Ahmedabad

અમદાવાદ: ટેકનોલોજી પાંગળી સાબિત થઈ! ગટરમાં પડેલી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકીની 70 કલાકથી ભાળ નહીં, અડચણ 'આંખોદેખી'

By GS Team
13 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના પીરાણા પાસે ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં 10 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ બાળકી પ્રજ્ઞા શનિવારે પડી હતી. 70 કલાકથી વધુ સમય થવા છતાં બાળકીનો પત્તો નથી. ફાયર વિભાગને ગેસ, કેમિકલયુક્ત પાણી અને કાદવને કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી પડી રહી છે. બોરવેલ કેમેરા અને CCTVથી પણ બાળકીની ભાળ મળી નથી. હાલ કાદવ કાઢીને વધુ તપાસ ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ટેકનોલોજી પાંગળી સાબિત થઈ! ગટરમાં પડેલી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકીની 70 કલાકથી ભાળ નહીં, અડચણ 'આંખોદેખી'

Ahmedabad Drainage Rescue: અમદાવાદમાં વિશાલાથી નારોલ તરફ જતા રોડ પર પીરાણા ડમ્પિંગ યાર્ડ પાસે ખુલ્લી ડ્રેનેજ લાઇનમાં પડેલી 10 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ બાળકીની શોધખોળમાં ગટરની અંદર રહેલો ગેસ, કેમિકલયુક્ત પાણીનો સતત પ્રવાહ અને કાદવ સૌથી મોટો અવરોધ બની રહ્યાં છે. શનિવારે બનેલી આ ઘટનાને મંગળવારે ચાર દિવસ એટલે કે 70 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં બાળકીની કોઈ ભાળ મળી નથી. અમદાવાદ ફાયર વિભાગની ટીમ સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે, પરંતુ ગટરની અંદરની સ્થિતિને કારણે વધુ ઊંડે સુધી તપાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

ગટરમાં ગેસનું પ્રમાણ વધુ, કેમિકલયુક્ત પાણીનો સતત પ્રવાહ

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આશરે 35 થી 40 ફૂટ ઊંડી ડ્રેનેજ લાઇનમાં ગેસનું પ્રમાણ અને કેમિકલયુક્ત પાણીનો સતત પ્રવાહ હોવાથી રેસ્ક્યૂ ટીમને મુશ્કેલી પડી રહી છે. ગટરમાં ગેસના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જ્યારે પાણી સતત વહેતું હોવાથી જવાનો માટે વધુ ઊંડે સુધી ઉતરીને તપાસ કરવી મુશ્કેલ બની છે. આ ઉપરાંત, ડ્રેનેજ લાઇનમાં કાદવનું પ્રમાણ પણ ઘણું વધારે છે. કાદવને કારણે ગટરની અંદર વધુ સાધનોનો ઉપયોગ કરવામાં પણ મર્યાદા આવી રહી છે. આથી ફાયર વિભાગે અત્યાર સુધીમાં વિવિધ પદ્ધતિથી તપાસ કરી હોવા છતાં બાળકી ક્યાં છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી.

image.png

બોરવેલ કેમેરા ઉતાર્યા, છતાં કંઈ દેખાયું નહીં

બાળકીની સ્થિતિ અને તે કેટલા ઊંડે ફસાઈ હોઈ શકે તેનો અંદાજ મેળવવા ફાયર વિભાગે બોરવેલમાં ઉપયોગમાં લેવાતા કેમેરા ડ્રેનેજ લાઇનમાં ઉતાર્યા હતા. સામાન્ય રીતે કોઈ બાળક બોરવેલમાં પડી જાય ત્યારે ફાયર વિભાગ અથવા એનડીઆરએફ આવા કેમેરાની મદદથી અંદરની સ્થિતિ તપાસે છે. જોકે, આ કેમેરાથી પણ બાળકી અંગે કોઈ માહિતી મળી નથી. હાલમાં ગટરમાંથી કાદવ કાઢવાની કામગીરી ચાલી રહી છે. કાદવ દૂર કરીને વધુ તપાસ કરી શકાય તેવો માર્ગ તૈયાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે, ગેસ, પાણીના પ્રવાહ અને કાદવની સમસ્યાને કારણે રેસ્ક્યૂ ઓપરેશન પડકારજનક બન્યું છે.

image.png

તમામ મેનહોલમાં CCTVથી તપાસ, છતાં ભાળ નહીં

કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, ડ્રેનેજ લાઇનના તમામ મેનહોલમાં CCTV નાખીને તપાસ કરવામાં આવી છે. તેમ છતાં બાળકી મળી આવી નથી. આ ઉપરાંત પીરાણા એસટીપી પ્લાન્ટ અને સાબરમતી નદીમાં પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીના જણાવ્યા મુજબ, મેઇન ટ્રંક લાઇનમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોવાથી બાળકી ત્યાં હોવાની શક્યતા ઓછી છે. પીરાણા એસટીપી પ્લાન્ટ અથવા સાબરમતી નદી તરફ તે પહોંચી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ત્યાં પણ તપાસ ચાલુ છે. ફાયર વિભાગની ટીમે નદીમાં બોટની મદદથી તેમજ બંને કિનારે ચાલીને શોધખોળ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પુરાવો મળ્યો નથી.

નરોડાથી આવતી લાઇનમાં કેમિકલયુક્ત પાણી ક્યાંથી આવે છે?

ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણીનો સતત પ્રવાહ પણ રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. એન્જિનિયરિંગ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, નરોડા તરફથી આવતી લાઇનનું જોડાણ આ નેટવર્ક સાથે હોવાથી તેમાં કેમિકલયુક્ત પાણી આવતું હોવાની શક્યતા છે. કોઈએ ડ્રેનેજ લાઇન સાથે કેમિકલયુક્ત પાણીની લાઇન જોડેલી હોઈ શકે અથવા ટેન્કર મારફતે કેમિકલયુક્ત પાણી નાખવામાં આવતું હોઈ શકે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ઝોનમાંથી આવતું પાણી પણ આ લાઇનમાં ભેગું થાય છે. જોકે, કેમિકલયુક્ત પાણી કયા સ્ત્રોતમાંથી આવી રહ્યું છે તે અંગે હજુ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ચાર દિવસથી ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં ફાયર વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગની ટીમો અલગ-અલગ સ્થળે તપાસ કરી રહી છે. હવે કાદવ કાઢવાની કામગીરી અને ડ્રેનેજ લાઇનની વધુ તપાસ બાદ બાળકી અંગે કોઈ કડી મળે છે કે નહીં તેના પર નજર છે.