દિવાળીમાં વતન જનારાઓ માટે ખુશખબર: ST નિગમ દોડાવશે 2400 એક્સ્ટ્રા બસો, 8000થી વધુ ટ્રીપનું આયોજન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GSRTC Diwali Extra Buses: દિવાળીના તહેવારોમાં વતન જવા નીકળતા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC) દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. નિગમ દ્વારા 4થી 7 નવેમ્બર દરમિયાન રેગ્યુલર બસ સર્વિસ ઉપરાંત અંદાજે 2400 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા 8000થી વધુ એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરાશે.
દિવાળીના તહેવારમાં સુરતમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રના રત્નકલાકારો મોટી સંખ્યામાં વતન તરફ પ્રયાણ કરે છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના લોકો દિવાળી મનાવવા વતન જતા હોવાથી સુરતથી સૌરાષ્ટ્ર તરફ વધારાની બસો દોડાવાશે. આ ઉપરાંત, પંચમહાલ અને ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ, રાજકોટ સહિતના શહેરો માટે વધારાની બસો
નિગમના આયોજન મુજબ, સુરત ઉપરાંત રાજ્યના અન્ય વિભાગો દ્વારા પણ વધારાની બસોનું સંચાલન કરાશે. સુરતથી સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર તરફ જતાં મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે.
અમદાવાદ વિભાગમાં 1800 એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન
અમદાવાદ વિભાગ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે 2થી 8 નવેમ્બર સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન કુલ 1800 વધારાની ટ્રીપ દોડાવવામાં આવશે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને કાઠિયાવાડ તરફ…
સાણંદ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને ભુજ તરફ વધારાની બસો દોડાવાશે. આ ઉપરાંત દાહોદ, ગોધરા, બાલાસિનોર અને સંતરામપુર સહિતના વિસ્તારો માટે વધારાની બસોનું સંચાલન કરાશે.
અમદાવાદ વિભાગ દ્વારા કેટલાક રૂટ પર ઓનલાઇન બુકિંગની સુવિધા સાથે વધારાની બસો દોડાવાશે,
- ગાંધીનગર–પોરબંદર
- ગાંધીનગર–જૂનાગઢ
- કૃષ્ણનગર–જૂનાગઢ
- કૃષ્ણનગર–ભાવનગર
- કૃષ્ણનગર–અમરેલી
- અમદાવાદ–ભુજ
આ ઉપરાંત, જે રૂટ પર મુસાફરોની સંખ્યા વધુ જોવા મળશે ત્યાં જરૂરિયાત મુજબ વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે.
એડવાન્સ બુકિંગની સુવિધા
વધારાની બસોમાં મુસાફરી કરવા ઇચ્છતા મુસાફરો નિગમની વિભાગીય કચેરીઓ અને ડેપો ઉપરાંત સત્તાવાર વેબસાઇટ પરથી એડવાન્સ તેમજ કરંટ ઓનલાઇન બુકિંગનો લાભ લઈ શકશે. મુસાફરો બસ સંચાલન સંબંધિત માહિતી માટે નિગમના ટોલ ફ્રી નંબર 1800 233 666666 પર 24 કલાક સંપર્ક કરી શકશે.




