VIDEO| અમદાવાદ: નવરાત્રિની આઠમે સદુ માતાની પોળમાં સાડી પહેરીને ગરબે ઘૂમે છે પુરુષો, જાણો 210 વર્ષથી આસ્થા પાછળની કથા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Navratri Tradition: નવરાત્રિની રાત હોય, માતાજીના ગરબા ગૂંજતા હોય અને રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓ ઢોલના તાલે ઝૂમી રહ્યા હોય. ગુજરાત માટે આ દૃશ્ય સામાન્ય છે. પરંતુ અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં આવેલી શાહપુરની સદુ માતાની પોળમાં નવરાત્રિની આઠમે એક એવી અદભુત અને અનોખી પરંપરા જોવા મળે છે, જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. અહીં પુરુષો કેડિયું કે કુર્તો નહીં, પરંતુ સ્ત્રીઓની જેમ સાડી પહેરી, ચાંદલો કરી અને બંગડીઓ સજીને માતાજીના ગરબા ગાય છે.
સંવત 1872થી ચાલી આવે છે પરંપરા
સ્થાનિક લોકો અને બારોટ સમાજના જણાવ્યા અનુસાર, સંવત 1872થી શરૂ થયેલી આ પરંપરાને આજે અંદાજે 210 વર્ષ પૂર્ણ થયાં છે. આ અનોખી ઉજવણી કોઈ મનોરંજન કે સોશિયલ મીડિયાનો નવો ફેશન ટ્રેન્ડ નથી, પરંતુ સદુ માતા (સદુબા) પ્રત્યેની અગાધ શ્રદ્ધા, આસ્થા અને પ્રાયશ્ચિતની ભાવના સાથે જોડાયેલી પરંપરા છે. આઠમના દિવસે 5 વર્ષના બાળકના જન્મથી લઈને 80 વર્ષના વડીલો સુધીના તમામ પુરુષો ભક્તિભાવપૂર્વક સાડી ધારણ કરી ગરબે ઘૂમે છે.
શું છે આ પરંપરા પાછળની લોકવાયકા?
પેઢી દર પેઢી ચાલી આવતી લોકવાયકા મુજબ, વર્ષો પહેલાં તત્કાલીન સત્તાધીશ કે સુબાની નજર સદુબા પર બગડી હતી. સદુબા અને તેમના પરિવાર—પતિ હરિસિંહ તથા પુત્રી અજૂબાના જીવનમાં આ ઘટનાથી મોટો વળાંક આવ્યો હતો. સદુબાના બલિદાન અને ત્યારબાદ તેમના દ્વારા આપવામાં આવેલા શ્રાપની ઘટના બાદ બારોટ સમાજે સદુબા પ્રત્યે આદર, પ્રાયશ્ચિત અને ભક્તિભાવ વ્યક્ત કરવા માટે સ્ત્રી વેશ ધારણ કરી સાડી પહેરીને ગરબા ગાવાની શરૂઆત કરી હતી.
કોમી એકતા અને સર્વસમાજની આસ્થાનું કેન્દ્ર
સદુ માતાની પોળની આ પરંપરાની સૌથી મોટી વિશેષતા એ છે કે આ શ્રદ્ધા માત્ર બારોટ સમાજ પૂરતી સીમિત નથી રહી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, મુસ્લિમ સમાજ તેમજ દેવીપૂજક સમાજ સહિતના વિવિધ વર્ગોના લોકો પણ સદુ માતામાં ભારે આસ્થા ધરાવે છે. લોકો સંતાનપ્રાપ્તિ, સુખ-શાંતિ કે રોજી-રોટી માટે માનતા રાખે છે અને મનોકામના પૂર્ણ થતાં આઠમના દિવસે અહીં આવીને શ્રદ્ધાપૂર્વક માનતા પૂરી કરે છે.
આજના આધુનિક યુગમાં જ્યાં દર વર્ષે નવરાત્રિમાં નવા ટ્રેન્ડ્સ અને ફેશન આવે છે, ત્યાં શાહપુરની સદુ માતાની પોળમાં નવી પેઢી પણ પોતાના પૂર્વજોની 210 વર્ષ જૂની આસ્થા અને પરંપરાને તેટલા જ ઉત્સાહથી આગળ ધપાવી રહી છે.




