Ahmedabad

મુંબઈથી સ્કૂલે જવાનું કહી ઘરેથી નીકળેલી 2 સગીરાઓ અમદાવાદમાંથી મળી, સાબરમતી સ્ટેશને ટ્રેનમાંથી રેલવે પોલીસે હેમખેમ રેસ્ક્યૂ કરી

By GS Team
16 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈથી સ્કૂલે જવાનું કહીને ગુમ થયેલી 15 અને 12 વર્ષની 2 સગીરાઓને અમદાવાદ રેલવે પોલીસે સાબરમતી રેલવે સ્ટેશન પરથી શોધી કાઢી છે. મુંબઈ પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી મળેલી બાતમીના આધારે અમદાવાદ રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે લખનઉ–સાબરમતી એક્સપ્રેસમાંથી બંનેને સુરક્ષિત રીતે શોધી, કાયદેસર કાર્યવાહી બાદ તેમના વાલીઓને સોંપી, પરિવારે રાહત અનુભવી.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈથી સ્કૂલે જવાનું કહી ઘરેથી નીકળેલી 2 સગીરાઓ અમદાવાદમાંથી મળી, સાબરમતી સ્ટેશને ટ્રેનમાંથી રેલવે પોલીસે હેમખેમ રેસ્ક્યૂ કરી

Mumbai Missing Girls Found In Ahmedabad: મુંબઈ ખાતેથી સ્કૂલે જવાનું કહીને ગુમ થયેલી બે સગીરાઓને અમદાવાદ રેલવે પોલીસે સાબરમતી રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત રીતે શોધી કાઢી છે. રેલવે પોલીસની સતર્કતાને કારણે બંને સગીરાઓ હેમખેમ મળી આવતા તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

મુંબઈથી સ્કૂલે જવાનું કહી ઘરેથી નીકળેલી 2 સગીરાઓ અમદાવાદમાંથી મળી

પ્રાપ્ત વિગતો અનુસાર, મુંબઈ ખાતે રહેતી 15 વર્ષ અને 12 વર્ષની બે બાળકીઓ પોતાના ઘરેથી સ્કૂલે જવાનું કહીને નીકળી ગઈ હતી અને ત્યારબાદ લાપતા થઈ ગઈ હતી. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં બંને ન મળતાં આખરે મુંબઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મુંબઈથી નીકળ્યા બાદ આ બંને બાળકીઓ અન્ય એક ટ્રેન મારફતે પહેલાં ઉત્તર ભારત પહોંચી ગઈ હતી.
દરમિયાન મુંબઈ પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા બાતમી મળી હતી કે બંને બાળકીઓ ટ્રેન નંબર 19402 લખનઉ–સાબરમતી એક્સપ્રેસ મારફતે અમદાવાદ તરફ આવી રહી છે. મુંબઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અમદાવાદ રેલવે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને બંને બાળકીઓના ફોટા તેમજ મુસાફરી અંગેની વિગતો શેર કરી હતી.

સાબરમતી સ્ટેશને ટ્રેનમાંથી રેલવે પોલીસે હેમખેમ રેસ્ક્યૂ કરી

રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ(LCB) પશ્ચિમ રેલવેના પોલીસની ટીમે તાત્કાલિક સાબરમતી રેલવે સ્ટેશન ખાતે વોચ ગોઠવી દીધી હતી. રાત્રે 11.05 વાગ્યે લખનઉ–સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સાબરમતી સ્ટેશને પહોંચતાં જ પોલીસે બંને સગીરાઓને ઓળખી કાઢી સુરક્ષિત રીતે પોતાના સંરક્ષણમાં લીધી હતી.

બાળકીઓ મળી આવતાં અમદાવાદ રેલવે પોલીસ દ્વારા મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસ ટીમ અને બાળકીઓના વાલીઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા, જ્યાં જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બંને બાળકીઓને તેમના વાલીઓને સોંપવામાં આવી હતી.