અમદાવાદ ડિવિઝનનાં 107 સ્ટેશનો પર ‘રેલ જન સંવાદ’ યોજાયો, મુસાફરોએ કહ્યું -'લગેજ લોકર વધારો, ભોજનની વ્યવસ્થા કરાવો'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Railway Division Rail Jan Samvad: રેલવે સ્ટેશનો પર પેસેન્જરોને મળતી સુવિધાઓમાં સુધારો કરવા અને તેમની સમસ્યાઓ સમજવા માટે 22 ઑક્ટોબરે અમદાવાદ ડિવિઝનના 107 રેલવે સ્ટેશનો પર ‘રેલ જન સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ રેલવે સ્ટેશન પર ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) વેદ પ્રકાશે પેસેન્જરો સાથે સીધો સંવાદ કરીને તેમની જરૂરિયાતો અને સૂચનો જાણ્યાં હતાં. આ દરમિયાન પેસેન્જરોએ લગેજ રાખવા માટે લોકર રૂમની સુવિધા વધારવા, પેકડ ફૂડ સિવાય ભોજનની વ્યવસ્થા કરવા અને ટ્રેનોની યોગ્ય તથા સમયસર માહિતી માટે સતત એનાઉન્સમેન્ટ સિસ્ટમ કાર્યરત રાખવા સહિતના સૂચનો આપ્યાં હતાં.
DRM વેદ પ્રકાશે જણાવ્યું હતું કે 'મુસાફરો પાસેથી મળેલાં સૂચનોને તેની જરૂરિયાત અને પ્રાથમિકતાના આધારે વર્ગીકૃત કરવામાં આવશે. જે સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ શક્ય હશે તેના પર પ્રાથમિકતાથી કામગીરી કરાશે, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત જરૂરિયાતો માટે તબક્કાવાર આયોજન કરીને જરૂરી સુધારા કરવામાં આવશે.'
પેસેન્જરોએ આ સુવિધાઓ વધારવા સૂચન કર્યાં
•લોકર રૂમની સુવિધા વધારોઃ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતાં પેસેન્જરોને પોતાનો સામાન સુરક્ષિત રીતે રાખી શકાય તે માટે લગેજ લોકર રૂમની સુવિધા વધારવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. જેથી જરૂરિયાત મુજબ પેસેન્જરો લગેજ મૂકી પોતાની કામગીરી પૂર્ણ કરી શકે.
•પેકડ ફૂડ સિવાય ભોજન મળેઃ સ્ટેશન પર પેકડ ફૂડ ઉપરાંત પેસેન્જરોને બપોરે અને રાતે ભોજન મળી શકે તેવી વ્યવસ્થા કરવા સૂચન કરવામાં આવ્યું હતું, જેથી ટ્રેનની રાહ જોતા પેસેન્જરોને ભોજન માટે વધુ વિકલ્પો મળી શકે.
•ટ્રેનોની માહિતી માટે સતત એનાઉન્સમેન્ટઃ ટ્રેનોના આગમન, પ્રસ્થાન અને અન્ય જરૂરી માહિતી સમયસર તથા યોગ્ય રીતે મળી રહે તે માટે એનાઉન્સમેન્ટ સિસ્ટમ સતત કાર્યરત રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
પ્લેટફોર્મ 3-4 પર સ્વચ્છતા અને પીવાના પાણીની સુવિધા વધારવા માગ
સંવાદ દરમિયાન કેટલાક પેસેન્જરોએ પ્લેટફોર્મ નંબર 3 અને 4 તરફ સ્વચ્છતા વ્યવસ્થામાં સુધારો કરવા તેમજ પીવાના પાણી અને હાથ ધોવાની સુવિધાઓ વધુ સુલભ બનાવવા સૂચન કર્યાં હતાં. એક પેસેન્જરે સ્ટેશન પર સ્વચ્છતા અને શૌચાલયની વ્યવસ્થા વધારવાની સાથે અલગ વેઇટિંગ રૂમની જરૂરિયાત જણાવી હતી.
એસી વેઇટિંગ રૂમમાં મોડી રાતની ટ્રેનની રાહ જોઈ રહેલા પેસેન્જરોએ બેસવા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ કરાવવાની માગ કરી હતી. DRMએ સ્ટેશનની બહાર ઓટો ચાલકો સાથે પણ સંવાદ કરીને પાર્કિંગ વ્યવસ્થા અને વાહન સંચાલન સંબંધિત સમસ્યાઓ અંગે જાણકારી મેળવી હતી.
39 મુખ્ય સ્ટેશનો પર વરિષ્ઠ અધિકારીઓએ સંવાદ કર્યો
અમદાવાદ ડિવિઝનનાં 107 સ્ટેશનો પર યોજાયેલા આ કાર્યક્રમમાં 39 મુખ્ય સ્ટેશનો પર ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓએ પેસેન્જરો સાથે સીધો સંવાદ કર્યો હતો. અન્ય સ્ટેશનો પર સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ અને સ્ટેશન માસ્ટર દ્વારા પેસેન્જરોના સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ટ્રેનોમાં પણ પેસેન્જરો સાથે સંવાદ કરીને તેમની મુસાફરી દરમિયાન આવતી સમસ્યાઓ અને સુવિધાઓ અંગે ફીડબેક લેવામાં આવ્યો હતો. ડીઆરએમએ જણાવ્યું કે, રેલ જન સંવાદમાં મળેલાં સૂચનોના આધારે સ્ટેશનની સુવિધાઓમાં સુધારો કરવાની દિશામાં રેલવે દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.




