Ahmedabad

VIDEO:અમદાવાદમાં દુર્ગાપૂજાના અંતિમ દિવસે 'સિંદૂર ખેલા' રમી મા દુર્ગાને અપાઈ વિદાય, 'આશ્ચે બોછોર આબાર હોબે'ના નારા ગૂંજ્યા

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન બંગાળી સમાજે ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન કર્યું હતું. 5 દિવસીય મહોત્સવની પૂર્ણાહુતિ વિજયાદશમીએ 'સિંદૂર ખેલા' અને દર્પણ વિસર્જન સાથે થઈ હતી. પરિણીત બંગાળી મહિલાઓએ મા દુર્ગાને સિંદૂર અર્પણ કરી, એકબીજાને સિંદૂર લગાવી અખંડ સૌભાગ્યની કામના કરી હતી. ઢાકની થાપ, ધુનુચી નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ 'મિની બંગાળ'નો માહોલ સર્જ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO:અમદાવાદમાં દુર્ગાપૂજાના અંતિમ દિવસે 'સિંદૂર ખેલા' રમી મા દુર્ગાને અપાઈ વિદાય, 'આશ્ચે બોછોર આબાર હોબે'ના નારા ગૂંજ્યા

Ahmedabad Durga Puja : નવરાત્રિના પર્વ દરમિયાન જ્યાં સમગ્ર અમદાવાદ ગરબાના તાલે ઝૂમી રહ્યું હતું, તો બીજી તરફ શહેરમાં વસતા બંગાળી સમાજ દ્વારા સંસ્કૃતિ અને આસ્થાના મહાપર્વ ‘દુર્ગાપૂજા’નું અત્યંત ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે મહાષષ્ઠી(છઠ્ઠા નોરતા)થી શરૂ થઈને વિજયાદશમી (દશેરા) સુધી ચાલતા આ 5 દિવસીય મહોત્સવની પૂર્ણાહુતિના દિવસે અમદાવાદમાં ‘સિંદૂર ખેલા’નો અનોખો અને રંગદર્શી માહોલ જોવા મળ્યો હતો.

‘સિંદૂર ખેલા’:અખંડ સૌભાગ્ય અને મા અંબાના આશીર્વાદનો મહાપર્વ

દુર્ગાપૂજાના અંતિમ દિવસે એટલે કે વિજયાદશમીના રોજ દશમી પૂજા અને ‘દર્પણ વિસર્જન’ બાદ બંગાળી મહિલાઓ દ્વારા પરંપરાગત ‘સિંદૂર ખેલા’ યોજવામાં આવી હતી. સફેદ અને લાલ પાલવ વાળી પરંપરાગત બંગાળી સાડીમાં સજ્જ પરિણિત મહિલાઓએ સૌથી પહેલાં મા દુર્ગાને સિંદૂર અર્પણ કર્યું હતું, તેમની આરતી ઉતારીને મીઠાઈનો ભોગ ધરાવ્યો હતો.

ત્યારબાદ મહિલાઓએ એકબીજાના ગાલ પર અને માથાના સેંથામાં ઉત્સાહપૂર્વક સિંદૂર લગાવીને અખંડ સૌભાગ્ય, પતિના દીર્ઘાયુષ્ય અને પરિવારમાં સુખ-શાંતિ માટે માતાજી પાસે દિલથી દુઆ માંગી હતી. આ દૃશ્યે સમગ્ર પંડાલને લાલ ચટાક રંગ અને ઉલ્લાસથી ભરી દીધો હતો.

ધબકતું ‘મિની બંગાળ’: ઢાકની થાપ અને ધુનુચી નૃત્યનું આકર્ષણ

બોડકદેવ, સેટેલાઇટ, કાલુપુર સહિત સમગ્ર અમદાવાદમાંથી હજારો શ્રદ્ધાળુઓ મા દુર્ગાના દર્શન અને ભક્તિનો લહાવો લેવા ઉમટી પડ્યા હતા. મહોત્સવ દરમિયાન વિશાળ પંડાલમાં મા દુર્ગા, મા સરસ્વતી, મા લક્ષ્મી, ભગવાન કાર્તિકેય અને ગણેશજીની મનોરમ્ય મૂર્તિઓની વિધિવત પૂજા-અર્ચના કરાઈ હતી. દરરોજ સાંજે ઢાકની થાપ (બંગાળી ઢોલ) અને ધૂપ-આરતી સાથે થતું ‘ધુનુચી નૃત્ય’આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ઉપરાંત, બંગાળથી આવેલા અને સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ્સ, નાટકો અને રવીન્દ્ર સંગીતના કાર્યક્રમો પણ યોજાયા હતા.

મહાપ્રસાદ અને સદીઓ જૂની પરંપરા

પૂજાના પાંચેય દિવસ દરમિયાન અહીં આવતા તમામ માઇભક્તો માટે વિશેષ ‘ભોગ’(મહાપ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખીચડી, લાબડા (શાક) અને બંગાળી મીઠાઈઓ પીરસવામાં આવી હતી. આજકાલના કોમર્શિયલ ગરબા અને ડીજેના યુગમાં પણ અમદાવાદમાં દાયકાઓથી વસતો બંગાળી સમાજ પોતાની આ ઐતિહાસિક સંસ્કૃતિને અકબંધ રાખીને સમગ્ર શહેરને 'મિની બંગાળ'ના રંગમાં રંગી દે છે. સિંદૂર ખેલા બાદ અશ્રુભીની આંખે મા દુર્ગાની પ્રતિમાનું વિસર્જન કરી “આશ્ચે બોછોર આબાર હોબે”(આવતા વર્ષે ફરી મુલાકાત થશે)ના નારા સાથે માતાજીને વિદાય આપવામાં આવી હતી.