Ahmedabad

અમદાવાદ : દશેરા માટે AMCની કડક ગાઈડલાઈન, નિયમો તોડનાર વેપારી સામે કડક પગલાં

By GS Team
16 Oct 20262 mins read
TukuTouch Logo
દશેરા પૂર્વે અમદાવાદમાં ફાફડા-જલેબીની વધતી માગ વચ્ચે, કોર્પોરેશનના ફૂડ વિભાગે વેપારીઓને ચેતવણી આપી છે. ફૂડ બિઝનેસ ઓપરેટરોને નિયમોનું પાલન કરવા તાકીદ કરાઈ છે. નિયમભંગ જણાશે તો લાયસન્સ રદ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી થશે. વાસી ખોરાક, અસ્વચ્છતા અને ભેળસેળ સામે કડક પગલાં લેવાશે. નાગરિકોને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળે તે માટે તંત્ર સક્રિય બન્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ : દશેરા માટે AMCની કડક ગાઈડલાઈન, નિયમો તોડનાર વેપારી સામે કડક પગલાં

Dussehra Food Safety Ahmedabad: દશેરાના તહેવાર દરમિયાન અમદાવાદમાં ફાફડા, જલેબી અને અન્ય મીઠાઈ-નાસ્તાની માગ વધતી હોવાથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. નાગરિકોને સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે કોર્પોરેશનના ખાદ્ય સુરક્ષા વિભાગે ફૂડ બિઝનેસ ઓપરેટરોને નિયમોનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરી છે. તપાસ દરમિયાન નિયમોનો ભંગ જણાશે તો નોટિસ અને દંડ ઉપરાંત લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

દશેરા પહેલાં ફાફડા-જલેબીના વેપારીઓને તાકીદ

દશેરા દરમિયાન ફાફડા-જલેબીની ખરીદીમાં વધારો થતો હોવાથી ખાસ કરીને ખાદ્ય પદાર્થોમાં વપરાતા કાચા માલ, તેલ અને ઘીની ગુણવત્તા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ફાફડા બનાવવા માટે ચણાના લોટમાં મકાઈ, ચોખા, વટાણા કે ખેસારીનો લોટ અઘોષિત રીતે ભેળવવો નહીં. ખાદ્ય પદાર્થોમાં વપરાયેલા ઘટકો અંગે ગ્રાહકોને સાચી માહિતી આપવી પણ જરૂરી છે.

બગડેલા તેલનો ફરી ઉપયોગ નહીં ચાલે

ફાફડા, જલેબી અને અન્ય તળેલી વાનગીઓ બનાવવા માટે વારંવાર તળવાથી બગડેલા તેલનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે. તળવાના તેલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC)નું પ્રમાણ 25 ટકાથી વધુ ન હોવું જોઈએ. આ ઉપરાંત, મીઠાઈ કે અન્ય ખાદ્ય પદાર્થો શુદ્ધ ઘીમાં બનાવ્યા હોવાનો દાવો કરવામાં આવે તો તે હકીકત અને પુરાવા આધારિત હોવો જોઈએ.

વાસી ખોરાક અને અસ્વચ્છતા સામે કાર્યવાહી

ખાદ્ય પદાર્થો બનાવવાની જગ્યા, રસોડું, વાસણો અને પીરસવાની જગ્યા સ્વચ્છ રાખવી વેપારીઓ માટે જરૂરી છે. કર્મચારીઓએ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાની સાથે ખોરાકને ધૂળ અને જીવજંતુઓથી બચાવવો પડશે. ફાફડા-જલેબી ઉપરાંત ચટણી, કઢી અને પપૈયાની છીણ જેવી ખાદ્ય સામગ્રી સ્વચ્છ રીતે તૈયાર કરીને ઢાંકીને રાખવાની સૂચના આપવામાં આવી છે. વાસી અથવા દુર્ગંધયુક્ત ખોરાકનું વેચાણ અટકાવવા પણ જણાવાયું છે.

લાયસન્સ વગર વેપાર કરનારાઓ સામે પણ પગલાં

ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતા વેપારીઓ પાસે માન્ય FSSAI લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન હોવું જોઈએ. લાયસન્સની શરતોનું પાલન કરવાની સાથે ગ્રાહકોને યોગ્ય બિલ આપવાનું પણ જરૂરી છે. નિયમોનું ઉલ્લંઘન જણાય તો સંબંધિત એકમ સામે નોટિસ, દંડ, લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા અને અદાલતી કાર્યવાહી સહિતનાં પગલાં લેવામાં આવી શકે છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે શંકા હોય તો ગ્રાહકો ખરીદીનું બિલ, તારીખ અને પેકિંગની વિગતો સાચવી રાખે તે જરૂરી છે. ભેળસેળ કે શંકાસ્પદ ખાદ્ય પદાર્થ જણાય તો સ્થાનિક ખાદ્ય સુરક્ષા વિભાગ અથવા FSSAIના ફૂડ સેફ્ટી કનેક્ટ પોર્ટલ કે એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકાય છે. તહેવાર દરમિયાન વધુ વેચાણની તકનો લાભ લેવા માટે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે વેપારીઓએ સુનિશ્ચિત કરવાનું રહેશે.