Ahmedabad

અમદાવાદમાં EWS આવાસોમાં ગેરકાયદે રહેતા 290ને નોટિસ: એક સપ્તાહમાં પુરાવા રજૂ કરવા આદેશ, 43 મકાન સીલ

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં AMC દ્વારા EWS આવાસોમાં ગેરરીતિ સામે કાર્યવાહી કરાઈ છે. શહેરમાં કુલ 13,779 આવાસોની તપાસમાં 290 મકાનોમાં ગેરકાયદે રહેતા હોવાનું જણાયું. આથી, સંબંધિત માલિકોને નોટિસ અપાઈ છે અને અત્યાર સુધીમાં 43 EWS આવાસ સીલ કરાયા છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 281 નોટિસ અપાઈ છે. આ તપાસ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં EWS આવાસોમાં ગેરકાયદે રહેતા 290ને નોટિસ: એક સપ્તાહમાં પુરાવા રજૂ કરવા આદેશ, 43 મકાન સીલ

Ahmedabad AMC EWS Housing Inspection: અમદાવાદ શહેરમાં સ્લમ રીહેબિલિટેશન યોજના હેઠળ ઝૂંપડાંવાસીઓ અને શહેરી ગરીબો માટે ફાળવવામાં આવેલા EWS આવાસોમાં નિયમ વિરુદ્ધ રહેતા લોકો સામે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. શહેરના વિવિધ ઝોનમાં કુલ 13,779 EWS આવાસોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 290 મકાનોમાં ગેરકાયદે રીતે રહેતા હોવાની બાબત ધ્યાનમાં આવતા સંબંધિત મકાનમાલિકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. નોટિસ મળ્યાના એક સપ્તાહમાં જરૂરી પુરાવા રજૂ કરી સ્પષ્ટતા કરવા જણાવાયું છે. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 43 EWS આવાસ સીલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ગેરકાયદે ભાડે રહેતા હોવાનું જણાયેલા ચાર મકાનોને સીલ કરવામાં આવ્યા હતા. અગાઉની કાર્યવાહીને સહિત અત્યાર સુધીમાં કુલ 43 આવાસ સીલ કરાયા છે.

અમદાવાદમાં EWS આવાસોમાં ગેરકાયદે રહેતા 290ને નોટિસ

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 5,938 EWS આવાસોની તપાસ કરવામાં આવી છે. તેમાંથી 281 મકાનોના માલિકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. જોકે, આ ઝોનમાં કોઈ આવાસ સીલ કરવામાં આવ્યો નથી. પૂર્વ ઝોનમાં 2,551 આવાસોની તપાસ દરમિયાન 7 નોટિસ અને 15 સીલિંગની કાર્યવાહી થઈ છે. પશ્ચિમ ઝોનમાં 721 મકાનોની તપાસ કરીને 15 આવાસ સીલ કરાયા છે. દક્ષિણ ઝોનમાં 779 આવાસની તપાસ દરમિયાન 9 મકાન સીલ કરવામાં આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 459 મકાનોની તપાસમાંથી 2 નોટિસ અને 4 સીલિંગ કરવામાં આવ્યા છે. ઉત્તર ઝોનમાં 3,314 તથા મધ્ય ઝોનમાં 17 મકાનોની તપાસ કરવામાં આવી હતી, પરંતુ બંને ઝોનમાં નોટિસ કે સીલિંગની કાર્યવાહી થઈ નથી.

ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 281ને નોટીસ અપાઈ

ઝોન
તપાસ કરેલ આવાસ
કારણદર્શક નોટિસ
સીલ કરેલ આવાસ
ઉત્તર
3,314
0
0
દક્ષિણ
779
0
9
દક્ષિણ પશ્ચિમ
459
2
4
મધ્ય
17
0
0
પૂર્વ
2,551
7
15
પશ્ચિમ
721
0
15
ઉત્તર પશ્ચિમ
5,938
281
0
કુલ
13,779
290
43

13,779માંથી 7 હજાર મકાનો નવા ફાળવાયા

એસ્ટેટ વિભાગે તપાસેલા 13,779 આવાસોમાંથી આશરે 7,000 મકાનો ત્રણથી ચાર મહિના પહેલાં જ ફાળવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ નવા ફાળવાયેલા મકાનોની તપાસમાં કોઈ વાંધાજનક બાબત મળી નથી. દરમિયાન અગાઉ સીલ કરવામાં આવેલા 14 આવાસોમાંથી 12 મકાનોનો સાત વર્ષનો લોક-ઇન પિરિયડ પૂર્ણ થઈ ગયો છે. હવે આ મકાનો અંગે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

તપાસ આગળ પણ ચાલુ રહેશે

EWS આવાસોમાં ગેરકાયદે કબજો, નિયમ વિરુદ્ધ ભાડે આપવું અથવા ફાળવણીના નિયમોનો ભંગ થતો હોય તેવા કિસ્સાઓ શોધવા માટે આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રાખવામાં આવશે. હાલ 290 મકાનોને આપવામાં આવેલી કારણદર્શક નોટિસના જવાબ અને રજૂ કરાયેલા પુરાવાના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.