અમદાવાદ: એલિસ બ્રિજ પર યુવકનો આપઘાતનો પ્રયાસ, ફાયર અને પોલીસની ટીમે બે કલાકની ભારે જહેમત બાદ બચાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સ્વામી વિવેકાનંદ બ્રિજ (એલિસ બ્રિજ) પર એક યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કરતાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. બ્રિજ પર યુવકને જોખમી સ્થિતિમાં જોઈ લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. જોકે, ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી સમજાવટ બાદ અંતે યુવક માની જતાં તેને હેમખેમ નીચે ઉતારી લેવાયો હતો.
યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો
સ્વામી વિવેકાનંદ બ્રિજ પર એક યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કરતો હોવાની જાણ થતાં જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ અને ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ સામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. યુવક આપઘાત કરવાના મૂડમાં હોવાથી જવાનોએ અત્યંત કુનેહપૂર્વક તેની સાથે વાતચીત શરૂ કરી હતી. સતત બે કલાક સુધી ચાલેલી સમજાવટ અને ભારે જહેમત બાદ અંતે યુવક માની ગયો હતો, જેથી ફાયર અને પોલીસના જવાનોએ તેને હેમખેમ નીચે ઉતારી લીધો હતો.
યુવકને રેસ્ક્યુ કર્યા બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવકે કયા કારણાંસર આ આત્યંતિક પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો તે અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.




