નવરાત્રિ ટાણે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં 6 અકસ્માત: બસ, ટ્રક, ટેન્કર અને એમ્બ્યુલન્સની અડફેટે 6નાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Road Accidents: આસો નવરાત્રિ પર્વની શરૂઆત સાથે જ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી રહેલા ચાલકોએ કાળો કેર વર્તાવ્યો છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સર્જાયેલા 6 અકસ્માતોમાં 6 લોકોના મોત નીપજતાં હતા. ટ્રાફિક નિયમનના એક્શન પ્લાન વચ્ચે જ સર્જાયેલા આ તમામ જીવલેણ અકસ્માતો અંગે સંબંધિત ટ્રાફિક પોલીસ સ્ટેશનોએ ગુના નોંધીને બેદરકાર વાહનચાલકો સામે કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.
1.અપોલો સર્કલ પાસે બસની ટક્કરે 20 વર્ષીય યુવકનું મોત
ગત 17મી સપ્ટેમ્બરના રોજ અપોલો સર્કલથી ઈન્દિરાબ્રિજ તરફ જતા માર્ગ પર જર્મન ગ્રીન સિટી સામે રસ્તો ઓળંગી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 20 વર્ષીય પ્રદીપ શુક્લાને ફુલ સ્પીડમાં આવતી બસે અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓના કારણે આ યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે બસચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
2.વિસત સર્કલ પાસે સાયરન વિનાની 108 એમ્બ્યુલન્સે સફાઈ કર્મચારીને કચડ્યો
ગત આઠમી ઓક્ટોબરની રાત્રે વિસત સર્કલ પાસે BRTS રેલિંગની સફાઈનું કામ કરી રહેલા વટવાના 20 વર્ષીય અબ્દુલ રહેમાન શેખને 108 એમ્બ્યુલન્સે અડફેટે લીધો હતો. ઇમરજન્સી લાઈટ કે સાયરન ચાલુ રાખ્યા વિના બેદરકારીથી ચલાવાતી એમ્બ્યુલન્સની ટક્કરથી ઈજાગ્રસ્ત થયેલા યુવકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. એલ ડિવિઝન પોલીસે 108ના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
3.નારોલ-અસલાલી રોડ પર હિટ એન્ડ રન
ગત નવમી ઓક્ટોબરની રાત્રે નારોલ-અસલાલી માર્ગ પર શાહવાડી પાસે રસ્તો ઓળંગતા મજૂરીકામ કરતા 11 વર્ષીય ભરત વૈષ્ણવને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ભરતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર અજાણ્યા વાહનચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો છે.
4.નાના ચિલોડા ખાતે ટ્રકની ચપેટમાં આવતાં મહિલાનું મોત
ગત 10મી ઓક્ટોબરે નાના ચિલોડાના 50 વર્ષીય રીતુબહેન રામચંદાણી રાધાસ્વામી સત્સંગ (મેદરા) ખાતે સેવા આપવા પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન નાના ચિલોડા સર્કલ નજીક પૂરપાટ ઝડપે આવતા ટ્રકે તેને ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
5.નારોલ-વિશાલા રોડ પર ટેન્કરે મોપેડને ટક્કર મારી
ગત 10મી ઓક્ટોબરે નારોલ-વિશાલા રોડ પર દેવ હોટેલ નજીક બેફામ ઝડપે આવતા ટેન્કરે મોપેડને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં મોપેડ પાછળ બેઠેલા દાણીલીમડાના 47 વર્ષીય નરેન્દ્રકુમાર લેઉવા રસ્તા પર ફેંકાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમનો મિત્ર મોહંમદ યુનુસ ઈજાગ્રસ્ત થયો હતો. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટેન્કરચાલક ધર્મેન્દ્રસિંહ રાજપૂત સામે કાર્યવાહી હાથ ધરી છે.
6.સોલા બ્રિજ નીચે કિયા કારની ટક્કરે બાઈક સવાર 18 વર્ષીય યુવકનું મોત
ગત 10મી ઓક્ટોબરની રાત્રે સિમ્સ ચોકડી પાસે પેટ્રોલ પંપથી પેટ્રોલ ભરાવી પરત ફરી રહેલા સોલાના 18 વર્ષીય રાહુલ ઠાકોરની બાઈકને સોલા બ્રિજ નીચે પૂરપાટ આવતી કારે ટક્કર મારી હતી. માથામાં ગંભીર ઈજાઓ થવાના કારણે રાહુલનું સ્થળ પર જ મોત થયું હતું. આ અંગે એસજી હાઇવે 1 ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




