Ahmedabad

અમદાવાદ: કાંકરિયામાં 15 વર્ષ જૂની ટોય ટ્રેનને અપાશે વિદાય, નવી ટ્રેનનું ટ્રાયલ રન સફળ

By GS Team
19 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ પર 15-16 વર્ષ જૂની ટોય ટ્રેન બદલીને હવે 2 નવી 'મેડ ઇન ઇન્ડિયા' ટ્રેન દોડશે. રૂ. 3.54 કરોડના ખર્ચે ખરીદાયેલી આ ટ્રેનોનું ટ્રાયલ રન સફળ રહ્યું છે. કાંકરિયા કાર્નિવલ પહેલાં તેને શરૂ કરવાનું આયોજન છે, જેનાથી કોર્પોરેશનને વાર્ષિક રૂ. 1.27 કરોડની આવકનો અંદાજ છે. જોકે, 16 વિભાગોની મંજૂરી મેળવવાની પ્રક્રિયા બાકી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: કાંકરિયામાં 15 વર્ષ જૂની ટોય ટ્રેનને અપાશે વિદાય, નવી ટ્રેનનું ટ્રાયલ રન સફળ

Kankaria New Toy Train: અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે અંદાજે 15થી 16 વર્ષ જૂની થઈ ગયેલી ટોય ટ્રેનની જગ્યાએ હવે બે નવી ટ્રેન દોડતી થશે. કોર્પોરેશન દ્વારા રૂપિયા 3.54 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલી બંને નવી ટ્રેનમાંથી એકનું ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, જ્યારે બીજી ટ્રેનનું ટ્રાયલ આવતા અઠવાડિયે લેવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ પહેલાં નવી ટ્રેન શરૂ કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, ટ્રેનના નિયમિત સંચાલન પહેલાં વિવિધ વિભાગોની મંજૂરી અને લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

કાંકરિયામાં 15 વર્ષ જૂની ટોય ટ્રેનની જગ્યાએ દોડશે નવી ટ્રેન

કાંકરિયા લેકફ્રન્ટના અધિકારીના જણાવ્યા મુજબ, એક નવી ટ્રેનનું ટ્રાયલ સફળ થયું છે. હવે બીજી ટ્રેનનું ટ્રાયલ પૂર્ણ થયા બાદ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હવે લાયસન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ માટે પોલીસ, એસ્ટેટ, લાઇટ, વર્કશોપ, રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ સહિત કુલ 16 વિભાગોની મંજૂરી લેવાની રહેશે. નવી ટ્રેન શરૂ કરવા માટેની પ્રક્રિયામાં લોકોને હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને એક જ સમયે સ્થળ પર બોલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે એકસાથે તપાસ અને જરૂરી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કામગીરી દરમિયાન કોઈ જરૂરી ફેરફાર કે વ્યવસ્થા કરવાની જરૂર પડશે તો એકાદ દિવસ માટે લેક ફ્રન્ટ બંધ રાખવામાં આવી છે. અધિકારીના જણાવ્યા મુજબ, નવી ટ્રેનોનું સંચાલન આગામી દોઢથી બે મહિનામાં શરૂ થવાની શક્યતા છે. કાંકરિયા કાર્નિવલ પહેલાં તેને શરૂ કરવાની તૈયારી છે.

નવી ટ્રેનથી વર્ષે રૂપિયા 1.27 કરોડની આવકનો અંદાજ

કોર્પોરેશને કાંકરિયા લેકફ્રન્ટ માટે બે નવી ટોય ટ્રેન રૂપિયા 3.54 કરોડમાં ખરીદી છે. અધિકારીઓના અંદાજ મુજબ, નવી ટ્રેનોના સંચાલનથી કોર્પોરેશનને દર વર્ષે આશરે રૂપિયા 1.27 કરોડની આવક થવાની અપેક્ષા છે. આ ગણતરી પ્રમાણે લગભગ ત્રણ વર્ષમાં નવી ટ્રેનની ખરીદી પાછળ થયેલા ખર્ચ જેટલી આવક થવાની શક્યતા છે. ગયા વર્ષે ટોય ટ્રેનના સંચાલનમાંથી કોર્પોરેશનને આશરે રૂપિયા 1.53 કરોડની આવક થઈ હતી.

જૂની એજન્સીને જ 10 વર્ષનો કોન્ટ્રાક્ટ આપતા વિવાદ થયો હતો

નવી બંને ટોય ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી માટે જૂની એજન્સી ખોડલ કોર્પોરેશનને જ 10 વર્ષ માટે કામ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયામાં આ એજન્સી એકમાત્ર ક્વોલિફાય થયેલી બિડર બનતાં તેને ફરી કામગીરી સોંપવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ કરાર હેઠળ એજન્સી દર મહિને રૂપિયા 10.50 લાખ ચૂકવશે. હાલમાં પણ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે જૂની ટોય ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી ખોડલ કોર્પોરેશન સંભાળી રહી છે. જેને લઇને વિવાદ ઊભો થયો હતો.

વિદેશથી આવેલી ટ્રેનની જગ્યાએ હવે ‘મેડ ઇન ઇન્ડિયા’

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે હાલમાં દોડતી બંને જૂની ટોય ટ્રેનો અંદાજે 15થી 16 વર્ષ જૂની થઈ ગઈ છે. આ બંને ટ્રેનો ભારત બહારથી મગાવવામાં આવી હતી. તેની સામે નવી ખરીદવામાં આવેલી બંને ટ્રેનો વટવામાં બનાવવામાં આવી છે. એટલે કે, નવી ટ્રેનો મેડ ઇન ઇન્ડિયા છે. જૂની બંને ટ્રેનોની હાલની ઓફસેટ વેલ્યુ આશરે રૂપિયા 28.70 લાખ હોવાનું જણાવાયું છે.