હવે બીજા રાજ્ય કે શહેર નહીં જવું પડે! અમદાવાદના સાબરમતીમાં જ થશે 24 કોચની વંદે ભારતનું મેજર રિપેરિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Vande Bharat Maintenance Hub: અમદાવાદના સાબરમતી ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોમાં વંદે ભારત જેવી આધુનિક ટ્રેનોના મેઈન્ટેનન્સ માટે 307 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક હબ વિકસાવવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા પ્રોજેક્ટના ફેઝ-2 હેઠળ આ સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 24 કોચની વંદે ભારત ટ્રેનના નિર્ધારિત મેજર મેઈન્ટેનન્સની કામગીરી સાબરમતીમાં જ થઈ શકશે. અત્યાર સુધી આ પ્રકારના મેઈન્ટેનન્સ માટે અન્ય સ્થળો પર નિર્ભર રહેવાની જરૂરિયાતમાં ઘટાડો થશે.
સાબરમતીમાં જ થશે 24 કોચની વંદે ભારતનું મેજર રિપેરિંગ
આ હબમાં હેવી રિપેર શેડ, વ્હીલ કેર શેડ, વિવિધ સેક્શન શેડ, ટૅન્ડમ વ્હીલ લેથ શેડ, ડ્રોપ પિટ અને રિટ્રેક્ટેબલ ઓવરહેડ ઇક્વિપમેન્ટ(OHE) સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. પ્રોજેક્ટનાં કેટલાંક મુખ્ય માળખાંનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે અન્ય કામગીરી પ્રગતિમાં છે.
30થી 45 દિવસમાં 24 કોચની ટ્રેનનું મેઈન્ટેનન્સ
પ્રોજેક્ટ હેઠળ 24 કોચની વંદે ભારત ટ્રેનસેટના સોફ્ટ શેડ્યૂલ-1(SS-I) અને સોફ્ટ શેડ્યૂલ-2(SS-II) મેઈન્ટેનન્સ માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નિર્ધારિત આયોજન મુજબ, એક 24 કોચની ટ્રેનનું SS-I મેઈન્ટેનન્સ આશરે 30 દિવસમાં અને SS-II મેઈન્ટેનન્સ આશરે 45 દિવસમાં પૂર્ણ કરી શકાશે. આ ક્ષમતાના આધારે વાર્ષિક આશરે 12 રેકનું SS-I અથવા 8 રેકનું SS-II મેઈન્ટેનન્સ કરી શકાશે.

વ્હીલ કેર શેડ તૈયાર, આધુનિક મશીનો ગોઠવાશે
વ્હીલ કેર શેડનું 75 મીટર × 40 મીટરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. તેમાં પૈડાં અને એક્સલની ઓવરહોલિંગ, રિસર્ફેસિંગ તથા ટર્નિંગની કામગીરી માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે CNC સરફેસ વ્હીલ લેથ, CNC એક્સલ ટર્નિંગ લેથ, ડાયનેમિક વ્હીલ બેલેન્સિંગ મશીન અને હાઇડ્રોલિક વ્હીલ પ્રેસ જેવાં આધુનિક ઉપકરણોની જોગવાઈ કરવામાં આવી છે.
હેવી રિપેર શેડમાં બે મેઈન્ટેનન્સ લાઇન
322 મીટર લાંબા અને 25 મીટર પહોળા હેવી રિપેર શેડનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. તેમાં બે મેઈન્ટેનન્સ લાઇન બનાવવામાં આવી છે. એક લાઇનમાં સિન્ક્રોનાઇઝ્ડ પિટ જેકની મદદથી કોચને ઊંચા કરીને બોગી બહાર કાઢવાની સુવિધા હશે. બીજી લાઇનમાં કોચના આંતરિક ભાગ, પેસેન્જર સુવિધાઓ, બ્રેક સિસ્ટમ અને અન્ય વિદ્યુત ઉપકરણોની જાળવણી થઈ શકશે.
ટ્રેનનાં મહત્ત્વના ટેકનિકલ ઉપકરણોની પણ મરામત થશે
322 મીટર × 20 મીટરના વિવિધ સેક્શન શેડમાં ટ્રેક્શન ટ્રાન્સફોર્મર, ટ્રેક્શન કન્વર્ટર, ટ્રેક્શન મોટર, ઓક્ઝિલરી કન્વર્ટર, પેન્ટોગ્રાફ અને રૂફ-માઉન્ટેડ પેકેજ યુનિટ (RMPU) જેવા ઉપકરણોને ખોલવા, સમારકામ કરવા અને ફરીથી એસેમ્બલ કરવાની સુવિધા વિકસાવવામાં આવી રહી છે.
2,547 મીટર સ્ટેબલિંગ લાઇનનું કામ પૂર્ણ
પ્રોજેક્ટમાં ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પણ આગળ વધ્યું છે. ચાર સ્ટેબલિંગ લાઇન પર કુલ 2,547 મીટર રેલ લિંકિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત, 30 મીટર × 20 મીટરની ઇલેક્ટ્રિકલ સબ-સ્ટેશન (ESS) બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
આધુનિક મશીનરી અને ટેકનિકલ સુવિધાઓ સાથેનું આ હબ કાર્યરત થયા બાદ વંદે ભારત ટ્રેનસેટના મેઈન્ટેનન્સની ક્ષમતામાં વધારો થશે અને ટ્રેનોની જાળવણી વધુ વ્યવસ્થિત રીતે થઈ શકશે.




