અમદાવાદ: બોડકદેવમાં 3 ફૂટ લાંબી પાટલા ઘો મળી આવતાં અફરાતફરી, એનિમલ લાઈફ કેરની ટીમે રેસ્ક્યૂ કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Monitor Lizard Found in Bodakdev,Ahmedabad: અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી આશરે ત્રણ ફૂટ લાંબી પાટલા ઘો (મોનિટર લિઝાર્ડ) મળી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના અંગે વન્યજીવ પ્રેમી સંસ્થા ‘એનિમલ લાઈફ કેર’ને જાણ કરી હતી, જેના આધારે વાઈલ્ડ લાઈફ એક્સપર્ટની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થળ પર પહોંચેલી એનિમલ લાઈફ કેરની ટીમે પાટલા ઘોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારબાદ તેને માનવવસવાટથી દૂર સુરક્ષિત અને અનુકૂળ કુદરતી પર્યાવરણમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરી હતી.
પાટલા ઘો બિનઝેરી અને પર્યાવરણ માટે ઉપયોગી
એનિમલ લાઈફ કેરના વાઈલ્ડલાઈફ એક્સપર્ટે જણાવ્યું હતું કે, પાટલા ઘો સંપૂર્ણપણે બિનઝેરી હોય છે અને તે સામાન્ય રીતે માનવજીવન માટે કોઈ જોખમ ઊભું કરતી નથી. તે ઉંદર, નાના જીવજંતુઓ અને અન્ય સરીસૃપોનો શિકાર કરીને કુદરતી પર્યાવરણનું સંતુલન જાળવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.
પાટલા ઘો સાથે જોડાયેલો એક રસપ્રદ ઐતિહાસિક સંદર્ભ પણ છે. સૌથી પ્રસિદ્ધ કથાઓ મરાઠા સામ્રાજ્યના કિલ્લાઓ સાથે જોડાયેલી છે. પાટલા ઘોની પંજાની મજબૂત પકડ, લાંબા નખ અને ખડક કે દીવાલની તિરાડમાં પોતાના શરીરને જકડી રાખવાની ક્ષમતાના કારણે પ્રાચીન સમયમાં મરાઠા યોદ્ધાઓ ઊંચા કિલ્લાઓ ચઢવા માટે તેને કમરે દોરડું બાંધીને દીવાલ પર ફેંકતા હતા. તે દીવાલની તિરાડમાં મજબૂતીથી ચોંટી જતી, જેના સહારે સૈનિકો કિલ્લા પર ચઢતા હોવાની ઐતિહાસિક પરંપરા કે દંતકથા જાણીતી છે.




