રેલવેના મુસાફરો માટે ખુશખબર: હવે કાઉન્ટર પરથી ટિકિટ લેનારને પણ મળશે 10 લાખનું વીમા કવચ, માત્ર 45 પૈસા છે પ્રીમિયમ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Railways PRS Counter Ticket Travel Insurance: ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે વૈકલ્પિક મુસાફરી વીમા યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. હવે 27 ઓક્ટોબર, 2026થી રેલવેના પીઆરએસ (રિઝર્વેશન) કાઉન્ટર પરથી આરક્ષિત ટિકિટ બુક કરાવનારા પાત્ર પેસેન્જરોને પણ માત્ર 45 પૈસામાં 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળશે. અત્યાર સુધી આ સુવિધા માત્ર આઈઆરસીટીસી પરથી ઓનલાઇન ઈ-ટિકિટ બુક કરાવનારા પેસેન્જરો માટે ઉપલબ્ધ હતી. જો કે, આ વીમો સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે. તેનો લાભ લેવા માટે પેસેન્જરે વીમાનો વિકલ્પ પસંદ કરવો, મોબાઇલ નંબર આપવો અને ટિકિટ ભાડા સહિતની ચુકવણી ડિજિટલ માધ્યમથી કરવી ફરજિયાત રહેશે.
વીમામાં કેટલું કવર મળશે?
રેલવેની આ યોજના હેઠળ મુસાફરી દરમિયાન પોલિસીમાં આવરી લેવાયેલી રેલવે દુર્ઘટના અથવા અપ્રિય ઘટનામાં મૃત્યુ કે કાયમી સંપૂર્ણ દિવ્યાંગતા થાય તો 10 લાખનું વીમા કવર મળશે. કાયમી આંશિક દિવ્યાંગતા માટે 7.50 લાખ રૂપિયા સુધી અને ઇજાને કારણે હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર કરાવવાના ખર્ચ માટે 2 લાખ રૂપિયા સુધીનું કવર આપવામાં આવશે. આ ઉપરાંત, પોલિસીના નિયમો અને શરતોને આધીન મૃતદેહના પરિવહન માટે 10,000 રૂપિયાની સહાય પણ મળશે.
કયા પેસેન્જરો વીમા માટે પાત્ર થશે
આ યોજના માત્ર ભારતીય નાગરિકો માટે લાગુ પડશે. ટિકિટ બુકિંગ સમયે કન્ફર્મ, આરએસી અથવા આંશિક રીતે કન્ફર્મ ટિકિટ ધરાવતા પાત્ર પેસેન્જરો વીમાનો લાભ લઈ શકશે. એક જ પીએનઆર હેઠળ બુક કરાયેલી ટિકિટમાં વીમાનો વિકલ્પ પસંદ કરવામાં આવે તો તમામ પાત્ર પેસેન્જરોને વીમા કવચ મળશે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની બર્થ કે સીટ વિના ટિકિટ બુક કરાવી હોય તો તેમને આ વીમાનો લાભ મળશે નહીં. જ્યારે 5થી 11 વર્ષની ઉંમરના બાળકો બર્થ સાથે અથવા બર્થ વિના પણ વીમા માટે પાત્ર રહેશે.
વીમા માટે શું કરવું પડશે
પીઆરએસ કાઉન્ટર પર ટિકિટ બુક કરાવતી વખતે પેસેન્જરોએ સુધારેલા રિઝર્વેશન ફોર્મમાં વીમાનો વિકલ્પ સ્પષ્ટપણે પસંદ કરવાનો રહેશે. વીમાનું પ્રીમિયમ પ્રતિ પેસેન્જર તમામ કર સહિત 45 પૈસા રહેશે. ટિકિટ ભાડું અને વીમા પ્રીમિયમ બંનેની ચુકવણી ડિજિટલ માધ્યમથી જ કરી શકાશે.
ટિકિટ બુકિંગ બાદ વીમા પોલિસીની વિગતો પેસેન્જરના નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. ત્યાર બાદ મળેલી લિંક દ્વારા વીમા કંપનીની વેબસાઇટ પર નોમિની સહિતની જરૂરી વિગતો ભરવાની રહેશે. મૃત્યુના કિસ્સામાં વીમાની રકમ જાહેર કરાયેલા નોમિનીને મળશે. નોમિનીની વિગતો નોંધાવી ન હોય તો નિયમો મુજબ કાયદેસરના વારસદાર પ્રમાણપત્ર અથવા ઉત્તરાધિકાર પ્રમાણપત્રના આધારે વળતર ચૂકવવામાં આવશે.
પશ્ચિમ રેલવેના તમામ પીઆરએસ કેન્દ્રો પર સુધારેલા ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ પેસેન્જરોને વીમા યોજના, ડિજિટલ પેમેન્ટ અને મોબાઇલ નંબરની આવશ્યકતા અંગે માહિતી આપવામાં આવશે. વીમા પોલિસી જારી કરવાની અને દાવાઓનો નિકાલ કરવાની જવાબદારી સંબંધિત વીમા કંપનીની રહેશે.




