Ahmedabad

અમદાવાદ: કૃષ્ણનગરમાં કપડાંની આડમાં વિદેશી દારૂ મંગાવવાનું નેટવર્ક ઝડપાયું, 7 લાખના મુદ્દામાલ સાથે ત્રણ પકડાયા

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કૃષ્ણનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાંથી પોલીસે ₹6.33 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો છે. જૂના કપડાંની આડમાં સંતાડેલો 2,736 ક્વાર્ટર દારૂ, 3 ટુ-વ્હીલર અને 4 મોબાઈલ સહિત ₹7.78 લાખનો મુદ્દામાલ જપ્ત થયો. નિશીત શાહ સહિત 3 આરોપી પકડાયા, જ્યારે રાજસ્થાનથી દારૂ મોકલનાર અને સ્થાનિક ખરીદનાર 2 વોન્ટેડ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: કૃષ્ણનગરમાં કપડાંની આડમાં વિદેશી દારૂ મંગાવવાનું નેટવર્ક ઝડપાયું, 7 લાખના મુદ્દામાલ સાથે ત્રણ પકડાયા

Ahmedabad News: અમદાવાદના કૃષ્ણનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનમાં જૂના કપડાં ભરેલા પૂંઠાના બોક્સની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રહેણાક મકાન તથા બહાર ગેલેરીમાંથી 6.33 લાખ રૂપિયાની કિંમતની કુલ 2,736 નંગ દારૂના ક્વાર્ટર, 3 ટુ-વ્હીલર અને 4 મોબાઇલ ફોન સહિત કુલ 7.78 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજસ્થાનથી જથ્થો મોકલનાર અને સ્થાનિક સ્તરે જથ્થો મેળવનાર અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ટુ-વ્હીલરથી અમદાવાદમાં દારૂ સપ્લાય કરતા હતા

કૃષ્ણનગર પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 1422માં રહેતો નિશીત ઉર્ફે નિશુ શાહ બહારથી વિદેશી દારૂનો જથ્થો પોર્ટલ મારફતે જૂના કપડાંની આડમાં મંગાવીને પોતાના મકાનમાં તેમજ બહાર ગેલેરીમાં રાખે છે અને ટુ-વ્હીલર વાહનો મારફતે ડિલિવરી કરે છે. બાતમીના આધારે દરોડો પાડતાં બ્લોકની નીચેથી નિશીત શાહ સ્કૂટર સાથે ઝડપાયો હતો, જેમાં તપાસ કરતાં દારૂની બોટલો મળી આવી હતી.

ત્યારબાદ બીજા માળે મકાનમાં તપાસ કરતાં કોમન ગેલેરી અને રૂમમાંથી સેલોટેપ મારેલા પૂંઠાના બોક્સ મળી આવ્યા હતા. ત્યાં હાજર અન્ય બે શખ્સો જય ઉર્ફે દાદુ પવાર તથા કિશન શાહ પણ મળી આવ્યા હતા. બોક્સ ખોલીને જોતાં અંદરથી વિદેશી દારૂની સીલબંધ બોટલો, જૂના કપડાં, પ્લાસ્ટિકની થેલીઓ, કાતર અને હાથા વગરનું ચપ્પુ મળી આવ્યું હતું. પૂછપરછમાં આરોપી નિશીતે કબૂલાત કરી હતી કે આ જથ્થો રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા ઓમપ્રકાશ બિશ્નોઇ પાસેથી મંગાવ્યો હતો, જે પોર્ટલ મારફતે આવ્યો હતો. આ દારૂ વિજયમીલ ખાતે રહેતા હરીશ મકવાણા તથા અન્ય છૂટક ગ્રાહકોને પહોંચાડવાનો હોવાનુ સામે આવ્યું હતું.

પકડાયેલા આરોપીઓ
•નિશીત ઉર્ફે નિશુ શાહ
•જય ઉર્ફે દાદુ પવાર
•કિશન શાહ

વોન્ટેડ આરોપીઓ
•ઓમપ્રકાશ બિશ્નોઇ (રહે. સાંચોર, રાજસ્થાન - દારૂ સપ્લાય કરનાર)
•હરીશ મકવાણા (રહે. વિજયમીલ - દારૂનો જથ્થો લેનાર)