ગુજરાતમાં 10 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, 8 જિલ્લામાં હવામાન વિભાગનું ઓરેન્જ ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain Alert: ગુજરાતમાં આજે (13મી સપ્ટેમ્બર) સવારથી જ વરસાદી માહોલ બરાબરનો જામી ગયો છે. રાજ્યના દક્ષિણ અને પૂર્વ-મધ્ય ભાગોમાં અત્યંત ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જાહેર કરેલા આંકડા અનુસાર, આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકના ટૂંકા સમયગાળામાં જ રાજ્યના 126 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

બપોરે 4 વાગ્યા સુધી 10 જિલ્લામાં 'રેડ ઍલર્ટ'
હવામાન વિભાગ દ્વારા બપોરે ૪ વાગ્યા સુધીનું તાજું નાઉકાસ્ટ બુલેટિન જારી કરી રાજ્ય પર વરસાદના ભારે સંકટની ચેતવણી આપી છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી સહિત ૧૦ વિસ્તારમાં વિજળીના કડાકા અને તીવ્ર પવન સાથે અત્યંત ભારે વરસાદનું 'રેડ ઍલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો ઍલર્ટ
આ ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દાહોદ, પંચમહાલ, આણંદ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને ધ્યાને રાખી 'ઓરેન્જ ઍલર્ટ' આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાંની સંભાવના સાથે 'યલો ઍલર્ટ' જારી કરાયું છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.




