અમદાવાદ: શાહપુર ભાજપના કોર્પોરેટરની તાળાબંધીથી BJPમાં આંતરિક વિવાદ, શહેર પ્રમુખે ચારેય કોર્પોરેટરને તેડાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad BJP Internal Dispute: અમદાવાદના શાહપુર વોર્ડમાં કોર્પોરેટર જીતેન્દ્ર ચૌહાણ દ્વારા તાળાબંધી કરવામાં આવતાં ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. આ ઘટનાને પગલે શહેર પ્રમુખ પ્રેરક શાહે શિસ્તભંગના મુદ્દે શાહપુર વોર્ડના ચારેય કોર્પોરેટરને પક્ષના કાર્યાલય ખાતે મળવા બોલાવ્યા હતા. AMCના શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર અને મહામંત્રી ઉમંગ નાયકની હાજરીમાં આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. કોર્પોરેટરની રજૂઆત સાંભળવાની સાથે અધિકારીઓ પાસેથી પણ વિગતો મેળવવામાં આવી હતી. પક્ષના નેતા મુજબ, કોર્પોરેટર દ્વારા સૂચવવામાં આવેલા 32 કામોમાંથી 28 કામ પૂર્ણ થયા છે, જ્યારે ચાર કામ બાકી છે. આ મુદ્દે હવે પક્ષની આંતરિક સંકલન બેઠકમાં વધુ ચર્ચા કરવામાં આવશે.
અન્ય પક્ષમાંથી આવ્યા, ભાજપની શિસ્ત જાણે છે: જશુ ઠાકોર
AMCના શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, કોર્પોરેટર જીતેન્દ્ર ચૌહાણની રજૂઆત સાંભળવામાં આવી છે અને સંબંધિત અધિકારી પાસેથી પણ માહિતી મેળવવામાં આવી છે. તેમણે સૂચવેલાં 32 કામોમાંથી 28 કામ પૂર્ણ થયાં છે અને ચાર કામ બાકી છે. આ અંગે પક્ષની આંતરિક સંકલન બેઠક યોજાશે, જેમાં વધુ ચર્ચા કરવામાં આવશે. જીતેન્દ્ર ચૌહાણ અગાઉ કોંગ્રેસમાં હતા અને ભાજપમાં જોડાયા બાદ કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. જશુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, જીતેન્દ્ર ચૌહાણ અન્ય પક્ષમાંથી આવ્યા છે, પરંતુ તેઓ ભાજપની શિસ્ત જાણે છે.
બે કામ પૂર્ણ થયાં હોવાનો ડેપ્યુટી કમિશનરનો દાવો
મધ્ય ઝોનનાં ડેપ્યુટી કમિશનર રમ્યા ભટ્ટે જણાવ્યું હતું કે, કોર્પોરેટર જીતેન્દ્ર ચૌહાણને ફાળવવામાં આવેલા બજેટ હેઠળના ચાર કામોમાંથી બે કામ પૂર્ણ થઈ ગયાં છે. કોર્પોરેટરોને સાથે રાખીને ધારાસભ્ય સાથે નિયમિત મુલાકાતો પણ કરવામાં આવતી હોય છે. અધિકારીઓ કોર્પોરેટરોની રજૂઆતો સાંભળતા નથી અથવા કામ કરતા નથી એવું નથી, તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
અગાઉ પણ તાળાબંધીની ઘટનાઓ બની હતી
ભાજપમાં કોર્પોરેટરો અથવા તેમના પરિવારજનો દ્વારા તાળાબંધી કરવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પાલડીનાં મહિલા કોર્પોરેટરના પતિ તેમજ અસારવાના કોર્પોરેટર દ્વારા પણ તાળાબંધી કરવામાં આવી હતી. હવે શાહપુરના કોર્પોરેટર જીતેન્દ્ર ચૌહાણની ઘટનાને પગલે શહેર પ્રમુખે ચારેય કોર્પોરેટરને બોલાવી ચર્ચા કરતાં પક્ષમાં શિસ્ત અને સ્થાનિક વિકાસનાં કામો અંગેનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
શું હતી ઘટના?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન હોવા છતાં પોતાના વોર્ડમાં વિકાસનાં કામો થતાં ન હોવાની ફરિયાદ ભાજપના જ કોર્પોરેટરે ઉઠાવી હતી. જેમાં શાહપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર જિતેન્દ્ર ચૌહાણે શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે દૂધેશ્વર પાણીની ટાંકી પાસે આવેલી વોર્ડ ઓફિસમાં આસિસ્ટન્ટ સિટી ઇજનેરની ઓફિસને તાળું મારી વિરોધ નોંધાવ્યો હતો. તેણે આક્ષેપ કર્યો હતો કે, વારંવાર રજૂઆતો કરવા છતાં ગટર, પાણી અને કોર્પોરેટરના બજેટનાં કામો થતાં નથી. જો કામો નહીં થાય તો આગામી દિવસોમાં અન્ય ઓફિસોને પણ તાળાં મારવાની ચીમકી તેમણે આપી હતી. આ સાથે જ તેણે કમિશનરના રાજીનામાની માગ કરી હતી.




