Ahmedabad

અમદાવાદ: BJ મેડિકલ કોલેજમાં MBBS એડમિશનના નામે સ્કૂલ પ્રિન્સિપાલ સાથે 22.75 લાખની ઠગાઈ, નકલી લેટરથી પોલ ખુલી

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં MBBSમાં પ્રવેશ અપાવવાના બહાને એક શાળાના આચાર્ય સાથે 22.75 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આરોપીઓએ B J મેડિકલ કોલેજનો બનાવટી 'એલોટમેન્ટ લેટર' આપી કૌભાંડ આચર્યું. સોશિયલ મીડિયા રીલ્સ જોઈને સંપર્ક કરાયો હતો. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: BJ મેડિકલ કોલેજમાં MBBS એડમિશનના નામે સ્કૂલ પ્રિન્સિપાલ સાથે 22.75 લાખની ઠગાઈ, નકલી લેટરથી પોલ ખુલી

Medical College Admission Scam: અમદાવાદમાં MBBS અભ્યાસ માટે સરકારી કોલેજમાં પ્રવેશ અપાવવાના બહાને એક શાળાના આચાર્ય સાથે 22.75 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ B J મેડિકલ કોલેજનું બનાવટી 'એલોટમેન્ટ લેટર' (પ્રવેશ ફાળવણી પત્ર) આપીને આ કૌભાંડ આચર્યું હતું, જેની ખરાઈ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયા રીલ્સ જોઈને સંપર્ક કર્યો હતો

મળતી માહિતી અનુસાર, ફરિયાદી સતીષ પટેલ એક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમની 17 વર્ષની પુત્રી જ્ઞાનીએ વિજ્ઞાન પ્રવાહમાંથી ધોરણ 12 અને NEET (નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ) પાસ કરી હતી. આ દરમિયાન તેને સોશિયલ મીડિયા પર 'PIXEL MBBS' નામની કન્સલ્ટન્સીની એક રીલ્સ જોવા મળી હતી, જેમાં સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવામાં મદદ કરવાની જાહેરાત કરાઈ હતી.

જુલાઈ 2026માં જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કરતા ગોપાલ ભારદ્વાજ નામના શખસે વાતચીત કરી હતી અને 30 લાખ રૂપિયામાં પ્રવેશની વ્યવસ્થા કરી આપવાની ઓફર કરી હતી. ભારદ્વાજે 'સેન્ટ્રલ ગવર્નમેન્ટ નોમિની ક્વોટા' અને 'મેડિકલ કાઉન્સેલિંગ કમિટી' (MCC) તથા આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રવેશ અપાવવાનો દાવો કર્યો હતો.

વિવિધ બહાના હેઠળ 11 હપ્તામાં પડાવ્યા નાણાં

આરોપી ગોપાલ ભારદ્વાજ અને પંકજસિંહ રાજપૂતે સતીષ પટેલને વિશ્વાસમાં લઈ વોટ્સએપ પર દસ્તાવેજો અપલોડ કરવા અને નોંધણી માટેની લિંક્સ મોકલી હતી. ત્યારબાદ 'સર્વિસ બોન્ડ' માટે 4.5 લાખ રૂપિયા, અન્ય વિદ્યાર્થીની સીટ પુત્રીના નામે ટ્રાફિક કરવાના નામે 5 લાખ રૂપિયા તેમજ એલોટમેન્ટ લેટર અને નેશનલ મેડિકલ કમિશન (NMC)ના 'નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC)ના બહાને હપ્તા વસૂલવામાં આવ્યા હતા.

આરોપીઓએ 'PIXEL Education Service' ના નામના ખાતામાં તેમજ અન્ય UPI ID અને બૅંક ખાતાઓમાં નવમી ઓગસ્ટથી પહેલી ઓક્ટોબર, 2026 વચ્ચે કુલ 11 વ્યવહારો દ્વારા 22.75 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને રસીદો તથા ઈમેલ પણ મોકલ્યા હતા.

કોલેજમાં તપાસ કરતાં કૌભાંડનો પર્દાફાશ

આરોપીઓએ ઈમેલ મોકલી અરજી મંજૂર થયાનું જણાવી 'એલોટમેન્ટ લેટર' ડાઉનલોડ કરવા કહ્યું હતું અને વધુમાં NOC માટે નાણાં માગ્યા હતા. જોકે, ત્રીજી ઓક્ટોબરથી આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી શંકા જતાં પરિવાર સાતમી ઓક્ટોબરે પ્રવેશની અંતિમ તારીખ પહેલાં B J મેડિકલ કોલેજ ખાતે ખરાઈ કરવા પહોંચ્યો હતો.

ત્યાંના અધિકારીઓએ તેમને સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્ઞાનીના નામે જાહેર કરાયેલું એલોટમેન્ટ લેટર અસલી નથી પરંતુ બનાવટી છે. આ મામલે ભોગ બનનારે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.