Ahmedabad

અમદાવાદમાં નકલી ગરબા પાસ કૌભાંડ: AI અને સોશિયલ મીડિયાથી ઠગાઈ આચરનારા રાજસ્થાનના બે યુવકો ઝડપાયા

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે નવરાત્રિમાં ગરબા પાસ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનના 2 યુવાનોએ AI અને ઇન્સ્ટાગ્રામ જાહેરાતો દ્વારા 8 લાખના નકલી પાસ વેચી, ‘અનંત બ્રહ્માંડ’ ગરબાના નામે છેતરપિંડી આચરી હતી. પોલીસે ડિજિટલ પુરાવાના આધારે તપાસ તેજ કરી છે. નાગરિકોને સત્તાવાર વેબસાઇટ પરથી જ પાસ ખરીદવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં નકલી ગરબા પાસ કૌભાંડ: AI અને સોશિયલ મીડિયાથી ઠગાઈ આચરનારા રાજસ્થાનના બે યુવકો ઝડપાયા

Ahmedabad Garba Pass Scam: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા રસિકો સાથે આચરવામાં આવેલા 8 લાખ રૂપિયાના કથિત નકલી પાસ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) , ઇન્સ્ટાગ્રામ જાહેરાતો અને વોટ્સએપના માધ્યમથી નકલી પાસ બનાવી લોકોને છેતરનારા રાજસ્થાનના બે યુવકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી મેળવેલા ડિજિટલ પુરાવાના આધારે તપાસ તેજ કરી છે.

AIથી બનાવાયા અસલ જેવા જ દેખાતા નકલી પાસ

પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર, આરોપીઓએ 'veer.rajjputt' નામે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અને 'anantexperience@gmail.com' નામનું બનાવટી ઈમેલ આઈડી બનાવ્યું હતું. અમદાવાદમાં આયોજિત જાણીતા ‘અનંત બ્રહ્માંડ’ (Anant Brahmand) ગરબા મહોત્સવના નામ અને લોગોનો આયોજકોની જાણ બહાર ગેરકાયદે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આરોપીઓએ બુકિંગ અને પ્રમોશનલ મેસેજ તૈયાર કરવા તથા અસલ ટિકિટ જેવા જ દેખાતા ક્યૂઆર કોડ (QR Code) અને બારકોડ ધરાવતા પાસ ડિઝાઇન કરવા માટે 'ચેટજીપીટી'નો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ મેટા (Meta) પ્લેટફોર્મ પર પેઇડ ટાર્ગેટેડ જાહેરાતો ચલાવીને ગરબા શોખીનોને ભારે ડિસ્કાઉન્ટની લાલચ આપી હતી. તેની એક જાહેરાત અમદાવાદના આશરે 40 હજાર લોકો સુધી પહોંચી હતી.

ટેકનીકલ સર્વેલન્સના આધારે રાજસ્થાનના સીકરથી બંનેની ધરપકડ

સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ડિજિટલ વિશ્લેષણના આધારે તપાસ લંબાવીને રાજસ્થાનના સીકર ખાતેથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ 21 વર્ષીય વીરેન્દ્રસિંહ રાઠોડ ( BBA સ્નાતક, સિલ્વર ઓક યુનિવર્સિટી, અમદાવાદ) અને 22 વર્ષીય કિશન સિંહ રાઠોડ ( BSc સ્નાતક, રાજસ્થાન) તરીકે થઈ છે. બંને હાલ બેરોજગાર છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, 19મી ઑગસ્ટથી 14 ઑક્ટોબર વચ્ચે આચરવામાં આવેલા આ કૌભાંડમાં આશરે 686 જેટલા નકલી પાસ વેચીને 8 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. આ પૈસા બૅંક એકાઉન્ટમાં મેળવાયા બાદ અન્ય શંકાસ્પદ (મ્યુલ) એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકે ત્રીજી ઑક્ટોબરે કેસ નોંધાયા છતાં આરોપીઓ જોધપુર, બિકાનેર અને સીકર જેવા શહેરોમાં લોકેશન બદલીને નકલી પાસનું વેચાણ ચાલુ રાખતા હતા.

આ મામલે પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત સાયબર સેલે નાગરિકોને અપીલ કરી છે કે સત્તાવાર વેબ સાઇટ સિવાય અજાણ્યા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી બજાર કિંમત કરતાં ખૂબ સસ્તા દરે મળતા પાસ ખરીદવાનું ટાળવું. જો કોઈ સાથે આવી છેતરપિંડી થઈ હોય તો તેમણે તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવા અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવા જણાવાયું છે.