VIDEO| અમદાવાદ: દશેરાએ થલતેજમાં 51 ફૂટ ઊંચા 'લાખેણા' રાવણનું થશે દહન, ધર્મનો ભેદભાવ ભૂલીને 5 પેઢીથી મુસ્લિમ પરિવાર બનાવે છે પૂતળા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Thaltej Ravana Dahan, Dussehra Ahmedabad: અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા AES ગ્રાઉન્ડ ખાતે દશેરાના દિવસે એટલે કે 20 ઓક્ટોબરના રોજ સાંજે 5:30 વાગ્યે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 50થી 51 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવશે. જ્યારે મેઘનાથ અને કુંભકર્ણના 35 ફૂટ ઊંચા પૂતળાનું પણ દહન કરાશે. રાવણ દહનની સાથે આતશબાજી અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી શક્યતા છે.
કોમી એકતાની અદભુત મિશાલ: 5 પેઢીથી રાવણ બનાવે છે મુસ્લિમ પરિવાર
આ ભવ્ય આયોજન પાછળ એક એવો ભાવનાત્મક અને પ્રેરણાદાયી ઇતિહાસ જોડાયેલો છે, જે ધર્મ અને જ્ઞાતિના તમામ ભેદભાવોને મિટાવી દે છે. અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલા રાણીના હજીરામાં રહેતો એક મુસ્લિમ પરિવાર છેલ્લા 5 પેઢીથી (અંદાજે 200 વર્ષથી) રાવણના પૂતળા બનાવવાનું કામ કરી રહ્યો છે.
10 થી વધુ સભ્યોની ટીમ, 2 મહિના અગાઉથી તૈયારીઓ
આ પરિવારના મુખ્ય કારીગર મોહમ્મદ ઇશાક બહુભાઈ જણાવે છે કે, "અમે 10 થી વધુ સભ્યોની ટીમ સાથે મળીને દશેરાના 2 મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. વાંસની પટ્ટીઓ, કાગળ, રંગીન કાગળ, કલર, સૂતળી અને કાથી જેવી સામગ્રીનો ઉપયોગ કરીને માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ગાંધીનગર, નડિયાદ, પેટલાદ, સાબરમતી અને ટીવી ટાવર ગ્રાઉન્ડ સહિતની 10 થી 15 જગ્યાઓ માટે પૂતળા તૈયાર કરીએ છીએ." એક પૂતળું તૈયાર કરવા પાછળ અંદાજે રૂ. 1 લાખથી વધુનો ખર્ચ થાય છે
500 સૂતળી બોમ્બ સાથે અન્ય ફટાકડા લગાડ્યા
આ વખતે થલતેજ ખાતે ત્રણ પૂતળાનું દહન કરવામાં આવશે. જેમાં 500 સૂતળી બોમ્બ લગાવવામાં આવ્યા છે. આ સાથે અન્ય ફટાકડા પણ લગાવવામાં આવ્યા છે. આ પૂતળા તૈયાર કરનારા મોહમ્મદ ઇશાક બહુભાઈએ જણાવ્યું કે, 'અમે અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલા રાણીના હજીરામાંથી આવીએ છીએ. જ્યાં અમારી 5મી પેઢીથી રાવણના પૂતળા બનાવવાનું કામ ચાલતું આવ્યું છે. અમે 10 લોકોની ટીમ બનાવીને નીકળીએ છીએ અને 20 થી 25 દિવસમાં વાંસની પટ્ટીઓ, લય, કાગળ, રંગીન કાગળ, કલર, સુતળી તથા કાથી વગેરે સામગ્રીનો ઉપયોગ કરીને નડિયાદ, પેટલાદ, ગાંધીનગર, સાબરમતી અને ટીવી ટાવર ગ્રાઉન્ડ માટે 8 રાવણ તૈયાર કરીએ છીએ.'
રિમોટથી રાવણનું કંટ્રોલ!
તેમણે વધુમાં કહ્યું કે, 'પંજાબી સમાજ અને ભાજપના કાર્યકર્તાઓ સહિત સહુ કોઈ સાથે અમારો છેલ્લા 200 વર્ષથી પેઢી દર પેઢીનો સંબંધ રહ્યો છે અને આ પરંપરા થકી જ અમારો રોજી-રોજગાર ચાલે છે. આ વખતે અમે રાવણમાં 2 થી 3 નવી વેરાયટીઓ ઉમેરીને રિમોટથી રાવણ બનાવ્યો છે, જેનું ફંક્શન રિમોટ ઉપર થશે અને તેની અંદર માઇન્સ, કોમેટ્સ, કોલ્ડ પાયરો ફાયરવર્ક્સ તથા સુતળી બોમ્બ જેવી આતશબાજી પણ ગોઠવવામાં આવી છે.'




