નવી વચનાવલિથી રાફેલ ખરીદવાના કૌભાંડનો અવાજ શાંત થવાનો નથી. જે વિવાદો છે તે રાફેલની કિંમતનો વિવાદ છે અને કેન્દ્રની એનડીએ સરકાર એક જ વિધાન પર હજુ સુધી અડગ છે કે રાફેલની કિંમત ઊંચી આપી હોવાના કારણોનો જો ઘટસ્ફોટ કરવામાં આવશે તો દરેક વિમાનમાં રહેલી શસ્ત્ર સંપન્નતાની શત્રુદેશોને ખબર પડી જશે.

આ એક એવો મુદ્દો છે જે દેખાય છે તો સામાન્ય પરંતુ ત્યાં સર્વોચ્ચ અદાલત પણ મુંઝવણમાં મૂકાઇ ગઇ છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતા ધરાવતી પીઠે એમ સ્પષ્ટ કહેવું પડયું છે કે રાફેલની કિંમતની ચર્ચા ત્યારે થશે ત્યારે અમે ફેંસલો કરીશું. એ ફેંસલો હજુ થયો નથી.

ફ્રાન્સની કંપની દસૉલ્ટ એવિએશન સાથે લડાયક જેટ વિમાન રાફેલ ખરીદવા માટે ભારત સરકારે કરેલા કરારની ગહન તપાસ કરવા માટેની વિવિધ ચાર અરજીઓ પરનો આખરી ચૂકાદો સર્વોચ્ચ અદાલતે અનામત રાખેલો છે. એનડીએ સરકારે ભારતીય સંસદને પણ રાફેલ કરાર અંગે પૂરતી વિગતો આપી નથી. સરકારના એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે સર્વોચ્ચ સામે આ વાત કબૂલ કરેલી છે.

રાફેલ અંગે કોંગ્રેસે વારંવાર જે કહ્યું એનો સાર એટલો જ છે કે ખુદ કોંગ્રેસ સરકારે ઈ.સ. ૨૦૧૨માં રાફેલની ખરીદ કિંમત એક વિમાનદીઠ રૂા. ૫૨૬ કરોડ નક્કી કરાવી હતી. જ્યારે કે ફ્રાન્સની એવીએશન કંપનીના ઈ.સ. ૨૦૧૬ના વાર્ષિક રિપોર્ટના આંકડાઓ પ્રમાણે એનડીએ સરકાર પ્રતિ વિમાન રૂા. ૧૬૭૧ કરોડના વિકરાળ ભાવે ખરીદી રહી છે.

કોંગ્રેસનો પ્રશ્ન છે કે ૩૦૦ ટકા વધારાની કિંમત ચૂકવવાનું કારણ, એનો હેતુ અને એનું રહસ્ય શું છે ? એનો જવાબ ભાજપના નેતૃત્વની કેન્દ્ર સરકાર હજુ સુધી આપી શકી નથી અને સરકારે જે તર્ક લડાવ્યા છે તે સર્વોચ્ચને કે, કોંગ્રેસને ગળે ઉતરે તેવા નથી. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર પાસેથી બંધ કવરમાં જે વિગતો અને આંકડાઓ મેળવવાની ઝંખના રાખી છે તે જ દર્શાવે છે કે સુપ્રિમ પણ સમગ્ર પ્રકરણને સાશંક નજરે જુએ છે.

ગત સપ્ટેમ્બરના પ્રારંભે ત્રણ રાફેલ લડાયક વિમાનો ગ્વાલિયરના એરબેઝ પર ઉતર્યા અને ત્રણ દિવસ રોકાઇને ફ્રાન્સના હવાઇ સેનાના વરિષ્ઠ પાયલોટ અધિકારીઓએ ભારતીય વાયુદળના ઉચ્ચાધિકારીઓને રાફેલની પ્રારંભિક તાલીમ પણ આપી. એના ક્યાંય પહેલા ભારતીય વાયુદળની એક ટુકડી તાલીમ લેવા  માટે ફ્રાન્સ મોકલવામાં આવેલી છે.

