જૂના વાહન સ્ક્રેપમાં આપીને નવું વાહન ખરીદશો તો વાહનવેરામાં 50% રાહત, સ્ક્રેપ પોલિસીને પ્રતિસાદ ના મળતા સરકારનું નવું તિકડમ્
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Vehicle Scrappage Policy Tax Rebate : ગુજરાત સરકાર દ્વારા વાહન સ્ક્રેપ પૉલિસીને મળેલા નબળા પ્રતિસાદ બાદ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ભારત સ્ટેજ (BS-I), તેનાથી જૂના તથા BS-II ના વાહનોને અધિકૃત રીતે સ્ક્રેપ કરવા સામે નવા વાહનોની નોંધણી વખતે મોટર વ્હીકલ ટેક્સમાં 50 ટકા સુધીની રાહત આપવામાં આવશે. આ ટેક્સ કન્વેશનનો લાભ મેળવવા માટે 31 માર્ચ 2027 સુધી જારી કરાયેલા સંબંધિત 'સર્ટિફિકેટ ઑફ ડિપોઝિટ' ને ધ્યાનમાં લેવામાં આવશે.
કયા વાહનોને મળશે પૉલિસીનો લાભ?
ગુજરાતમાં નોંધાયેલા કુલ વાહનોની સંખ્યા 2 કરોડથી વધારે છે. વર્ષ 2022 માં ગુજરાત સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યમાં 41.20 લાખ વાહનો 15 વર્ષ કે તેથી વધારે જૂના હતા. જોકે, BS-I અને BS-II વાહનોની અલગ-અલગ સત્તાવાર સંખ્યા ઉપલબ્ધ નથી. આ નવી જોગવાઈ હેઠળ BS-I (જે અંદાજે વર્ષ 2000 થી લાગુ છે) અને BS-II (જે વર્ષ 2005 થી લાગુ છે) ધોરણના વાહનોને આવરી લેવાયા છે. જેમાં મુખ્યત્વે મીડિયમ-હેવી ગૂડ્સ અને પેસેન્જર વ્હીકલ્સનો સમાવેશ થાય છે.
વાહનવેરામાં રાહતની ગણતરી અને પ્રક્રિયા
નવા વાહનની ખરીદી પર નાગરિકોને કેવી રીતે લાભ મળશે તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. ધારો કે નવી કારની કિંમત રૂપિયા 10 લાખ હોય અને તેના પર 2.75 ટકા લેખે અંદાજે રૂપિયા 27,500 વાહન વેરો લાગુ પડતો હોય, તો પાત્ર જૂનું વાહન સ્ક્રેપ કરવા બદલ મળતી 50 ટકા રાહત બાદ આ રકમ ઘટીને રૂપિયા 13,750 થઈ શકે છે. ગુજરાતમાં ખાનગી વાહનો માટે લાઇફટાઇમ ટેક્સ સામાન્ય રીતે વાહનની મૂળ કિંમતના ટકાવારી આધારે વસૂલાય છે.
સર્ટિફિકેટ ઑફ ડિપોઝિટ અંગેના નિયમો
આ નિર્ણયની સૌથી મહત્વની બાબત 'સર્ટિફિકેટ ઑફ ડિપોઝિટ' છે. પાત્ર જૂનું વાહન અધિકૃત રીતે સ્ક્રેપ કરાવ્યા બાદ મળતું આ સર્ટિફિકેટ નવા વાહનોની નોંધણી વખતે રજૂ કરવાનું રહેશે, જેના આધારે નિયમો મુજબ મોટર વ્હીકલ ટેક્સમાં કન્વેશનનો લાભ મળશે. રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો સંબંધિત સ્ક્રેપ વાહન સામે અગાઉથી સર્ટિફિકેટ ઑફ ડિપોઝિટના આધારે ટેક્સ કન્વેશનનો લાભ અપાયો હોય, તો તે જ વાહન સામે ફરીથી આ જોગવાઈ હેઠળ કન્વેશન મેળવી શકાશે નહીં.




