અમદાવાદ નજીક સાંતેજમાં મંડલી ગરબામાં બબાલ: તલવારો અને લાકડીઓ ઉડતાં ખેલૈયાઓમાં નાસભાગ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Santej Garba Clash: અમદાવાદ નજીક સાંતેજ વિસ્તારમાં યોજાયેલા 'મંડલી ગરબા' મહોત્સવમાં રવિવારે (18મી ઑક્ટોબર) રાત્રે હોબાળો મચી ગયો હતો. માન્ય પાસ વગર ગરબા મેદાનમાં પ્રવેશવા બાબતે સિક્યોરિટી ગાર્ડ્સ અને યુવકોના એક જૂથ વચ્ચે બબાલ થઈ હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વાઇરલ થયેલા વીડિયોમાં કેટલાક શખસો ખુલ્લેઆમ લાકડીઓ અને તલવારો લઈને ફરતા નજરે પડતા હડકંપ મચી ગયો હતો. આ ઘટનાને કારણે ગરબા રમવા આવેલા ખેલૈયાઓ અને મહિલાઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
પાસ વગર પ્રવેશવાનો પ્રયાસ બન્યો ઘર્ષણનું કારણ!
પ્રાથમિક માહિતી અનુસાર, રવિવારે રાત્રે ગરબા મેદાનના પ્રવેશદ્વાર પર કેટલાક યુવકોએ કોઈ પણ પ્રકારના માન્ય પાસ વિના અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ગેટ પર હાજર સિક્યોરિટી ગાર્ડ્સ અને બાઉન્સરોએ તેને રોકતાં મામલો બિચક્યો હતો અને બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર મારામારી શરૂ થઈ ગઈ હતી.
પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે કેટલાક શખસો હથિયારો સાથે મેદાનમાં ધસી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં યુવકો હાથમાં લાકડીઓ અને તલવારો લહેરાવતા નજરે પડે છે. આ હિંસક ઘટનાથી ગ્રાઉન્ડમાં દોડધામ મચી ગઈ હતી અને મહિલાઓ તથા યુવતીઓ સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા.
રોકડ ભરેલી બેગ ચોરાયાનો દાવો, પોલીસ તપાસ શરૂ
આ ઘટનામાં એવો દાવો પણ કરવામાં આવ્યા છે કે યુવકોનું આ જૂથ ચોક્કસ ઈરાદા સાથે મેદાનમાં ઘૂસ્યું હતું અને મારામારીની આડમાં રોકડ રકમ ભરેલી એક બેગ લઈને ફરાર થઈ ગયું હતું. જોકે, આ આરોપોની હજુ સુધી પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાંતેજ પોલીસ સ્ટેશનનો કાફલો અને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ(LCB)ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા તપાસના ભાગરૂપે ગરબાના આયોજકોને પણ એલસીબી-2 (LCB-2) કચેરી ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. બંને પક્ષના શખસોને અલગ-અલગ પોલીસ સ્ટેશને લઈ જઈને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.




