Ahmedabad

VIDEO: આંખોમાં અંધકાર, પણ દિલમાં સેવાનો પ્રકાશ! અમદાવાદના 3 દિવ્યાંગ મિત્રોએ 900થી વધુ લોકોની બદલી નાખી જિંદગી

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 3 દિવ્યાંગ મિત્રો, સંકેત, અરસેઆલમ અને અંકુર, નિરાશા છોડી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. પોકેટ મની બચાવીને 2023માં શરૂ કરેલા આ સેવાકાર્યમાં, તેમણે અત્યાર સુધી 900થી વધુ ગરીબ બાળકો અને દિવ્યાંગોને ભણતર કીટ, રમત-ગમતના સાધનો, કપડાં અને ભોજન પૂરું પાડ્યું છે. 'સહારા ગ્રૂપ' દ્વારા તેઓ સિક્યોરિટી ગાર્ડ્સ અને રાઇટર્સનું પણ સન્માન કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: આંખોમાં અંધકાર, પણ દિલમાં સેવાનો પ્રકાશ! અમદાવાદના 3 દિવ્યાંગ મિત્રોએ 900થી વધુ લોકોની બદલી નાખી જિંદગી

Ahmedabad Three Disabled Friends Social Work: "દિવ્યાંગતા કોઇ અભિશાપ નહીં વરદાન હૈ, ઉપવન મેં સુમન કી તરહ હમારી ભી કોઇ પહેચાન હૈ…" — આ શબ્દો છે અમદાવાદના બાપુનગર, રખિયાલ અને ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા ત્રણ મધ્યમવર્ગીય દિવ્યાંગ મિત્રોના. કુદરતે જેમને આંખોની રોશની નથી આપી, તેવા આ યુવાનો આજે સમાજના ગરીબો, શ્રમિકો અને જરૂરિયાતમંદોની અંધકારમય જિંદગીમાં આશાનો દીપક પ્રગટાવી રહ્યા છે.

કોલેજના આંગણે જામી હિન્દુ-મુસ્લિમ મિત્રતા:

રખિયાલમાં રહેતા 22 વર્ષીય સંકેત કાપડિયા અને અરસેઆલમ શેખ માસ્ટર ઑફ આર્ટ્સ(MA)નો અભ્યાસ કરે છે, જ્યારે ઘાટલોડિયામાં રહેતો 21 વર્ષીય અંકુર શર્મા બેચલર ઑફ આર્ટ્સ(BA)માં અભ્યાસ કરે છે. અંકુર અડધા અંગે પેરાલિસિસથી પીડિત છે, જ્યારે સંકેત અને અરસેઆલમ પ્રજ્ઞાચક્ષુ છે. કૉલેજ દરમિયાન શરૂ થયેલી આ હિન્દુ-મુસ્લિમ મિત્રતા આજે સમાજ સેવા માટે ઉદાહરણરૂપ બની ગઈ છે.



પોકેટ મની બચાવીને સેવા યજ્ઞનો પ્રારંભ:

સંકેત કાપડિયા જણાવે છે કે, "કુદરતે આપણને શારીરિક રીતે દિવ્યાંગ બનાવ્યા છે, પણ સાથે ઘણી શક્તિઓ પણ આપી છે. અમે નક્કી કર્યું કે ઘરેથી મળતી પોકેટ મની બચાવીને જરૂરિયાતમંદોની મદદ કરવી."

ત્રણેય મિત્રોએ વર્ષ 2023માં થલતેજના સ્લમ વિસ્તારના 25 ગરીબ બાળકોને નોટબુક, ચોપડા, પેન, કંપાસ બોક્સ અને શેતરંજી આપીને આ કાર્યનો પ્રારંભ કર્યો હતો. આ નાના પ્રયાસથી મળેલા પ્રોત્સાહને તેમને કોઈપણ નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર 'સર્વધર્મ સમભાવ'ની ભાવનાથી કામ કરવાની પ્રેરણા આપી.

3 વર્ષમાં 900થી વધુ લોકોને પહોંચાડી મદદ:

સમય જતાં તેમના કામની સરાહના થતાં અન્ય મિત્રો પણ આર્થિક મદદમાં જોડાયા. છેલ્લા 3 વર્ષમાં આ ત્રિપુટીએ 900થી વધુ ગરીબ બાળકો અને દિવ્યાંગોને ભણતરની કીટ તથા રમત-ગમતના સાધનો પૂરા પાડ્યા છે. આ ઉપરાંત, દિવાળીમાં ગરીબ બાળકોને નવા કપડાં, ફટાકડા અને મીઠાઈનું વિતરણ તેમજ વૃદ્ધાશ્રમોમાં દૈનિક જરૂરિયાતની વસ્તુઓ અને ભોજન પૂરું પાડ્યું છે.

'સહારા ગ્રૂપ' દ્વારા સિક્યોરિટી ગાર્ડ્સ અને રાયટર્સનું સન્માન:

શિયાળામાં ફૂટપાથ પર ઊંઘતા લોકો માટે ધાબળા વિતરણ અને ઉનાળામાં અબોલ પક્ષીઓ માટે 200થી વધુ કૂંડા તથા દાણાની વ્યવસ્થા પણ આ મિત્રો કરે છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર 'સહારા ગ્રૂપ' બનાવ્યું છે. આ માધ્યમથી તેમણે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં રાઇટર તરીકે મદદ કરનારા 100થી વધુ વોલન્ટિયર્સ અને ગ્રાઉન્ડ લેવલે સેવા આપતા સિક્યોરિટી ગાર્ડ્સનું પ્રોત્સાહક ટ્રોફી આપીને સન્માન કર્યું હતું.

અંતમાં આ દિવ્યાંગ મિત્રો એક જ વાત કહે છે: "દેખ્યાનો દેશ ભલે છીનવી લીધો ઓ નાથ, પણ કલરવની દુનિયા છે અમારી… વાટે રખ્યાની મોજ ભલે છીનવી લીધી, પણ પગરવની દુનિયા છે અમારી."