મુસાફરોના આરોગ્ય સાથે ચેડાં, 175 હોટેલને નોટિસથી જ તંત્રને સંતોષ, ઓપરેશન હેલ્થના નામે ફૂડ-ડ્રગ્સ વિભાગનો માત્ર દેખાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Food and Drugs Department Inspection: આરોગ્ય વિભાગ ભલે ઓપરેશન હેલ્થના નામે અભિયાન ચલાવે પણ રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓને હવે કાયદાનો જરાય ડર રહ્યો નથી. હાઈવે હોટેલોમાં રસોડામાં અત્યંત ગંદકી અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળતા 175 હોટેલ સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી. દિવાળીના તહેવારો બાદ કાર્યવાહી કરવાને બદલે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે માત્ર નોટિસ આપીને કાર્યવાહી કર્યાનો દેખાડો કર્યો છે.
‘ઓપરેશન હેલ્થ’ હેઠળ 1,477 સ્થળોએ ફૂડ વિભાગની તપાસ.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ‘ઓપરેશન હેલ્થ’ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. આ સઘન અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં હાઈવે હોટેલો તેમજ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના કુલ 1,477 સ્થળો પર તપાસ કરાઈ હતી. 14 હોટેલોમાંથી બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો ઝડપાયો હતો જેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. એટલું જ નહીં, ખાદ્ય પદાર્થના નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી અપાયા છે. જો લેબોરેટરી રિપોર્ટમાં ગંભીર ખામી જણાશે, તો કોર્ટ કેસથી લઈને હોટલને સીલ મારવા સુધીના આકરા પગલાં લેવાશે. હવેથી દરેક હોટલમાં રસોઈયા અને વેઈટર્સ માટે હેન્ડ ગ્લોવ્ઝ અને માથા પર કેપ પહેરવી ફરજિયાત બનાવી દેવામાં આવી છે. જોકે, હાઈવે હોટલોને નોટિસો ફટકારી તંત્રએ સંતોષ માન્યો છે.
આઈસક્રીમના નામે 196 સ્થળોએ ફ્રોઝન ડેઝર્ટનું ધૂમ વેચાણ.
જાણકારોના મતે, આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ દેખાવ અને સ્વાદમાં લગભગ સરખાં લાગે છે પણ લોકોને હજુ એ વાતની ખબર નથી કે, આ બંને જુદા જુદા છે. આઈસ્ક્રીમ શુદ્ધ દૂધ અને ક્રીમમાંથી બને છે જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં દૂધની ચરબીને બદલે પામ ઓઈલનો ઉપયોગ કરાય છે જેમાં ખાંડ, મિલ્ક પાવડર અને ફ્લેવર્સ ઉમેરવામાં આવે છે. ગ્રાહકો શુદ્ધ આઈસ્ક્રીમ માનીને જે ખાય છે, તે હકીકતમાં વનસ્પતિ તેલમાંથી બનેલું ‘ફ્રોઝન ડેઝર્ટ’ હોય છે. આ છેતરપિંડી અટકાવવા આરોગ્ય વિભાગે 768 સ્થળોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે, 32 સ્થળોએ ફક્ત વનસ્પતિ તેલવાળું ફ્રોઝન ડેઝર્ટ વેચાઈ રહ્યું હતું જ્યારે 164 દુકાનોમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બંનેનું વેચાણ ચાલુ હતું. ગ્રાહકોને જાણ થાય તે માટે દુકાનદારે દુકાન પર ‘આઈસ્ક્રીમ’ કે ‘ફ્રોઝન ડેઝર્ટ’નું બોર્ડ લગાવવું ફરજિયાત છતાં ક્યાંય અમલ થઈ રહ્યો નથી.




