'અહીં રાતે કાંડ થયો છે, ઘરેણાં ઉતારી બેગમાં મુકી દો' કહી અમદાવાદમાં વૃદ્ધાના ₹4 લાખના દાગીના લઈ નકલી પધરાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Gold Jewellery Theft: અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં 69 વર્ષીય વૃદ્ધાને સલામતીનો ડર બતાવીને 3 શખસોએ 4 લાખ રૂપિયાની કિંમતના સોનાના ઘરેણાં પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ ઠગે અસલી ઘરેણાં લઈને કાગળમાં નકલી ઘરેણાં પધરાવી દઈ ફરાર થઈ જતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મંદિરથી પરત ફરતાં રસ્તામાં રોકી ડર બતાવ્યો
મળતી માહિતી અનુસાર, 18મી ઓક્ટોબરે સવારે 69 વર્ષીય સુનીતાબહેન ગર્ગ રામદેવનગર ચાર રસ્તા પાસે આવેલ રામ મંદિરથી દર્શન કરીને બાગેશ્રી ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યો શખસ તેને ઊભા રાખીને કોર્નર પર બાઈક પર બેઠેલા અન્ય એક શખસ પાસે લઈ ગયો હતો. આ લોકોએ સુનીતાબહેનને જણાવ્યું કે અહીં રાત્રે એક કાંડ થઈ ગયો છે, તેથી તમારી સલામતી માટે તમારા ગળાની સોનાની ચેઈન અને બંગડીઓ ઉતારીને બેગમાં મૂકી દો. તે જ સમયે 20થી 25 વર્ષની ઉંમરનો ત્રીજો શખસ ત્યાં આવ્યો અને વિશ્વાસ અપાવવા માટે પોતાની વીંટી ઉતારીને આપતા કહેવા લાગ્યો કે આંટી કોઈ ડર નથી, જુઓ હું પણ મારી વીંટી આપું છું.
ત્રીજા સાગરીતે વીંટી આપી વિશ્વાસ કેળવ્યો, ચાલાકીથી ઘરેણાં બદલી નાખ્યા
આમ આ ત્રણ શખસોએ વૃદ્ધાને વિશ્વાસમાં લઈ તેમની 1 તોલાની સોનાની ચેઈન અને 3 તોલાની સોનાની બે બંગડીઓ બેગમાં મુકાવવા લીધી હતી. ત્યારબાદ તેમાંથી એક વ્યક્તિએ બંગડીને છુટ્ટી રાખવાને બદલે કાગળમાં લપેટી આપવાનું કહીને ચાલાકીથી ઘરેણાં કાગળમાં વીંટાળી બેગમાં પાછા મૂક્યા હતા અને તે કાગળ અત્યારે ન ખોલવાનું કહીને ત્રણેય જણા ઇસ્કોન ચાર રસ્તા તરફ ભાગી ગયા હતા.
સુનીતાબહેન ઘરે પહોંચીને બેગમાં તપાસ કરતા સોનાની ચેઈન ગાયબ હતી અને કાગળમાં વીંટાળેલી બંગડીઓ બીજી કોઈ ધાતુની એટલે કે નકલી હતી. આ રીતે કુલ 4,00,000 રૂપિયાના સોનાના ઘરેણાંની છેતરપિંડી અને અંગે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.




