Ahmedabad

‘હનીમૂનનો ખર્ચ તારા પિતાએ જ આપવો પડે', ઘાટલોડિયામાં 32 વર્ષીય પરિણીતા પર સાસરિયાનો ત્રાસ, નોંધાઈ ફરિયાદ

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઘાટલોડિયામાં રહેતી 32 વર્ષીય પરિણીતાએ દહેજ, વિદેશ પ્રવાસ ખર્ચ અને સંતાન પ્રાપ્તિ માટે IVF ટ્રીટમેન્ટ ન કરાવવા બાબતે પતિ, સાસુ-સસરા વિરુદ્ધ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ માલદીવ્સ, દુબઈ, હોંગકોંગ જેવા પ્રવાસોનો ખર્ચ પિતા પાસેથી કરાવાયો હતો. Apple ફોન અને AC જેવી વસ્તુઓની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ અપાતા પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાઈ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘હનીમૂનનો ખર્ચ તારા પિતાએ જ આપવો પડે', ઘાટલોડિયામાં 32 વર્ષીય પરિણીતા પર સાસરિયાનો ત્રાસ, નોંધાઈ ફરિયાદ
AI તસવીર

Ahmedabad Dowry Harassment Case: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી અને આઈટી કંપનીમાં નોકરી કરતી 32 વર્ષીય પરિણીતાને લગ્ન બાદ વિદેશ પ્રવાસના ખર્ચા કરાવવા તેમજ દહેજ પેટે એપલ મોબાઈલ સહિતની વસ્તુઓની સતત માંગણી કરી ઘરમાંથી કાઢી મૂકાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સંતાન પ્રાપ્તિ માટે આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવવાનો ઇનકાર કરી, માનસિક-શારીરિક ત્રાસ આપી છૂટાછેડા લેવા દબાણ કરાતાં પરિણીતાએ વસ્ત્રાપુરમાં રહેતા પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

‘હનીમૂનનો ખર્ચ તારા પિતાએ જ આપવો પડે’

ઘાટલોડિયામાં રહેતી અને એમબીએ થયેલી 32 વર્ષીય યુવતીના લગ્ન નવેમ્બર 2021માં સામાજિક રીતરિવાજ મુજબ વસ્ત્રાપુર ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ જાન્યુઆરી 2022માં માલદીવ્સ હનીમૂન માટે ગયા ત્યારે પતિએ ‘હનીમૂનનો ખર્ચ તારા પિતાએ જ આપવો પડે’ તેમ કહેતાં યુવતીના પિતાએ તમામ ખર્ચ ભોગવ્યો હતો. ત્યારબાદ નવેમ્બર 2022માં પ્રથમ મેરેજ એનિવર્સરી પર દુબઈ તથા વર્ષ 2023માં હોંગકોંગ અને ગોવા પ્રવાસ દરમિયાન પણ પતિએ હોટલ બુકિંગ સહિતનો અડધો ખર્ચ પરિણીતા પાસેથી જ કરાવ્યો હતો. પરિણીતા નોકરી કરતી હોવાથી ઘરકામ અને સાસુ-સસરાની સેવા કરવા છતાં તેનું આર્થિક શોષણ કરી પગારના નાણાં આપી દેવા દબાણ કરવામાં આવતું હતું.

શારીરિક-માનસિક અંતર રાખી વાતચીત બંધ કરી

લગ્નજીવન દરમિયાન સંતાનપ્રાપ્તિ માટે આઈયુઆઈ ટ્રીટમેન્ટ નિષ્ફળ જતાં પરિણીતાના તમામ મેડિકલ રિપોર્ટ સામાન્ય હોવા છતાં પતિએ આગળ આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. વર્ષ 2025ની શરૂઆતથી પતિએ શારીરિક-માનસિક અંતર રાખી વાતચીત બંધ કરી દીધી હતી. ઓક્ટોબર 2025માં પતિએ 'તને પત્ની તરીકે રાખવી નથી' તેમ કહી છૂટાછેડા આપી ઘર છોડી જવાનું કહીને મારઝૂડ કરી હતી. આ દરમિયાન સાસુએ પણ પુત્રનો પક્ષ લઈ ત્રાસ આપ્યો હતો.

પિતા પાસેથી AC અને એપલ ફોન અપાવ્યા બાદ પણ સાસરિયાંનો ત્રાસ ચાલુ રહ્યો હતો. ડિસેમ્બરમાં પરિણીતાનું બ્લડ પ્રેશર ઘટી જતાં પિતા તેને સારવાર માટે ઘરે લઈ ગયા હતા. બાદમાં સમાધાન માટે પહોંચેલા પિતા-પુત્રીને ગાળો આપી કાઢી મૂકાયા હતા. આખરે કંટાળીને પરિણીતાએ આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.