Ahmedabad

અમદાવાદ: ધોળકા અને બાવળા વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાનો ભેદ ઉકેલાયો, 3 સગીર સહિત 4 ઝડપાયા

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ધોળકા-બાવળા વચ્ચે 21 નવેમ્બર 2026ના રોજ વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ પર થયેલા પથ્થરમારાનો ભેદ RPFએ ઉકેલ્યો છે. મસ્તી-મજાકમાં પથ્થર ફેંકનાર 3 સગીર અને રેલવે ટ્રેક પર અનધિકૃત પ્રવેશ કરનાર 1 યુવકની અટકાયત કરાઈ છે. CCTV અને બાતમીદારની મદદથી બોટાદ RPFને સફળતા મળી. સગીરોએ મસ્તીમાં પથ્થર માર્યાની કબૂલાત કરી, જ્યારે યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ધોળકા અને બાવળા વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાનો ભેદ ઉકેલાયો, 3 સગીર સહિત 4 ઝડપાયા

Vande Bharat Express Stone Pelting Case: અમદાવાદના ધોળકા અને બાવળા રેલવે સ્ટેશન વચ્ચે ગત 21 નવેમ્બર 2026ના રોજ વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ(ટ્રેન નં. 26902) પર થયેલા પથ્થરમારાની ઘટનાનો ભેદ રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF)એ ઉકેલી નાખ્યો છે. માત્ર મસ્તી-મજાકમાં ચાલુ ટ્રેન પર પથ્થર ફેંકનાર ત્રણ સગીર અને રેલવે ટ્રેક પર અનધિકૃત રીતે પ્રવેશનાર એક યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

CCTV ફૂટેજ અને બાતમીદારની મદદથી મળી સફળતા

આ ઘટના અંગે બોટાદ RPF પોલીસ સ્ટેશનમાં રેલવે ઍક્ટની કલમ 153 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ભાવનગર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર(DSC)ના માર્ગદર્શન હેઠળ બોટાદ RPFની ટીમે વંદે ભારત ટ્રેનના કોચ નંબર C/5ના અંદરના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ત્યારબાદ બાવળા-ધોળકા વચ્ચે ગરનાળા નં. 62 (KM 46/8-6) પાસે લાગેલા CCTV કેમેરા ચેક કરતાં, રાત્રે 5 જેટલા શખ્સો રેલવે લાઇન પાસેથી પસાર થતાં દેખાયા હતા. અંધારું હોવાથી ચહેરા સ્પષ્ટ નહોતા, પરંતુ ગુપ્ત બાતમીદારને આ ફૂટેજ બતાવતા તેણે એક શખ્સની ઓળખ બાવળાના અજય યાદવ તરીકે કરી હતી.

મસ્તી-મજાકમાં પથ્થરમારો કર્યાની કબૂલાત

RPF ટીમે બાવળા સ્ટેશન પરથી અજય તારકેશ્વર યાદવ(ઉં.વ. 20, રહે. નવજીવન બિલ્ડિંગ, બાવળા)ને ઝડપી પાડી પૂછપરછ કરતાં સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ હતી. અજયે જણાવ્યું કે, 21 નવેમ્બરની રાત્રે તે અને તેના ત્રણ સગીર મિત્રો ગરનાળા નં. 62 પાસેની પાળી પર બેસીને મસ્તી કરી રહ્યા હતા. તે સમયે વંદે ભારત ટ્રેન પસાર થતાં 15 અને 16 વર્ષની વયના ત્રણેય સગીર મિત્રોએ વારાફરતી ટ્રેન પર પથ્થર ફેંક્યા હતા, જેના કારણે અજયે તેમને ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ ચારેય ત્યાંથી જતા રહ્યા હતા.

સેન્ટ્રલ IB અને RPFની સંયુક્ત પૂછપરછ

પોલીસે ત્રણેય સગીરોના વાલીઓને બોલાવી પંચનામું અને નિવેદન નોંધવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ IBના ઇન્ટેલિજન્સ ઑફિસર(IO) અને બોટાદ RPF નિરીક્ષક દ્વારા ત્રણેય સગીરોની સંયુક્ત પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સગીરોએ માત્ર મસ્તીમાં પથ્થર માર્યા હોવાની કબૂલાત કરી હતી.

કાયદેસરની કાર્યવાહી

  • યુવક સામે ગુનો: રેલવે હદમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવા બદલ 20 વર્ષીય અજય યાદવ વિરુદ્ધ બોટાદ RPFમાં રેલવે ઍક્ટની કલમ 147 અને 145(B) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
  • સગીરોને વાલીને સોંપાયા: પથ્થરમારો કરનાર ત્રણેય સગીરોને કાયદા મુજબ બાળ અપચારી તરીકે સામેલ કરી, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)ની કલમ 35(3) હેઠળ નોટિસ આપી પાબંદ કરીને તેમના માતા-પિતાને સુપરત કરવામાં આવ્યા છે.