પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની 9 વર્ષ બાદ કોંગ્રેસમાં ઘરવાપસીની તૈયારી! અમિત ચાવડાએ કરી પુષ્ટિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Politics: ગુજરાતમાં વોટ ચોરી અને ઈવીએમ (EVM) મશીનમાં ગડબડના આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં નહેરુબ્રિજ ખાતે દેખાવો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મુખ્ય ચૂંટણી કમિશનર ગ્યાનેશ કુમારનું માસ્ક પહેરેલી વ્યક્તિનું પ્રતિકાત્મક પ્રદર્શન કર્યું હતું તેમજ ચૂંટણી કમિશનરના પુતળાનું પણ દહન કર્યું હતું. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા (બાપુ) ફરી એકવાર કોંગ્રેસમાં ઘરવાપસીની તૈયારીઓ ચાલી રહી હોવાની પુષ્ટિ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી છે.

'જનતાનો ભ્રમ ભાંગી ગયો છે, ભાજપ સામે અસંતોષ ચરમસીમાએ': અમિત ચાવડા
આ વિરોધ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'લોકોમાં રહેલો ભ્રમ હવે તૂટી ગયો છે. એક તરફ મોંઘવારી, વારંવાર થતા પેપર લીક અને વોટ ચોરીથી જનતા ભારે પરેશાન છે. રામ મંદિરના નામે મત લીધા બાદ હવે ચંદા ચોરી થઈ રહી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ લોકો હવે ભાજપની નીતિઓ સામે એકજૂટ થઈ રહ્યા છે અને કોંગ્રેસને જ એકમાત્ર વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.'
'શંકરસિંહ વાઘેલા સહિત વિપક્ષી તાકાતો એકમંચ પર આવશે'
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતાં અમિત ચાવડાએ કહ્યું કે, 'શંકરસિંહ વાઘેલા લાંબા સમયથી ભાજપની નીતિઓ, આરએસએસ અને નરેન્દ્ર મોદી સામે અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમની પાર્ટી સાથે પણ ચર્ચાઓ થઈ છે. લોકશાહી અને બંધારણને બચાવવા માટે આવનારા દિવસોમાં ભાજપની સરમુખત્યારશાહી સામે તમામ રાજકીય તાકાતો એક થશે. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં જનતાની અપેક્ષા મુજબ પરિવર્તન લાવવા માટે સૌ સાથે મળીને સંઘર્ષ કરશે.'
અમિત ચાવડાએ દાવો કર્યો હતો કે, 'દેશ અને ગુજરાતમાં રાજકીય સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ભાજપના ડૂબતા વહાણને છોડવા માટે તેમની જ પાર્ટીના અનેક નેતાઓ આંતરિક વિવાદથી પરેશાન થઈ ચૂક્યા છે. વિરોધ પક્ષો અને જનતાને હવે લાગી રહ્યું છે કે માત્ર કોંગ્રેસ જ સક્ષમ વિકલ્પ છે, જેથી આગામી સમયમાં તમામ વિપક્ષી નેતાઓ એક મંચ પર જોવા મળશે.'
ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ વર્ષ 2017માં પોતાના જૂથના ધારાસભ્યો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પક્ષમાં મોટું વિભાજન સર્જ્યું હતું. હવે 9 વર્ષ જેટલા લાંબા સમય બાદ ફરી એકવાર તેમની કોંગ્રેસમાં વાપસી થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર
વર્ષ | |
1960–70s | RSS પ્રચારકથી શરૂઆત, જનસંઘમાં સક્રિય થઈ સંગઠન ઊભું કર્યું. |
1977 | કપડવંજ બેઠક પરથી પ્રથમ વખત લોકસભા સાંસદ બન્યા. |
1980–84 | ભાજપના સ્થાપક સભ્ય, 1984માં રાજ્યસભા સાંસદ બન્યા. |
1989–91 | ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને ફરી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા. |
1995 | ભાજપ સામે 47 ધારાસભ્યો સાથે બળવો ('ખજૂરાહો કાંડ'). |
1996–97 | 'રાજપા'ની સ્થાપના કરી અને કોંગ્રેસના ટેકાથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. |
1998 | 'રાજપા'નું કોંગ્રેસમાં વિલીનીકરણ કર્યું. |
2004–09 | મનમોહન સિંહ સરકાર (UPA-1)માં કેન્દ્રીય કાપડ મંત્રી બન્યા. |
2012–17 | કપડવંજથી ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા. |
2017 | રાજ્યસભા ચૂંટણી ટાણે કોંગ્રેસ છોડી 'જનવિકલ્પ મોરચો' બનાવ્યો. |
2019 | NCPમાં જોડાઈ રાષ્ટ્રીય મહામંત્રી બન્યા (2020માં રાજીનામું). |
2024 | 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી'ની જાહેરાત કરી. |
2026 | 9 વર્ષ બાદ ફરી કોંગ્રેસમાં ઘરવાપસીની પ્રક્રિયા તેજ. |




