Ahmedabad

અમદાવાદ: નારોલ-નરોડા હાઇવે પર ફિલ્મી ઢબે લૂંટ, રાજેન્દ્ર પાર્ક બ્રિજ પરથી યુવકનું અપહરણ કરી ₹34 લાખ લૂંટી 2 ફરાર

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઓઢવ રાજેન્દ્ર પાર્ક બ્રિજ પરથી આજે મોડી સાંજે પેઢીના કર્મચારી કેતનભાઈ પરીખનું કારમાં આવેલા 2 અજાણ્યા શખસોએ અપહરણ કર્યું હતું. બેંકમાંથી ₹34 લાખ લઈને જતી વખતે તેમને બળજબરીપૂર્વક કારમાં બેસાડી ગાંધીનગરના ધોળાકૂવા લઈ જવાયા હતા. ત્યાંથી રોકડ ભરેલી બેગ આંચકી લૂંટારુઓ ફરાર થઈ ગયા. ઓઢવ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: નારોલ-નરોડા હાઇવે પર ફિલ્મી ઢબે લૂંટ, રાજેન્દ્ર પાર્ક બ્રિજ પરથી યુવકનું અપહરણ કરી ₹34 લાખ લૂંટી 2 ફરાર

Ahmedabad ₹34 Lakh Robbery: અમદાવાદના નારોલ-નરોડા હાઇવે સ્થિત ઓઢવ રાજેન્દ્ર પાર્ક બ્રિજ પરથી આજે(21 ઓક્ટોબર) મોડી સાંજે પેઢીના કર્મચારીનું કારમાં આવેલા બે અજાણ્યા શખસોએ અપહરણ કરી રૂ.34 લાખની લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ભોગ બનનાર વ્યક્તિ બેંકમાંથી રોકડ રકમ લઈને પેઢી તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને બળજબરીપૂર્વક કારમાં બેસાડી ગાંધીનગર ધોળાકૂવા લઈ જવાયા હતા, જ્યાં રોકડ ભરેલી બેગ આંચકી બંને લૂંટારુ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ઓઢવ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

બેંકમાંથી ₹34 લાખ ઉપાડીને જતાં મોપેડ ચાલકનું અપહરણ બાદ લૂંટ

મળતી માહિતી મુજબ, કેતનભાઈ પરીખ નામના વ્યક્તિ બેંકમાંથી રૂ.34 લાખ ઉપાડીને પોતાની પેઢીમાં જમા કરાવવા મોપેડ પર નીકળ્યા હતા. મોડી સાંજે તેઓ જ્યારે ઓઢવ રાજેન્દ્ર પાર્ક બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કારમાં આવેલા બે અજાણ્યા શખસોએ તેમનું મોપેડ અટકાવ્યું હતું. બંને શખસોએ કેતનભાઈને બળજબરીપૂર્વક પકડીને રૂપિયા ભરેલી બેગ સાથે કારમાં બેસાડી દીધા હતા. આરોપીઓ કેતનભાઈનું અપહરણ કરી સીધા ગાંધીનગરના ધોળાકૂવા તરફ લઈ ગયા હતા. ત્યાં પહોંચીને તેમની પાસેથી રૂ.34 લાખ ભરેલી બેગ આંચકી લીધી હતી અને કેતનભાઈને રસ્તા પર ઉતારી બંને શખસો કાર લઈને અંધારામાં નાસી છૂટ્યા હતા.

લૂંટારુઓ ગયા બાદ કેતનભાઈએ તુરંત પોતાની પેઢી તેમજ ઓઢવ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ઓઢવ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તપાસમાં જોડાયો છે. પોલીસે નારોલ-નરોડા હાઇવે, એક્સપ્રેસ-વે તેમજ અમદાવાદથી ગાંધીનગર તરફ જતા તમામ માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે.

ઓઢવ પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી

ગુનામાં વપરાયેલી કારના નંબર અને મોડલના આધારે આરોપીઓ સુધી પહોંચવા અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. તો બીજી તરફ લૂંટારુઓને કેતનભાઈ ચોક્કસ રૂટ પરથી મોટી રકમ લઈને પસાર થવાના છે તેની પૂર્વ માહિતી હોવાની પ્રબળ આશંકા છે. બેંકથી નીકળ્યા ત્યારથી જ કાર પીછો કરી રહી હતી કે કેમ, તેમજ પેઢીના કોઈ આંતરિક વ્યક્તિએ માહિતી પૂરી પાડી હતી કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે.