દિવાળીના ટૂર બુકિંગમાં ચેતજો! નેપાળ પ્રવાસના નામે પોસ્ટલ કર્મચારીઓ સાથે ઠગાઈ, 'દ્વારકેશ હોલીડેયઝ'ના નામે છેતરી ગઠિયો ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tour Travel Ticket Fraud: દિવાળીના ટૂર બુકિંગ કરાવતા પહેલાં ચેતજો! અમદાવાદના ઇસનપુરમાં રહેતી અને ઘરેથી 'સોનુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ' ચલાવતી મહિલા મારફતે ટપાલ વિભાગના 20 કર્મચારીઓ માટે નેપાળ ટૂરની એર ટિકિટ બુક કરાવવાના બહાને રૂ.1.50 લાખ પડાવી છેતરપિંડી આચરવામાં આવી છે. આરોપીએ એડવાન્સ પેટે નાણાં મેળવી 9 બોગસ ટિકિટો આપી બાકીની ટિકિટો ન આપી ફોન સ્વિચ ઓફ કરી દેતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર મામલે ઈસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
નેપાળ પ્રવાસના નામે પોસ્ટલ કર્મચારીઓ સાથે ઠગાઈ
ઇસનપુર વિસ્તારમાં ગીરીરાજ ફ્લેટ નજીક આવેલી માનસી સોસાયટીમાં રહેતાં 45 વર્ષીય સોનલબહેન નિલેશભાઈ ચુનારા છેલ્લાં પાંચેક વર્ષથી ઘરેથી 'સોનુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ' ચલાવે છે. તેમના પતિ નિલેશ ટપાલ વિભાગના આર.એમ.એસ. ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. તેમના વિભાગના 20 જેટલાં કર્મચારીઓએ નેપાળ ફરવા જવાનું આયોજન કર્યું હતું. સરકારી ધારાધોરણ મુજબ એડવાન્સ ટિકિટ રજૂ કર્યા બાદ LTC ભથ્થું મળતું હોવાથી, ટિકિટ મેળવવા માટે સોનલબહેને નારણપુરા સ્થિત દ્વારકેશ હોલીડેયઝ પ્રા.લિ.ના સંચાલક તરીકે ઓળખ આપનાર વિમલભાઈ મૂળજીભાઈનો સંપર્ક કર્યો હતો.
કન્ફર્મ ટિકિટો આપવાની ખાતરી આપી રૂ. 1.50 લાખની માંગણી
વિમલભાઈએ 48 કલાકમાં તમામ કન્ફર્મ ટિકિટો આપવાની ખાતરી આપી રૂ. 1.50 લાખની માંગણી કરી હતી. જેના પગલે સોનલબહેને 7 એપ્રિલ 2026ના રોજ પતિના એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ મારફતે રૂ.1 લાખ ફોન-પે દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. નાણાં મળ્યા બાદ આરોપીએ 9 ટિકિટ મોકલી બાકીની ટિકિટો માટે વધુ રૂ.50 હજાર માંગતા સોનલબહેને 10 એપ્રિલ 2026ના રોજ પોતાના એસબીઆઈ ખાતામાંથી ગુગલ-પે કર્યા હતા. ત્યારબાદ આરોપી પાસે બાકીની ટિકિટો માંગતા તે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો.
'દ્વારકેશ હોલીડેયઝ'ના નામે છેતરી ગઠિયો ફરાર
ગત 11 એપ્રિલ 2026ના રોજ સોનલબહેન અને તેમના પતિ આરોપીની નારણપુરા સ્થિત કથિત ઓફિસે તપાસ કરવા પહોંચ્યા ત્યારે આંચકો લાગ્યો હતો. દ્વારકેશ હોલીડેયઝ ખાતે આવી કોઈ વ્યક્તિ નોકરી કરતી ન હોવાનું અને અગાઉ આપેલી 9 ટિકિટો પણ સાવ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. ફોન સ્વિચ ઓફ થઈ જતાં આખરે સોનલબહેને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વિમલ મૂળજીભાઈ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




