શ્વાનને પણ સન્માનજનક અંતિમ વિદાય, અમદાવાદમાં 9 મહિનામાં 600 અંતિમ સંસ્કાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Pet Crematorium: સન્માનજનક અંતિમ વિદાય… માત્ર માણસો જ નહીં પશુઓને પણ સન્માનજનક વિદાય મળવી જોઈએ. તેવા આશય સાથે લોકો પોતાના બાળકની જેમ ઉછેરેલા શ્વાન અને બિલાડીના અગ્નિ સંસ્કાર કરી તેને વિધિપૂર્વક વિદાય આપી રહ્યા છે. બહેરામપુરાના ડોગ ક્રેમેટોરિયમમાં શ્વાનની અંતિમક્રિયા માટે રીતસરનું વેઈટિંગ ચાલતું હોય પેટ ઓનર્સને એપોઈન્ટમેન્ટ લઈને આવવું પડે છે. છેલ્લાં નવ મહિનામાં અહીં 600 પાલતુ શ્વાન અને બિલાડી તેમજ રખડતા શ્વાનના અગ્નિ સંસ્કાર કરાયા છે.
અંતિમક્રિયા માટે પણ વેઈટિંગ, એપોઈન્ટમેન્ટ લેવાની પડતી ફરજ
અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા જાન્યુઆરીમાં બહેરામપુરા વિસ્તારમાં શ્વાન માટે રાજ્યનું પ્રથમ ડોગ ક્રેમેટોરિયમ ઊભું કરાયું હતું. રાજકોટ, સુરત, ભાવનગર, મહેસાણા સહિત રાજ્યભરમાંથી લોકો પોતાના વ્હાલસોયા શ્વાનના અંતિમ સંસ્કાર માટે અમદાવાદ આવી રહ્યા છે. આ ઉપરાંત જયપુર અને ઉદયપુરથી પણ 8થી 10 કલાકની મુસાફરી કરી શ્વાનની અંતિમ ક્રિયા માટે પરિવાર આવે છે. 547 પાલતુ શ્વાન અને બિલાડી તેમજ 53 રખડતા શ્વાન સહીત નવ મહિનામાં સીએનજી ભઠ્ઠીમાં 600 પાલતુ પશુઓના અગ્નિ સંસ્કાર કરાયા છે.

માણસની જેમ જ અંતિમક્રિયા પહેલાં શ્વાનને નવડાવી, શરીર પર ઘી લગાડી, ફૂલ ચઢાવી, કંકુ છાંટી રડતી આંખે તેમને વિદાય અપાય છે. એક શ્વાનની અંતિમ ક્રિયામાં ત્રણેક કલાકનો સમય લાગે છે. કેટલીક વખત તો એક જ દિવસમાં પાંચથી સાત શ્વાનની અંતિમક્રિયા માટે ફોન આવતા રીતસરની એપોઈન્ટમેન્ટ આપવી પડે છે. આ સ્થિતિને પહોંચી વળવા મ્યુનિ.ના કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા 60 લાખ રૂપિયાના ખર્ચે શહેરમાં બે નવા ડોગ ક્રેમેટોરિયમ બનાવવાનું આયોજન કરાયું છે. જેમાંથી એક વસ્ત્રાલમાં અને બીજું પશ્ચિમ વિસ્તારમાં રિંગ રોડ નજીક તૈયાર કરાશે. સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂત જણાવે છે કે, હાલનું ડોગ સ્મશાન માત્ર 30 લાખના ખર્ચે તૈયાર થઈ ગયું છે જેમાં તમામ વ્યવસ્થાઓ આવી ગઈ છે.
માણસની જેમ શ્વાનના પણ અસ્થિકુંભ લોકો હરિદ્વાર, ચાણોદ લઈ જાય છે
ફક્ત અગ્નિ સંસ્કારથી અંતિમ ક્રિયા પૂરી ગણાતી નથી. અસ્થિકુંભ નદીમાં પધરાવ્યા બાદ જ વિધિ સંપન્ન મનાય છે. ત્યારે માણસની જેમ જ અગ્નિ સંસ્કાર બાદ સ્મશાનમાં શ્વાન, બિલાડીની અસ્થિઓ કુંભમાં ભરી ઉપર લાલ કપડું બાંધી તેના પર નામ લખીને સાચવી રાખવામાં આવે છે. પેટ ઓનર્સ બીજા દિવસે તેમના અસ્થિકુંભ લઈ તેને નદીમાં પધરાવી વિધિ પૂર્ણ કરે છે. થલતેજના યુવક શ્વાનની અસ્થિ લઈને હરિદ્વાર ગયા હતા. જ્યારે બીજા એક મહિલા શ્વાનના અસ્થિકુંભ તેમના વતન કલકત્તા લઈ ગયા હતા. કેટલાક પેટ ઓનર અસ્થિ વિસર્જન માટે ખાસ ચાણોદ જાય છે.




