Ahmedabad

અમદાવાદ: AMCમાં 20 મહિનાથી નવા SORનો અમલ નહીં, જૂના દરે ટેન્ડર પ્રક્રિયા, ઘણા કામમાં બે વખત GSTની ચુકવણી!

By GS Team
2 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેન્ડર પ્રક્રિયામાં જૂના SORના આધારે અંદાજ તૈયાર થતા હોવાનો મુદ્દો ઉઠ્યો છે. રોડ અને બિલ્ડિંગ કમિટીના ચેરમેને કમિશનરને પત્ર લખી, રાજ્ય સરકારે 13 જાન્યુઆરી 2025ના રોજ મંજૂર કરેલા નવા 2024-25 SORનો તાત્કાલિક અમલ કરવા માંગ કરી છે. જૂના SORમાં GST સહિતના ભાવ હોવા છતાં અલગથી GST ચૂકવાતો હોવાની પણ વિગતો સામે આવી છે, જે કોર્પોરેશન પર આર્થિક બોજ વધારી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: AMCમાં 20 મહિનાથી નવા SORનો અમલ નહીં, જૂના દરે ટેન્ડર પ્રક્રિયા, ઘણા કામમાં બે વખત GSTની ચુકવણી!

Ahmedabad Municipal Corporation Tender Estimates: રાજ્ય સરકારના રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા અમદાવાદ માટે વર્ષ 2024-25નું શેડ્યૂલ ઓફ રેટ્સ (SOR) તૈયાર કરીને 13 જાન્યુઆરી 2025ના રોજ મંજૂર કરવામાં આવ્યું છે. જોકે, મંજૂરીને લગભગ 20 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોર્પોરેશનમાં નવા SORનો અમલ થતો ન હોવાનો મુદ્દો સામે આવ્યો છે. હજુ પણ 2023-24 અને તેનાથી પણ જૂના SORના આધારે વિવિધ કામોના અંદાજ તૈયાર કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે. આ મામલે રોડ અને બિલ્ડિંગ કમિટીના ચેરમેને કોર્પોરેશનના કમિશનરને પત્ર લખીને રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા નવા SORનો તાત્કાલિક અસરથી અમલ કરવા જણાવ્યું છે. તેમણે હાલમાં ચાલી રહેલા કામોના અંદાજ નવા SOR મુજબ તૈયાર કરવા પણ સૂચના આપવા રજૂઆત કરી છે.

2024-25ના SORનો તાત્કાલિક અમલ કરવાની માગ

બિલ્ડિંગ કમિટીના ચેરમેને કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં ચાલી રહેલા વિવિધ કામોમાં જૂના સમયના SORના આધારે અંદાજ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે. જૂના SORના આધારે તૈયાર કરાયેલા અંદાજ અને કોન્ટ્રાક્ટર દ્વારા ભરવામાં આવતા ભાવ વચ્ચે મોટો તફાવત હોય તો ભાવનું જસ્ટિફિકેશન કરવામાં મુશ્કેલી પડી શકે છે. ટેન્ડરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ભરવામાં આવતા ભાવને ધ્યાનમાં રાખીને ટેન્ડર મંજૂર કરતી વખતે પણ ઘણી વખત નિર્ણય લેવામાં મુશ્કેલી પડતી હોવાનું પત્રમાં જણાવાયું છે. તેથી રાજ્ય સરકાર દ્વારા 13 જાન્યુઆરી 2025ના રોજ મંજૂર કરાયેલા 2024-25ના SORનો તાત્કાલિક અમલ કરવાની માગ કરવામાં આવી છે.

2023-24 જ નહીં, તેનાથી પણ જૂના SORથી ટેન્ડર

મહત્ત્વની વાત એ છે કે, કોર્પોરેશનમાં હાલમાં 2023-24 અને તે પહેલાંના SOR મુજબ પણ ટેન્ડર તૈયાર કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. કેટલીક વખત તો તેનાથી પણ જૂના SORમાંથી ભાવ લઈને કામના અંદાજ તૈયાર કરવામાં આવતા હોવાની માહિતી છે. જૂના SORમાં કેટલાક કામોના ભાવ GST સહિતના હોય છે, જ્યારે નવા SORમાં GST સહિતનો ભાવ દર્શાવવામાં આવ્યો નથી. આ તફાવતને કારણે ટેન્ડરની કિંમત અને વાસ્તવિક ખર્ચની ગણતરીમાં પણ સ્પષ્ટતા જરૂરી બને છે.

જૂના SORના ભાવમાં GST છતાં અલગથી GST ચૂકવાયો

આ સમગ્ર મામલામાં વધુ મહત્ત્વની બાબત એ છે કે, જૂના SORના આધારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય અને તેમાં GST સહિતના ભાવ લેવામાં આવ્યા હોય તો પણ કેટલીક કામગીરીમાં GST અલગથી ચૂકવવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. જો એક જ ખર્ચમાં GSTનો સમાવેશ હોવા છતાં ફરીથી GSTની ચુકવણી થઈ હોય તો તેના કારણે કોર્પોરેશન પર વધારાનો નાણાકીય બોજ આવ્યો હોવાની શક્યતા છે. આ મુદ્દે રોડ અને બિલ્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓનું ધ્યાન દોર્યું હોવાનું જાણવા મળે છે. તેમણે અધિકારીઓને તાકીદ કરી છે કે GSTની રકમ અલગ કરીને જ કામની દરખાસ્ત કમિટી સમક્ષ મૂકવામાં આવે અને શક્ય હોય ત્યાં સુધી નવા SOR મુજબ જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે.

નવા SORનો અમલ કરવાની વાત, પરંતુ વેબસાઇટ પર SOR જ ઉપલબ્ધ નહીં

એક તરફ કોર્પોરેશનમાં નવા SORના આધારે ટેન્ડર તૈયાર કરવાની સૂચના આપવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પર 2024-25નો નવો SOR ઉપલબ્ધ જ ન હોવાની બાબત પણ સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા 13 જાન્યુઆરી 2025ના રોજ નવા SORને મંજૂરી આપવામાં આવી હોવા છતાં કોર્પોરેશનની વેબસાઇટ પર તે ઉપલબ્ધ ન હોવાથી કોન્ટ્રાક્ટરો અને સંબંધિત એજન્સીઓને નવા દરોની માહિતી મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. .