ઈ.સ. ૨૦૧૯માં ૩૬ રાફેલ વિમાનો ભારતને મળી જાય એવી કેન્દ્ર સરકાર અપેક્ષા રાખે છે. એ વિમાનોની બે સ્કવોડ્રન બનાવીને એકને પાકિસ્તાનની સરહદ નજીક અને બીજી સ્કવોડ્રનને ચીનને સ્પર્શતી સરહદ નજીક તૈનાત કરવામાં આવશે.

દેશના ડેપ્યુટી એરચિફ માર્શલ રઘુનાથ નામ્બિયારે ફ્રાન્સ જઈને સૌથી પહેલા રાફેલ ઉડાડયું હતું અને સારા અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. આમ પણ રાફેલની ક્ષમતા લાજવાબ છે, પરંતુ એની ખરીદીનો કરાર કરવામાં કોણે લાજવાબ બુદ્ધિ કામે લગાડી છે તે હવે પ્રજા માટે જિજ્ઞાાસાનો વિષય છે. ૩૬ રાફેલ વિમાનોની કુલ કિંમત ૬૦,૦૦૦ કરોડ રૂપિયા જેવી થવા જાય છે.

રાફેલ કરારનો રાષ્ટ્રવ્યાપી વિવાદ છતાંય કેન્દ્રની એનડીએ સરકારે આ ખરીદીમાંથી પીછેહઠ કરી નથી અને સર્વોચ્ચ અદાલત સમક્ષ હકીકતો એના યથાતથ સ્વરૂપમાં રજૂ પણ કરી નથી.

પાંચ રાજ્યોની ચૂંટણી સભાઓમાં પણ વડાપ્રધાને પોતાની સામેના જે જે આરોપોનો જવાબ આપવાનું મુલતવી રાખ્યું તેમાં રાફેલ પ્રકરણ પણ સમાવિષ્ટ છે. સમગ્ર પ્રકરણમાં ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ભૂમિકા પણ રહસ્યમય છે. ઉપરાંત સર્વોચ્ચ અદાલતમાં સરકારના એટર્ની જનરલ એમ પણ કહી ચૂક્યા છે કે રાફેલ કરારના સંદર્ભમાં ફ્રાન્સ સરકારે ભારતને કોઈ પ્રકારની ગેરેન્ટી આપી નથી.

સમગ્ર પ્રકરણમાં વિવિધ દેશો વચ્ચેના કે કોઈ દેશ અને વિદેશી શસ્ત્રોત્પાદક કંપનીઓ વચ્ચેના ક્વાટ્રોચી કક્ષના વચેટિયાનું નામ હજુ સુધી ગોપિત રહી શક્યું છે. એ ગોપિત રહે એટલા માટે જ એનડીએ સરકારે પોતાના તરફથી અનિલ અંબાણીને પ્યાદાની જેમ ફ્રાન્સ મોકલ્યા હતા.

જોકે સંરક્ષણ પ્રધાન સીતારામન અનેકવાર કહી ચૂક્યા છે કે કોઈ કોર્પોરેટ બિઝનેસ મેનનું નામ અમે રાફેલ કરારમાં વચ્ચે રાખ્યું નથી અને એમ કરવાની મારી પાસે તો સત્તા પણ નથી જ્યારે કે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ અલાન્દેએ કહી જ દીધું છે કે કોર્પોરેટ બિઝનેસમેનનું નામ ભારતીય રાજનેતાઓએ રાફેલ કરારમાં વચ્ચે રાખેલું છે.

ઈ.સ. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે પોતાના 'ચોપડા ચોખ્ખા' કરવા માટે રાફેલના હિસાબ-કિતાબ સ્પષ્ટ કરવા પડશે. ભારતે ખરીદેલા રાફેલ ભારતીય આકાશમાં પ્રવેશે એ પહેલા જ એનો ધૂમાડો છવાયેલો છે.

કાળા નાણાંનો કહેવા ખાતરનો વિરોધ કરનારી એનડીએ સરકાર સામે રાફેલ કરારમાં પરદા પાછળથી બે નંબરના કાળા નાણાં ઊભા કરવાનો જે આરોપ છે એ તો ઊભો ને ઊભો જ રહ્યો છે, ભાજપ એનું સમાધાન કે સ્પષ્ટતા કરી શકવાની સ્થિતિમાં નથી અને એટલે જ ભાજપનો પગ શંકાના બૃહદ્ વર્તુળમાં પડી ગયો છે.

- અલ્પવિરામ

Tags :