અમદાવાદ: મકરબા-અસારવા વિવાદોથી લઈને અનેક વિસ્તારોમાં ગંભીર સમસ્યા! AMCની બેઠકમાં ઊભા થયા અનેક સવાલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના અસારવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરની પાણીની ટાંકીમાંથી માનવ ખોપરી અને હાડકાં મળી આવવાની ઘટના બાદ કોર્પોરેશનની પાણીની ટાંકીઓની સુરક્ષા અને જાળવણીનો મુદ્દો સંકલન સમિતિની બેઠકમાં ઉઠ્યો હતો. એલિસબ્રિજના ધારાસભ્યએ પાણીની ટાંકીઓની સુરક્ષા માટે એક્સ આર્મીમેન મૂકવા અને પંપ ચાલુ-બંધ કરવા માટે લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરવાની માગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, કોન્ટ્રાક્ટથી સંચાલિત પાણીની ટાંકીઓમાં ITI પાસ ટનલ ફિટર નથી અને કેટલીક જગ્યાએ ચા બનાવતી વ્યક્તિ કે બહારની કોઈ વ્યક્તિ ટાંકીના પમ્પ ચાલુ બંધ કરે છે. આ ઉપરાંત, મકરબા બ્રિજની ડિઝાઇનને લઈને પણ નારાજગી વ્યક્ત કરીને કોર્પોરેશનમાં બ્રિજ અને હાઉસિંગ પ્રોજેક્ટ માટે અલગ ડિઝાઇન સેલ બનાવવાની રજૂઆત કરી હતી.
પાણીની ટાંકીઓની સુરક્ષા માટે એક્સ આર્મીમેન મૂકો
રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં અસારવા પાણીની ટાંકી બાબતે એલિસબ્રિજના ધારાસભ્યએ જણાવ્યું કે, કોર્પોરેશનની પાણીની ટાંકીઓનું ઓપરેશન અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટથી આપવામાં આવે છે. અસારવાની ટાંકીમાંથી માનવ ખોપરી અને હાડકાં મળી આવવાની ઘટના બાદ ટાંકીઓની સુરક્ષા અને સંચાલન વ્યવસ્થા અંગે ગંભીરતા દાખવવાની જરૂર છે. તેમણે પાણીની ટાંકીઓ પર સામાન્ય સિક્યુરિટી ગાર્ડને બદલે એક્સ આર્મીમેન મૂકવાની રજૂઆત કરી હતી.
MLAએ વધુમાં જણાવ્યું હતું કે, પાણીની ટાંકીઓમાં પંપ ચાલુ-બંધ કરવા અને સંચાલન માટે ITI પાસ ટનલ ફિટર જેવા લાયકાત ધરાવતા કર્મચારીઓ હોવા જોઈએ. જો કે, તેમના દાવા મુજબ કોન્ટ્રાક્ટથી અપાયેલી એકપણ પાણીની ટાંકીમાં ITI પાસ ટનલ ફિટર નથી. કેટલીક જગ્યાએ ચાની કિટલી ચલાવતા લોકો તો કેટલીક જગ્યાએ બહાર રહેતા લોકો પાણીની ટાંકીના પંપ ચાલુ-બંધ કરે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટ આધારિત વ્યવસ્થાને બદલે લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરવાની માગ કરવામાં આવી હતી.
મકરબા બ્રિજની ડિઝાઇન સામે સવાલ, અલગ સેલ બનાવવા સૂચન
સંકલન બેઠકમાં મકરબા બ્રિજની ડિઝાઇનનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. બ્રિજ પૂર્ણ થયા બાદ ચાર રસ્તા પર ઉતરતો હોવાને કારણે ટ્રાફિકના આયોજનમાં મુશ્કેલીઓ ઊભી થતી હોવાની રજૂઆત સાથે ધારાસભ્યએ ડિઝાઇન સામે નારાજગી વ્યક્ત કરી હતી. ભવિષ્યમાં બ્રિજના બાંધકામ બાદ આવી સમસ્યાઓ ઊભી ન થાય તે માટે કોર્પોરેશનમાં પોતાનું ડિઝાઇન યુનિટ અથવા ડિઝાઇન સેલ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, બ્રિજ પ્રોજેક્ટની સાથે હાઉસિંગ પ્રોજેક્ટ માટે પણ અલગ ડિઝાઇન સેલ હોય તો પ્રોજેક્ટનું આયોજન વધુ યોગ્ય રીતે થઈ શકે અને બાંધકામ બાદ ઊભી થતી મુશ્કેલીઓ ટાળી શકાય. બ્રિજની ડિઝાઇન તૈયાર કરતી વખતે આસપાસના જંક્શન અને વાહનવ્યવહારને પણ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત તેમણે રજૂ કરી હતી.
77 ક્લાસ-1 અધિકારીઓ ચાર્જમાં હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો
અમિત શાહે કોર્પોરેશનમાં 77 ક્લાસ-1 અધિકારીઓ ચાર્જમાં કામ કરતા હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ચાર્જ પર કામ કરતા અધિકારીઓની કામગીરી પર અસર પડી શકે છે. તેથી ખાલી જગ્યાઓ પર કાયમી નિમણૂક કરવાની માગ કરી હતી. કોર્પોરેશનની હોસ્પિટલોમાં સુપરિન્ટેન્ડેન્ટની જગ્યાઓ પણ વર્ષોથી ચાર્જ પર ચાલતી હોવાનો ઉલ્લેખ કરીને કાયમી નિમણૂક કરવાની રજૂઆત કરી હતી, જેથી નાગરિકોને વધુ સારી આરોગ્યસેવાઓ મળી શકે.
વેજલપુરમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી લાઇનની માગ
બેઠકમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે પણ પોતાના મતવિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. વેજલપુરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા ડેડિકેટેડ સ્ટોર્મ વોટર લાઇન નાખવાની માગ કરી હતી. બુટભવાનીથી શ્રેયસ કોમ્પ્લેક્સ થઈ મકરબા સુધી સ્ટોર્મ વોટર લાઇનનું કામ ચાલી રહ્યું હોવાનું જણાવી તેમણે શિવરંજની, પાર્થ સ્કૂલની પાછળ, જીવરાજ ચાર રસ્તાની આસપાસ અને રજવાડું હોટલ પાસે સોનલ રોડ પરથી પણ લાઇન નાખવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત પમ્પિંગ અને બૂસ્ટર સ્ટેશન ઊભાં કરવા તેમજ વિસ્તારમાં નવા રસ્તા અને ગાર્ડન બનાવવા અંગે પણ માગણી કરી હતી.




