Ahmedabad

ગૂગલ પરથી સર્ચ કરી ફોન કરવો ભારે પડ્યો! અમદાવાદમાં કોમ્પ્યુટર વેપારીના 95 હજાર ઉપડી ગયા, નવી ટ્રિકથી બચજો!

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઇસનપુરમાં રહેતા 50 વર્ષીય કોમ્પ્યુટર વેપારી ધવલ શાહ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. રેપિડો સર્વિસ માટે ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર શોધી સંપર્ક કરતા, સાયબર ગઠિયાએ apk ફાઇલ ડાઉનલોડ કરાવી મોબાઇલ હેક કર્યો. બાદમાં એક્સિસ બેંકના ખાતામાંથી OTP વગર 95 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા. વેપારીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૂગલ પરથી સર્ચ કરી ફોન કરવો ભારે પડ્યો! અમદાવાદમાં કોમ્પ્યુટર વેપારીના 95 હજાર ઉપડી ગયા, નવી ટ્રિકથી બચજો!

Ahmedabad Cyber Fraud: અમદાવાદ શહેરના ઇસનપુરમા રહેતા અને આશ્રમ રોડ ખાતે કોમ્પ્યુટર હાર્ડવેર નેટવર્કનો વેપાર કરતા 50 વર્ષીય આધેડ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. તેમણે રેપિડો એપ્લિકેશનની સર્વિસ બાબતે ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર શોધી સંપર્ક કર્યો હતો. સામે રહેલા સાયબર ગઠિયાએ કસ્ટમર સપોર્ટના નામે apk ફાઇલ ડાઉનલોડ કરાવી મોબાઇલ હેક કરીને એક્સિસ બેંક ખાતામાંથી રૂ. 95 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. પોતાની સાથે સાયબર ફ્રોડ થયાની જાણ થતા વેપારીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રિન્ટર મોકલવા માટે રેપિડો મારફતે ટ્રિપ બુક કરાવી હતી પણ..

​ઇસનપુર ખાતે સુનીલ સોસાયટી પાસે આવેલી રાજેશ્વરી કોલોનીમાં રહેતા અને આશ્રમ રોડ પર ‘મિત કોમ્પ્યુટર સર્વિસીસ’ના નામે હાર્ડવેર નેટવર્કનો ધંધો કરતાં ધવલ બચુભાઈ શાહ (ઉં.વ. 50) ગત 7 ઓક્ટોબર 2026ના રોજ બપોરે તેમણે ધંધા અર્થે વસ્ત્રાપુરથી એલિસબ્રિજની સ્તવ્ય હોસ્પિટલ ખાતે પ્રિન્ટર મોકલવા માટે રેપિડો મારફતે ટ્રિપ બુક કરાવી હતી. જોકે ડિલિવરી બોય પ્રિન્ટર આપ્યા વગર જતો રહ્યો હતો અને ઓર્ડર મળ્યો ન હતો. જેથી તેમણે રેપિડોમાં ફરિયાદ કરવા માટે ગૂગલ સર્ચ કરીને મળેલા નંબર પર કોલ કર્યો હતો.

apk ફાઈલ મોકલી 1 રૂપિયાનું પેમેન્ટ કરાવ્યું

​સામેથી વાત કરનાર અજાણ્યા શખ્સે ધવલભાઈને 'Customer Support.apk' નામની ફાઇલ મોકલી તે ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ ફોન ચાલુ રખાવી સ્ક્રીન શેર કરાવી ગૂગલ પે મારફતે રૂ. 1નું પેમેન્ટ કરવાની પ્રોસેસ કરાવી હતી. આ પ્રોસેસ પૂર્ણ થતાં જ તેમનો મોબાઇલ હેક થઈ ગયો હતો

ઓટીપી વગર રૂ. 95 હજાર ટ્રાન્સફર થઈ ગયા

થોડી જ વારમાં ધવલભાઈના મણિનગર સ્થિત બેંકના ખાતામાંથી અજાણ્યા શખ્સના બેંક ઓફ મહારાષ્ટ્રના ખાતામાં રૂ. 95 હજાર ટ્રાન્સફર થઈ ગયા હતા. કોઈ ઓટીપી આપ્યા વગર નાણાં કપાઈ જતાં તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરી હતી. જે બાદ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.