અમદાવાદ: સરદાર બ્રિજ પરથી દોરડા વડે સાબરમતી નદીમાં કૂદ્યો યુવક, સફાઈ કરનારા સ્કીમર મશીનના સ્ટાફે જીવ બચાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદમાં સાબરમતી નદીમાં સતત બીજા દિવસે આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. શહેરના સરદારબ્રિજ પરથી આજે(5 ઓક્ટોબર) બપોરે આશરે એક વાગ્યે એક અજાણ્યા યુવકે દોરડાના સહારે લટકીને નદીમાં છલાંગ લગાવી દીધી હતી. જો કે, તે જ સમયે નદીમાં કચરો સાફ કરી રહેલા સ્કીમર મશીનની ટીમે સતર્કતા દાખવી યુવકને તાત્કાલિક બહાર કાઢી લેતાં તેનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાં રિવરફ્રન્ટ પોલીસ સ્થળે પહોંચી હતી અને યુવકનું કાઉન્સિલિંગ કરી તેને હેમખેમ પરિવારજનોને સોંપી જાણવાજોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના સરદારબ્રિજ પરથી દોરડાના સહારે લટકી યુવકે સાબરમતીમાં ઝંપલાવ્યું
સરદારબ્રિજ પર બપોરે એક વાગ્યાની આસપાસ એક યુવક બ્રિજની સુરક્ષા જાળી કૂદી ગયો હતો અને દોરડાના સહારે નીચે લટકવા લાગ્યો હતો. ભરચક ટ્રાફિક વચ્ચે આ દ્રશ્ય જોઈને બ્રિજ પર વાહનચાલકો અને રાહદારીઓના ટોળાં એકઠાં થઈ ગયા હતા. લોકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી, જેના આધારે રિવરફ્રન્ટ પોલીસ અને ફાયરબ્રિગેડની રિવર રેસ્ક્યૂ ટીમને સ્થળ પર દોડાવવામાં આવી હતી. પોલીસ અને ફાયર વિભાગની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ યુવકે દોરડું છોડી નદીમાં છલાંગ લગાવી દીધી હતી.
સદનસીબે તે જ સમયે નદીમાં જળકુંભી અને કચરાની સફાઈ કરતું સ્કીમર મશીન નજીકમાં કાર્યરત હતું. મશીન પર હાજર સ્ટાફે સમયસૂચકતા વાપરી તુરંત જ મશીનની મદદથી યુવકનું રેસ્ક્યૂ કરી તેને સુરક્ષિત રીતે નદી બહાર કાઢ્યો હતો. સ્કીમર મશીન દ્વારા યુવકને બહાર કાઢી રિવરફ્રન્ટ વોક-વે પર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રિવરફ્રન્ટ પોલીસે તેનો કબજો મેળવી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં યુવકની માનસિક સ્થિતિ સમજી તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને તેના પરિવારજનોનો સંપર્ક સાધી તેમને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે રિવરફ્રન્ટ પોલીસે કાયદેસરની જાણવાજોગ એન્ટ્રી કરીને આગળની પૂછપરછ હાથ ધરી છે.




