અમદાવાદ: નારોલમાં વેપારીનો ફોન ચોરી ગઠિયાઓએ ઓનલાઈન 1.16 લાખ તફડાવી લીધા, નવી મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narol Mobile Snatching: નારોલ વિસ્તારમાં વેપારીનો ચાલુ ફોને મોબાઈલ ઝૂંટવી તસ્કરોએ બેન્કિંગ એપ અને UPI થકી રૂ. 1.16 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મોડસ ઓપરેન્ડી બતાવે છે કે ચોરેલો ફોન માત્ર વેચવા માટે નહીં પણ સીધા તમારા બેન્ક ખાતા ખાલી કરવા માટે પણ વપરાઈ શકે છે
શું છે સમગ્ર ઘટના?
નારોલમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા વેપારી રોડ પર ચાલતાં ચાલતાં ફોન પર વાત કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક બાઈક પર આવેલા બે તસ્કરો તેમના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને પળવારમાં ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટના બાદ બીજા દિવસે વેપારીએ ટેલિકોમ કંપનીમાંથી પોતાના જ નંબરનું નવું સિમકાર્ડ મેળવ્યું હતું. તેમણે આ નવું સિમકાર્ડ અન્ય ફોનમાં નાખતાંની સાથે જ બેન્કમાંથી નાણાં ડેબિટ થયાના સતત મેસેજ આવવા લાગ્યા હતા.
વેપારીના ખાતામાંથી કુલ રૂ. 1.16 લાખ અન્ય બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા
તપાસ કરતાં ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, તસ્કરોએ ઝૂંટવેલા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરેલી બેન્કિંગ એપ્લિકેશન અને યુપીઆઈ (UPI) પ્લેટફોર્મનો ગેરકાયદે ઉપયોગ કરીને વેપારીના ખાતામાંથી કુલ રૂ. 1.16 લાખ અન્ય બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા. છેતરપિંડીની જાણ થતાં જ વેપારીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો. બનાવ અંગે નારોલ પોલીસે સાયબર ફ્રોડ અને આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફોન અનલોક હતો કે સિમકાર્ડ થકી OTP મેળવ્યો? મોડસ ઓપરેન્ડી પર પોલીસનું ધ્યાન
મોબાઈલ સ્નેચિંગ સામાન્ય રીતે સેકન્ડ હેન્ડ માર્કેટમાં ફોન વેચવા પૂરતું મર્યાદિત રહેતું હોય છે, પરંતુ આ કિસ્સામાં તસ્કરોએ ટેકનોલોજીનો ઉપયોગ કરી સીધા બેન્ક ખાતા પર તરાપ મારી છે. પ્રાથમિક દ્રષ્ટિએ વેપારી ફોન પર વાત કરી રહ્યા હોવાથી સ્ક્રીન અનલોક સ્થિતિમાં હોવાની શક્યતા છે અથવા તસ્કરોએ સિમકાર્ડ અન્ય ડિવાઇસમાં નાખી UPI પિન રીસેટ કરવા OTP મેળવ્યો હોવાની આશંકા છે. આ સિન્ડિકેટ માત્ર સ્થાનિક સ્નેચર્સ પૂરતી સીમિત નથી, પરંતુ ચોરીના ફોનમાંથી તાત્કાલિક સાયબર ફ્રોડ કરતી કોઈ સંગઠિત ટોળકીની સંડોવણી તરફ ઈશારો કરતી હોવાથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.




